Monday, October 01, 2012

જીવનધર્મ તો શોધવો જ જોઇએ


જીવનધર્મ તો શોધવો જ જોઇએ


વા હનના ટાયર ઉપર ‘ગુડઇયર’ નામ આપણે વાંચીએ છીએ. એમ થાય કે કોણ હશે એ ‘ગુડઇયર’? આજથી એકસો નેવુ વર્ષ પહેલાં એ જન્મ્યો હતો. અમેરિકામાં જન્મેલા આ માણસનું આપણી ઉપર એક ઋણ છે. રબ્બરનો ઉપયોગ શક્ય બન્યો તે ગુડઇયરને કારણે. રબ્બરની ચીજો પહેલાં પણ અનેક બનતી, પણ રબ્બર તાપમાં ગરમીમાં ઓગળી જાય છે, ગંધાઇ ઊઠે છે. એની ગંધ નાકને એટલી તો અસહ્ય લાગે છે કે અમેરિકામાં તાપમાં ઓગળીને ગંધાઇ ઊઠેલા આવા રબ્બરને જમીનમાં શબની જેમ દાટી દેવું પડતું હતું. ચાર્લ્સ ગુડઇયરે કંગાળ ગરીબી અને દેવાના ડુંર્રિીૂબેલી હાલતમાં મરી ગયો, પણ તે ‘કંઇક’ આપતો ગયો.

મહાત્મા ગાંધી બધું જ છોડીને ભારતની પ્રજાની જાગૃતિમાં પોતાની જીવનશક્તિ હોમી દે, મોતીલાલ નહેરુ ધીકતી વકીલાત છોડીને આઝાદીના જંગમાં ઝંપલાવે કે મહર્ષિ અરવિંદ ઉજ્જવળ કારકિર્દીનાં સ્વપ્ન જોવાનું છોડીને આત્મજ્ઞાનનો પંથ પકડે ત્યારે તેમાં તેમના જીવનધર્મનો નાદ સાંભળી શકાય છે. આપણા જીવનમાં રૂપિયા અને માનસત્તાનું ચલણ એટલું બધું વધી ગયું છે કે આપણે આજીવિકાને આપણી તમામ શક્તિઓના લિલામનું બહાનું બનાવી દીધું છે. આઇન્સ્ટાઇને પોતાની શોધોનો વેપાર કરવાની ના પાડી હતી અને વેપાર માટે કોઇ શોધ કરવાની ના પાડી હતી. તેમાં તેમના જીવનધર્મની સચ્ચાઇ બોલતી હતી. અગાઉ જેમને સાહિત્યનું નોબેલ પારિતોષિક મળ્યું હતું તે યહૂદી લેખક સિંગર એક છાપાના પ્રૂફરીડર છે. પ્રૂફ વાંચનારા સિંગર, તેની વાર્તાઓને લીધે, તેની નવલકથાઓને લીધે, ઘણાં બધાં વર્ષો લગી જીવશે. પ્રૂફરીડરની નોકરી એ તો આજીવિકાનું સાધન. માણસ આજીવિકા માટે ગમે તે સાધન મેળવે એનું બહુ મહત્ત્વ નથી. અગત્યનો સવાલ એનો જીવનધર્મ શું છે એ છે. આવો જીવનધર્મ બધા માણસોની બાબતમાં અમર કીર્તિ, નામના કે વેપારી લાભની ગુંજાશવાળો હોઇ ના શકે, પણ જીવનધર્મ એ માણસની પોતાની ખુશબો છે. આપણે આજીવિકાને કારકિર્દીના મોટા ચોકઠામાં વધુ ને વધુ ગોઠવવા માંડી છે ને આમ કરીને આપણે આજીવિકાની મર્યાદિત જરૂરિયાતને ભિક્ષુકની સદા અસંતુષ્ટ યાચનામાં ફેરવી નાખી છે.

જેમ વધુ ધન મળે, વધુ નામ મળે, વધુ માન મળે, વધુ પ્રભાવ કે સત્તા મળે તેમ આપણું કામ ઊંચું! નાટકમાં એક માણસ બરાબર રાજા બને છે, પણ તે ખરેખર રાજા નથી હોતો. નાટકમાં એેક માણસ ભિખારી બને છે, પણ તે ખરેખર ભિખારી હોતો નથી. ખરી ખૂબી ત્યાં જ છે કે તે ખરેખર શું કરે છે અને તેની નજર આગળ કે પાછળ કેટલી પહોંચ છે! કેટલીક વાર એવું બને કે માણસનો જીવનધર્મ જ એવો હોય છે કે તેણે અપ્રસિદ્ધિનો અંધકાર જ ઓઢી રાખવો પડે. મૃત્યુ મેળવવું સારું, પણ પારકો ધર્મ બજાવવામાં જબરું જોખમ છે. આજીવિકાનું સાધન જે હોય તે, આપણો કોઇ જીવનધર્મ તો શોધવો જ જોઇએ.

