સંસાર દર્પણ
ડિગ્રીના મોહ અને મહત્ત્વની યોગ્યતા!
-ભૂપત વડોદરિયા
જિંદગીમાં સફળ થયેલાને પૂછીએ તો એ કહેશે કે ડિગ્રીનું કંઇ મહત્ત્વ નથી. યુનિર્વિસટીની ડિગ્રી હોય કે ના હોય, તેનાથી કંઇ ફરક પડતો નથી. માણસમાં આવડત હોય, જ્ઞાન હોય, ગ્રહણશક્તિ હોય તો તે ગમે ત્યાં સફળ થઇ જાય છે. જિંદગી જેમની ઉપર ઝાઝી મહેરબાન બની નથી હોતી તેઓ કહેશે કે ડિગ્રીની કિંમત આમ તો કંઇ નથી પણ ડિગ્રી ના હોય ત્યારે તે એક ખોડ બની જાય છે. ડગલે ને પગલે આ અશક્તિ માણસને નડે છે. ડિગ્રીના વાંકે આગળ વધી નહીં શકેલા માણસો ભાગ્યને દોષ દેતાં દેતાં કહે છે કે, એક નામની પણ ડિગ્રી હોત તો હું મારી નોકરીમાં ક્યાંયનો ક્યાંય પહોંચી ગયો હોત! નોકરીમાં મેં એટલી મહેનત કરી, એટલી સાધના કરી કે મારા સાહેબો હંમેશાં મને બઢતી અપાવવા આતુર રહ્યા પણ અમુક હદ પછી એક સીમા આવી જાય છે. તમારું માથું તરત ભટકાય! તમે વધુ ઊંચા થઇ ના શકો!
કેટલાકને ડિગ્રીનો રીતસર એક મોહ હોય છે. આમાંના ઘણામાં સંભવતઃ આત્મવિશ્વાસની કંઇક ખામી હોય છે. બીજા કેટલાકને ડિગ્રી પ્રત્યે એવો મોહ નથી હોતો પણ તેમને આ અણગમતી છતાં જરૂરિયાતની ચીજ લાગે છે. એમની દલીલ એવી હોય છે ક માણસની હોશિયારી સાથે ડિગ્રીને કોઇ અતૂટ સંબંધ નથી જ નથી. પણ ડિગ્રી ચલણના એક સિક્કા જેવી છે. તેના અંતર્ગત મૂલ્યનો સવાલ જ નથી. નોકરી - વ્યવસાયના બજારમાં તેની એક માન્ય કિંમત છે એટલે તેના ટેકા વિના ચાલતું નથી.
અંગ્રેજી ભાષાનો પ્રથમ પ્રામાણિક શબ્દકોષ તૈયાર કરનાર ડો. સેમ્યુઅલ જોન્સન પાસે કોઇ ડિગ્રી નહોતી. પોતાની જાતે શીખીને અને વિશાળ વાંચનથી તેમણે અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું હતું અને વિદ્વતા તેમ જ લેખનશક્તિ પણ સિદ્ધ કર્યાં હતાં. પચીસ - છવીસ વર્ષની ઉંમરે પરચૂરણ લેખોના મહેનતાણા ઉપર પેટગુજારો કરતા, પણ હકીકતે ભૂખે મરતા જોન્સનને મિત્રોએ કહ્યું કે અંગ્રેજી ભાષાની અને અંગ્રેજી સાહિત્યની સેવા કરવાની તમારી ધગશ દાદ માગે તેવી છે પણ તમે એક નોકરી લઇ લ્યો! કોઇક શાળામાં શિક્ષકની નોકરી લઇ લ્યો! શિક્ષકને મહિને બાંધેલો પગાર મળે! તેમાં બે ટંકનું ખાવાનું અને ભાડાનું ઘર તો મળે! પછી તો સેમ્યુઅલ જોન્સન નોકરીની શોધમાં લાગી ગયા. શિક્ષકની નોકરી શોધવા નીકળ્યા એટલે ખબર પડી કે તે માટે ઓછામાં ઓછી લાયકાત ગ્રેજયુએટની ડિગ્રી ગણાય!
