Wednesday, August 08, 2007

હસતા ચહેરે મૌન જાળવવાની મઝા

હસતા ચહેરે મૌન જાળવવાની મઝા
- ભુપતભાઇ વડોદરિયા

કેટલાક લોકો કશું ખાનગી રાખી શકતાં નથી. તેઓ એવું કહે છે તે અમે તો પેટ છૂટી વાત કરવામાં માનીએ છીએ. અમારી આવી નિખાલસતાથી કેટલાક નારાજ થાય છે. અને એવું માને છે તે ખાનગી જેવું કશું હોવું જ ના જોઇએ. કેટલીકવાર આવી ખુલ્લી વાતો કરવાથી મિત્રો અને સંબંધીઓને નુકસાન થાય છે.

ડાહ્યો માણસ કોઇની ખાનગી વાતો ફેલાવવામાં એવું માનતો નથી કે જેમના વિશે આ વાતો હોય છે. તેમને આ વાત બહુ સારી લાગતી નથી. ઘણા બધા માણસો એ સાદી વાત સમજતા નથી કે બીજી કોઇ પણ વ્યક્તિ વિશે ખાનગી વાત ઘણા બધા ફટાકડાની જેમ ફોડે છે. આ જાતના દબાણને લીધે ઘણા બધા માણસો ક્ષોભકારક સ્થિતિમાં મુકાઇ જાય છે. એક વાત સમજવાની જરૂર છે કે કોઇપણ વ્યક્તિ વિશે ખાનગી વાત ઢોલ પીટીને જાહેર કરવાથી કોઇને કશો લાભ નથી. કેટલાક એવી શેખી કરે છે કે મારું તો ભાઇ એવું છે કે ગમે તેવો મોટોે માણસ હોય અને એની કોઇ નબળી કડી હોય તો તેની ઉપર મૌનનો પડદો ઢાંકવામાં આપણે માનતા નથી. એવા માણસો હોય છે કે જે કોઇના વિશે કશું ગુપ્ત રાખવામાં માનતા નથી. આ પ્રકારની વાતો ખુલ્લંખુલ્લા કરવાથી ઘણી બધી વ્યક્તિઓને નુકસાન પણ થાય છે અને માઠું પણ લાગે છે. જે લોકો હોઠ બંધ રાખવામાં માને છે તેમનો સ્વભાવ ઘણા બધાને વખાણવા જેવો લાગે છે.

કેટલાક માણસો ગમે તેના વિશે ગમે તેવી વાતો બોલ્યા કરે. એમને સમજાતું નથી કે કોઇનાં પણ વિશે આવી વાતો કહેવાથી બોલનાર અને સાંભળનારનું માન ઘટે છે. આપણે સૌ જાણીએ છીએ કે જાહેર જીવનમાં પડેલા માણસો જે કંઇ બેધડક બોલે છે તેનાથી તેને પોતાને અને બીજા ઘણાંને નુકસાન થાય છે. ઉચ્ચ હોદૃા પર રહેલી કેટલીક વ્યક્તિઓએ મોટા માણસો વિશે રહસ્ય જેવી વાતો કરીને જાહેર હિતને નુકસાન થયું હોય એવું પરિણામ આવ્યું છે. આપણા દેશના રાજકારણમાં આવા ઘણા દાખલા બન્યા છે. આવી વાતનો સાર એ છે કે કોઇની પણ વાતો સંદર્ભ વગર કહેવાથી કોઇને કશો ફાયદો થતો નથી. એક વાત સમજવા જેવી છે કે બધી જ વાતો ખાસ કોઇ કારણ વગર જ્યાં ને ત્યાં જાહેર કરવાથી સરવાળે બોલનાર અને સાંભળનાર બંનેની આબરૂ ઘટે છે. એક વાત સમજવા જેવી છે કે કાં તો તોળી તોળીને બોલો અને કાં તો હસતા ચહેરે મૌન જાળવો.

આપણા દેશમાં ઘણાં બધા માણસો પોતે નીડરતા બતાવવા ઠીક પડે એવાં નિવેદનો કરે છે અને પછી એવું બતાવે છે કે પોતે કોઇ પણ નિવેદન બેધડક કરવામાં માને છે. અને કોઇની આંખની શરમ રાખવામાં માનતા નથી. આવા લોકો એવું માને છે કે ગમે તેવી સ્ફોટક વાત જાહેર કરવાની હિંમત જોઇએ.

જાણવા જેવી વાત એ છે કે માણસોને ઉઘાડી ચોપડીની જેમ બધું વાંચી સાંભળાવાનું નથી. કોઇક એવી દલીલ કરે છે કે ખાનગી જેવું કશું જ ના જોઇએ. નાની મોટી વાતોમાં ગુપ્તતા ઊભી કરવી એનો કોઇ અર્થ નથી. એ વાત સાચી છે કે દરેક વાતને ઊંચા અવાજે જાહેર કરવી જરૂરી રહેતું નથી. બીજું આપણે કોઇને કંઇ પણ કહીએ પણ નજીકનું પણ નજીકનું સંબંધી હોય તે પણ ખાનગી રાખી શકાતું નથી. કેટલાક માણસો એ સમજતા નથી કે ખાનગી રાખવાને બહાને ત્રીજી વ્યક્તિને ઘણું બધુ નુકસાન થાય છે. ઘણા બધા લોકો ખાનગી વાતને બને તેટલી વધુ કહેતા રહે છે. આપણે જોઇ શકીએ છીએ કે ખાનગી વાતો કરવામાં માણસો જાણે રહસ્ય ખોલતા હોય એવું માની લે છે. કોઇ વળી કહે છે કે આપણે ભાઇ ખાનગી રાખવામાં માનતા જ નથી. કોઇની પણ વાત હોય આપણે તો બોલી નાખવામાં જ માનીએ છીએ. ઘણાં લોકો ઘણી બધી વાતો વિના કારણે ગુપ્ત રાખે છે. આવા લોકો એવું માને છે કે ઘણા બધાં રહસ્યો મારી પાસે હોય છે. પણ કોઇ વાત ખાનગી રહે એ શાણપણની નીતિ છે. છતાં મનુષ્ય સ્વભાવ જ એવો છે કે ઘણાં બધા લોકોને ખાનગી વાતો ફેલાવવી ગમે છે. એ લોકો સમજતા નથી કે આવી ખાનગી વાતો જેને ગમે છે તેને કહેવામાં સંબંધકર્તા બધાને નુકસાન જ કરે છે.
__________________

વાત સાચી છે. ઘણા બધા રહસ્ય મનમાં સમાયેલા હોય છે. જો હસતા ચહેરે મૌન રાખીએ તો એ શાણપણની નીતી છે. કહે છે "આપવીતી મુજ વિતશે..." ત્યારે ખ્યાલ આવે છે કે બીજા પર શું વિતે છે. માઠુ લાગે અને બીજાને નુકશાન થાય તેની ચિંતામાં ખુદ પોતાને ગાલે લાફો મારીને સામાને સારુ લગાડવાની વાત છે ! છતાં બીજાને આપણા વેણથી નુકશાન ન થાય માટે મૌન રાખવું અને તેમાં આપણી સભ્યતા અને સંસ્કાર છે. એક 'ડ્યુક રોબિન્સનની ચોપડી - ટ નાઈસ ફોર યોર ઓન ગુડ દરેક આ જમાના ના યુવાનોએ વાંચવા જેવી છે. - ઇલાક્ષી પટેલ