Saturday, August 25, 2012

જિંદગીનો જામ એક મિશ્ર પીણું છે, થોડીક વાસ્તવિકતા અને થોડીક કલ્પના....


જિંદગીનો જામ એક મિશ્ર પીણું છે,  થોડીક વાસ્તવિકતા અને થોડીક કલ્પના....
-ભૂપતભાઇ વડોદરિયા

સાડત્રીસ વર્ષની ઉંમરે કેન્સરના વ્યાધિથી મૃત્યુ પામેલા આઇરિશ નાટ્યકાર જે. એમ. સીંજનું એક નાટક છે ધી વેલ ઓફ સેઇન્ટ્સ.’ આ નાટકમાં એક ભિખારી અને તેની પત્ની છે. બંને અંધ છે. એક સંતપુરુષ તેમને થોડા સમય માટે દ્રષ્ટિ આપે છે. પણ કમનસીબે આ અંધ દંપતીને આંખનું તેજ મળતાં જ એ દુઃખી દુઃખી થઈ જાય છે. આ અંધ દંપતીને આંખો નહોતી ત્યાં સુધી બંને સુખી હતાં. અંધ પતિ માનતો હતો કે પોતાની પત્ની ખૂબ રૂપાળી છે. અંધ પત્ની માનતી હતી કે પોતાનો પતિ ખૂબ દેખાવડો છે. દ્રષ્ટિ મળી ત્યારે બંનેને ખબર પડી કે હવે તેઓ એકબીજાને મુદ્દલ રૂપાળાં લાગતાં નથી. કુરૂપતાનો વાસ્તવિક ચહેરો જ આંખ સામે તરવરી ઊઠે છે. પેલો સંત આ અંધ દંપતીને હંમેશ માટે આંખોનું તેજ મળે તેવું પવિત્ર જળ આપે છેપણ પતિ જાણીબૂજીને  એ પાણી ઢોળી નાખે છે. આંખોનું તેજ પાછું આપનારું એ જળ એને જોઈતું નથીકેમ કે એ તેજને કારણે જિંદગીની રૂપાળી માનેલી છબી કદરૂપી બની જાય છે.

જે. એમ. સીંજનું આ નાટક પોણો સો વર્ષ પહેલાં તખ્તા પર રજૂ થયું ત્યારે નિષ્ફળ ગયું હતું. પણ આજે વિવેચકો આ નાટકને સીંજની એક ઉત્તમ કૃતિ ગણે છે. જે. એમ. સીંજનું સૌથી વધુ જાણીતું અને સફળ નાટક તોરાઇડર્સ ટુ ધી સી’ છે. આ પણ એક કરુણાંત નાટક છે. આ નાટકમાં એક વૃદ્ધ નારી પોતાનો પતિ અને પાંચ પુત્રીને દરિયાલાલના ખોળે ખોઈ બેઠેલી છે. છઠ્ઠો પુત્ર પણ એ ગુમાવી બેસે છે ત્યારે એ કહે છે ઃ કોઈ પણ માણસ હંમેશ માટે જીવતો રહી શકે નહીં. જેટલું જિવાય એટલું ઘણું!

પોતાની જિંદગીને નક્કર ધરતી ઉપર દોડવનારા કોઈક ક્ષણે એવું કબૂલ કરે છે કે જિંદગીનો જામ એક મિશ્ર પીણું છેથોડીક વાસ્તવિકતા અને થોડીક કલ્પનાનું એ મિશ્રણ છે. થોડીક આશા અને થોડીક ભ્રમણાનું એ અદ્ભુત મિશ્રણ છે. માણસ ગમે તે દાવો કરેકોઈ માણસ કદી નરી વાસ્તવિકતાનો તેજાબ પી શક્યો જ નથી. ગઈ કાલે એક માણસ હટ્ટોકટ્ટોહસતોકૂદતો આપણી આંખ સામે હતોએક નહીંઅનેક આંખોએ તેને નક્કર રૂપમાં જોયો હતો. આજે એ માણસ નથી! ક્યાં ગયો એ માણસકોઈને કશી ખબર નથી. આપણે જિંદગીના તખ્તા ઉપર ભાતભાતનાં દ્રશ્યો નિહાળીએ છીએહરખાઈએ છીએરડીએ પણ છીએ અને એકદમ વાસ્તવિક’, ‘ખૂબ સુંદરએવી દાદ પણ આપીએ છીએપણ આ બધાં દ્રશ્યો આપણે હજુ પળબે પળ માટે જોયાં ત્યાં તો એક અનંત શૂન્યતામાં વિલીન થઈ જાય છે. માણસની જિંદગીનો પહેલો અંક એનાં માબાપ લખતાં હશેજિંદગીનો બીજો અંક તે પોતે જાતે લખવાનો દાવો કરી શકે તેમ હશે. પણ જિંદગીનો ત્રીજો અંક