ડો. જોન્સનના મિત્રોને તેમના ભાષાજ્ઞાન, તેમના સાહિત્યજ્ઞાન, તેમની વિદ્વતા માટે ઘણો ઊંચો મત હતો. વળી મિત્ર માટે પ્રેમ પણ હતો. તેમણે નિરાશ થઇ રહેલા જોન્સનને આશ્વાસન આપ્યું કે, વાત માત્ર ડિગ્રીની જ છે ને? એક યુનિર્વિસટીના કુલપતિને અમે ઓળખીએ છીએ. એ પણ વિદ્યાનુરાગી માણસ છે. એને કહીશું કે ભાઇ, તમે અમારા દોસ્તની જે પરીક્ષા લેવી હોય તે લઇ લો, તે કોઇ પણ પરીક્ષામાં બેસવા તૈયાર છે! તમારી પરીક્ષા સારા માર્કે તે પાસ કરી આપે પછી તો વાંધો નથી ને? તમે તેને પછી તો એક ડિગ્રી આપી શકો ને?
જોન્સનના મિત્રોએ કુલપતિને પત્રો લખ્યા, રૂબરૂ મળ્યા પણ વિદ્યાનુરાગી કુલપતિએ કહ્યું કે, જોન્સનની વિદ્વતા માટે મને માન છે. પણ આ રીતે ડિગ્રી અપાતી નથી! યુનિર્વિસટી અલબત્ત માનદ ડિગ્રીઓ આપે છે પણ તે તો એવી કાળજી સાથે આપે છે કે આવી ડિગ્રી મેળવનાર માણસને એ ડિગ્રી વટાવવાની જરૂર જ ના હોય; માનદ ડિગ્રી મેળવનારને માટે તે માનનું એક પ્રતીક હોય છે! યુનિર્વિસટી આ કાગળનાં ફૂલ આપીને વધુ તો જાતે જ ધન્યતા અનુભવે છે. બાકી માણસ ગમે તેટલો વિદ્વાન હોય પણ તે હજુ જુવાન હોય, ગરીબ હોય, ડિગ્રીને નોકરીના બજારમાં વટાવવાની ગરજવાળો હોય તો તેને ડિગ્રી ના અપાય!
જોન્સનને ડિગ્રી ના મળી. તે દુઃખી થયો. થોડો વધુ વખત ભૂખે મર્યો પણ સરવાળે તેને ફાયદો થયો. ડિગ્રીના વાંકે શિક્ષકની નોકરી ના મળી એટલે તેણે બમણા જોશથી સરસ્વતીની આરાધના શરૂ કરી. તે વધુ સારો સર્જક બન્યો. વધુ ખ્યાતિ પામ્યો અને આગળ ઉપર માનદ ડિગ્રીનો અધિકારી પણ બન્યો.
વીસમી સદીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન શાળા - કોલેજના ભણતરમાં બહુ હોશિયાર નહોતા. તેમણે શિક્ષણપદ્ધતિની અને પરીક્ષાની પદ્ધતિની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે જ વિદ્યાર્થીને અનેક નકામા વિષયો અને નકામી માહિતી મગજમાં ઠાંસવા પડે છે. જ્ઞાનની જિજ્ઞાસા આનાથી મરી જાય છે. આઇન્સ્ટાઇન ૨૧ વર્ષની ઉંમરે માંડ માંડ ગણિતના ખાસ શિક્ષક થવા માટેની ડિગ્રી મેળવી શક્યા. પણ નોકરી ના મળી. આઇન્સ્ટાઇનના પિતાએ ગરીબ બેકાર પુત્રની પીડાથી દ્રવિત થઇને પોતાના પુત્રને નોકરી આપવા માટે એક ઓળખીતા નામાંકિત પ્રાધ્યાપક પર લખેલો પત્ર હૃદયદ્રાવક છે! આઇન્સ્ટાઇન ખૂબ જ સ્વમાની હતા તેથી દીકરાની જાણ બહાર જ પિતાએ આવો પત્ર લખેલો. પિતા મૃત્યુ પામ્યા અને ઘણાબધા વર્ષો પછી આ હકીકત બહાર આવી - પણ હકીકત બહાર એટલે આવી કે આઇન્સ્ટાઇન ક્રાંતિકારી વિજ્ઞાની તરીકે બહાર આવ્યા હતા અને હવે તેમની સફળતા - નિષ્ફળતાની નાનીમોટી વાતોમાં સૌને રસ પડ્યો હતો.
ઉત્ક્રાંતિના સિદ્ધાંતની ખાસ સમજણ ના હોય તેવો કોઇ પણ સામાન્ય માણસ એટલું જાણે છે કે કોઇક એવો વિજ્ઞાની હતો - ચાર્લ્સ ર્ડાિવન એનું નામ હતું, જેણે કાંઇક એવું સંશોધન કર્યું છે કે માણસ વાંદરામાંથી ઊતરી આવેલો છે; ચાર્લ્સ ર્ડાિવનના આ સિદ્ધાંતનો ગ્રંથ ‘ધી ઓરિજીન ઓફ સ્પેસીઝ’ના પ્રકાશનથી ખિ્રસ્તી જગતમાં ખળભળાટ થઇ ગયો હતો. ચાર્લ્સ ર્ડાિવન વિજ્ઞાની તરીકે ખ્યાતનામ બન્યા. ચાર્લ્સ ર્ડાિવનના સિદ્ધાંતની આપણે અહીં ચર્ચા નહીં કરીએ - તેમાં કેટલીક નબળી કડીઓ છે તે હવે સ્વીકારાઇ ચૂક્યું છે - ર્ડાિવનને પણ શાળા - કાૅલેજમાં ખાસ કંઇ મળ્યું નહોતું. શાળામાં તે બરાબર ભણી ના શક્યા એટલે પિતાએ તેને ઇડીનબર્ગ યુનિર્વિસટીમાં મોકલ્યા. દીકરો અહીં કંઇક વાઢકાપ-વિજ્ઞાન સર્જરીની તાલીમ લે અને દાક્તર થાય તો! ચાર્લ્સ ર્ડાર્વિનને આ કાપાકાપી ગમી નહીં એટલે છેવટે પિતાએ વિચાર્યું કે દીકરો ભણીને-ઘણીને બાહોશ થાય તેમ લાગતું નથી. તેને કેમ્બિ્રજમાં ક્રાઇસ્ટ્સ કોલેજમાં મોકલીએ. ર્ધાિમક ઉપદેશકનું કામ સહેલું છે! ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરે અને કલેર્જીમેન થાય એટલે પત્યું! આ લાઇન પણ ચાર્લ્સ ર્ડાિવનને માફક આવે તેવી નહોતી! ચાર્લ્સ ર્ડાર્વિનને નાનાં મોટાં જીવજંતુ - પ્રાણીઓ, પંખીઓમાં ઊંડો રસ હતો. આ પૃથ્વી ઉપર જીવન જે અનેક આકાર-પ્રકાર ધારણ કરે છે તેની કોઇ સળંગ સીડી છે કે પછી આ બધી વિચિત્ર રમકડાંની વખાર છે? એક અદમ્ય ઝંખના એના હૈયામાં હતી - તેણે જીવજંતુ, પંખી, પ્રાણી, માનવી, ઘણોબધો અભ્યાસ કર્યો. તેના સારરૂપે તેણે જે સિદ્ધાંત તારવ્યો તેમાં ખરેખરું સત્ય કેટલું? તેમાં ખરેખર ચતુરાઇપૂર્ણ અનુમાનોની આળપંપાળથી વધુ કંઇ છે કે નહીં - આ બધા સવાલો અહીં પ્રસ્તુત નથી પણ અહીં મુદ્દો એ છે કે જેમની વિજ્ઞાનબુદ્ધિ માટે બે મત નથી તેવા માણસને કોઇ આછીપાતળી ડિગ્રી મળી શકે તેમ નહોતું. આમાં આ કે તે યુનિર્વિસટીનો કે તેના પ્રાધ્યાપકોનો દોષ નથી. દરેક સૈકામાં અને લગભગ દરેક દેશમાં શિક્ષણની આની આ જ સમસ્યાઓ રહી છે.