જિંદગીનો ત્રીજો અંક તો કોઈક અદ્રશ્ય હાથ લખે છે એમ ચોક્કસ માનવું પડે. ક્યારેક આ અંક કશા ઢંગધડા વગરનોકશા જ અર્થ વગરનો લાગે છે. વેઇટિંગ ફોર ગોદોના નાટ્યકાર સેમ્યુઅલ બેકેટ જેવો જ કોઈ નાટ્યકાર આકાશના કોઈક ઓઝલ ઝરૂખામાં બેઠો બેઠો અધૂરી ઘટનાઓ ઉપર પડદા પાડી દેતો હોય એવું પણ લાગે. જે તખ્તા પર અજવાળું અજવાળું આપણે જોઈ રહ્યા હોઈએ ત્યાં એકદમ અંધારું અને કાં તો ખાલીખમ તખ્તો જ્યારે જોવા મળે ત્યારે પળવાર શ્વાસ થંભી જાય! આ કઈ જાતનું નાટકપડદો તો પાડી દીધોપણ પેલા વેશ ભજવનારા ક્યાં ગયાખરેખર કશું હતા જ નહીંએ કોઈની જાદુગરી કલ્પનાના ફરજંદ હતા કે પછી એ આપણા પ્રેક્ષકોનાં દિવાસ્વપ્નો માત્ર હતાંમાણસના મોતને આખરી અંત માનવા આજે કોઈ તૈયાર નથી. કેટલાક વિજ્ઞાનીઓ જાતજાતની ધારણાઓદલીલો અને કેટલાક પુરાવા આગળ કરીને કહે છે કે મૃત્યુ એ અંત નથી. આત્માનો એકમ શું છે તેની અમને ખબર નથીપણ તેનું એક સારરૂપ તત્ત્વ મરતું નથીકોઈક બીજી અવસ્થામાં મોજૂદ રહે છે. તે ફરી વાર જન્મે છે કે કેમ તેની અમને ખબર નથી પણ આત્મતત્ત્વ’ જેવું કાંઈક છે તે નક્કી અને તે માણસની કાયાનો માટીકૂબો ભાંગી જતાં જ ત્યાં ને ત્યાં કચડાઈ કે ઓલવાઈ જતું નથી. જિંદગી જેવી છે તેવી જ તેને ચાહવી અને માણવી જોઈએ. ફેફસાં અને હૃદય હાંકનારી હવા અને એકંદર ચાલકબળ ક્યાંક બહારથી મળે છે. જિંદગીની વૃદ્ધિ અને વિલયમાં કોઈ ચોક્કસ ગણિત કે ગણતરીઓ ચાલતી નથી. કેટલાક તેની ઉપર એક આકૃતિ ઊભી કરવા મથે છેકેટલાક એમાં જાતજાતના રંગોની ભાત ઊભી કરવા મથે છે. કોઈક વળી જાતજાતનાં રક્ષણોની કાંટાળી વાડ ઊભી કરે છે. પણ સરવાળે તો આ આકાર અને આ રંગોળીની બહાર નીકળી જઈને જિંદગી પોતાનો મનસ્વી મિજાજ બતાવે જ છે.

Monday, June 25, 2012

તમારા કિસ્મતની લગામ તમારા હાથમાં લઈ લો


તમારા કિસ્મતની લગામ તમારા હાથમાં લઈ લો
-ભૂપતભાઇ વડોદરિયા


ચીલીના કવિ પેબ્લો નેરુદાનું એક કાવ્ય છેઃ ‘હું કદાચ તેને ચાહતો હતો, કદાચ હું તેને ચાહતો નહીં હોઉ, પ્રેમ બહુ ટૂંકો હતો પણ તેને ભૂલી જવાની વાત બહું લાંબી ચાલી!’