દરેક દેશમાં જ્ઞાન-વિજ્ઞાન તેમ જ વેપાર - ઉદ્યોગના એક યા બીજા ક્ષેત્રમાં ડિગ્રી વગરના માણસો સાચા હીરાની જેમ ઝળકી ઊઠ્યા હોય તેવું બન્યું છે. બીજી બાજુ જાતજાતની ડિગ્રીઓના પ્રમાણપત્રો લઇને બેઠેલા માણસો કોઇક સાધારણ નોકરીમાં કે વ્યવસાયમાં દટાયેલા રહ્યા છે. તેમની શૈક્ષણિક કારકિર્દીને ડિગ્રીઓના અજવાળે જુઓ તો પ્રથમ કક્ષાની લાગે પણ તેમનું એ જ્ઞાન કોઇ નાનકડા ખેતરમાં પણ અહીંતહીં પડેલ બીજની જેમ પણ પ્રસરી ના શક્યું અને એમાંથી કોઇ લીલીછમ જ્ઞાન-વાડીનું સર્જન ના થયું. આ અનેક ડિગ્રીધારીઓની પ્રામાણિક્તાને શંકાસ્પદ ગણવાની જરૂર નથી. આવી શંકા કરીએ તો કદાચ ઘણાબધા સદ્ગુણી માણસોને અન્યાય કરી બેસીએ. આમાં થોડાક એવા હશે જેમણે માત્ર જ્ઞાનનો નિર્જીવ ભાર જ ઊંચક્યો હશે અને બટર્રાન્ડ રસેલની રમૂજમાં કહીએ તો તે જ્ઞાન-ગર્દભ (ગધેડાની જેમ જ્ઞાનનો ભાર ઉપાડનારા) હશે પણ આવા થોડાકની સામે બીજા ઘણા માણસો જ્ઞાનના સાચા સાધકો પણ હશે પણ તેમના જે ગુરુએ તેમને મંત્ર આપ્યો હશે એ ગુરુ જ ‘આગે સે ચલી આતી હૈ’ના સંપ્રદાયના હશે એટલે એ સ્થાપિત શિક્ષણ પરંપરાની બહાર નજક કરી નહીં શક્યા હોય અને વાડ કૂદી જ શક્યા નહીં હોય.
ડિગ્રી સારી કે ખરાબ તેનો આ પ્રશ્ન નથી. ડિગ્રીનો મોહ રાખવાની જેમ જરૂર નથી તેમ તેનો તિરસ્કાર કેળવવાની જરૂર નથી. ડિગ્રી મળે તો જરૂર લેવી પણ તેના વિના બધાં વહાણ ડૂબી જવાની ભીતિ રાખવાની જરૂર નથી. ડિગ્રી મળે તો તેને ભવસાગર પાર કરવાની અણડૂબ હોડી ગણી લેવાની જરૂર નથી. તમારા જ્ઞાન અને કૌશલની કક્ષા એવી હોવી જોઇએ કે તેનો પરિચય થતાંવેંત માણસ તમારી ડિગ્રી જાણીને ચકિત થાય - તમે ડિગ્રીના દીકરા નહીં, તેના દાદા લાગો. તમારી પાસે લાંબીલચક ડિગ્રી હોય પણ તમારો જ્ઞાન-વિકાસ નહિવત્ હોય તો માણસને થશે કે આને આવી મોટી ડિગ્રી કોણે આપી? ડિગ્રી જ્ઞાનના દાવાના પુરાવા તરીકે નકામી છે તો અજ્ઞાનની ક્ષમાયાચના તરીકે તો તેથી વધુ નકામી છે. આટલું સમજીને ડિગ્રી ધારણ કરવામાં કે નહીં કરવામાં વાંધો નથી. વિનોબા ભાવેની જેમ દરેક પોતાનું શૈક્ષણિક પ્રમાણપત્ર બાળી નાખી ના શકે પણ તેને ભૂલી તો જરૂર શકે છે.
( લેખકના પુસ્તકમાંથી )
1 comment:
નમસ્કાર!
આપનો બ્લોગ ” SHABD PREET: Bhupat Vadodaria - Dada's Column by ilaxi patel” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫
Post a Comment