જુવાન માણસ પોતાની જિંદગીની એક કલ્પનામૂર્તિ ઘડે છે. જિંદગીની આ સ્વપ્નમૂર્તિને તે ચાહે છે. જિંદગીની એ આદર્શ મૂર્તિ અને વાસ્તવિક જિંદગી વચ્ચે અંતર વધતું જ જાય છે. પેલી મૂર્તિથી એ દૂર ને દૂર ચાલ્યો જાય છેે. એક વાર એ કલ્પનામૂર્તિને ખૂબ ચાહી હોય છે, પછી તેને ભૂલવા એ કોશિશ કરે છે. પેલી મૂર્તિ વારે વારે તેને યાદ આવ્યા કરે છે અને ભૂલવાની કોશિશ સ્વયં જ વધુ તીવ્ર યાદ બની જાય છે. અડધી જિંદગી વીતી ગયા પછી પણ એ મૂર્તિ વારે વારે મનની ક્ષિતિજ પર વીજળીની જેમ ઝબક્યા કરે છે.

માણસની જિંદગીના આદર્શ રૂપ એક હજાર હોઇ શકે છે. જિંદગીના આરંભે માણસ પોતાની જિંદગીની એક સો કલ્પના કુંડળી કાઢી શકે છે. સેલ્વેડોર ડાલી નામના ચિત્રકારે તેની આત્કથામાં લખ્યું છે  નાનો હતો ત્યારથી નેપોલિયન બનવાનું સ્વપ્ન હતું. ડાલી ચિત્રકાર બન્યો, નેપોલિયન તો ના બન્યો પણ અંગત સંબંધોમાં, દુનિયા સાથેના સંબંધોમાં તેનો વહેવાર લગભગ નાનકડા નેપોલિયન જેવો લાગે છે. જે કોઇ તેના પરિચયમાં આવે તેને એ પીડા જ આપે છે. બીજાને પીડા આપવામાં તેને કંઇક વિચિત્ર આનંદ આવે છે.

ઘણા બધા જાણ્યેઅજાણ્યે બીજાઓને. પોતાનાં આપ્તજનો સહિતના તમામ સંબંધીઓને નાની કે મોટી પીડા આપ્યા કરે છે. પોતાની ઇચ્છા મુજબનો એક હસીન ખ્યાલ પોતાની જિંદગી વિશે ઊભો કરવો તેમાં કાંઇ ખોટું નથી, પણ આ ખ્યાલ જિંદગીના છોડને બાંધી દેનારું એક લોખંડી પાંજરું બની જાય ત્યારે પોતાની જાત સાથે જ એક અથડામણ કરે છે. કેટલાક નક્કી કરેલા નકશામાં જિંદગીને આલેખી શકે છે, પણ આવું તો બહું થોડા માણસોની બાબતમાં જ બની શકે. મોટા ભાગના માણસો પોતાની જિંદગી સાથે એવી રીતે કામ પાડવાનું આવે છે કે જાણે રાત કાપવા માટે કોઇ ધર્મશાળામાં અજાણ્યા વટેમાર્ગુ સાથે ગંજીફાની બાજી રમવા બેઠા!

માણસ માટે ખાસ વિકલ્પો હોતા નથી અને તેણે પોતાના વિશે કરેલી પૂર્વકલ્પના મુજબની રમત તો તેગોઠવી જ શકતો નથી. સામાન્ય રીતે માણસ એવો અનુભવ કરે છે કે તેના કિસ્મતે, તેના સંજોગોએ, તેની લાચારીએ તેને બરાબર ડોકમાંથી પકડી લીધો છે અને જ્યાં દોરી જાય ત્યાં દોરાઇ જવું પડે છે, પણ ઇતિહાસમાં કેટલા બધા માણસોએ કિસ્મતની લગામ પોતાની ડોક કે મોંમાંથી કાઢી નાખીને પોતાના કિસ્મત ઉપર જ જાણે ચઢાવી દીધી છે. સર વોલ્ટર સ્કોટની ઐતિહાસિક નવલકથાઓમાં પાણીદાર અશ્વ કુદાવનારા નાયકોનાં રંગ નીતરતાં સાહસો વાંચનારને ખબર નથી હોતી કે વોલ્ટર સ્કોટ નાની ઉંમરે પગ વગરના થઇ ગયા હતા. સમરસેટ મોમની સરળ અને શબ્દકોશને પૂછવા જવું ના પડે તેવી રીતે વાંચી શકાતી પ્રવાહી શૈલીમાં ભીંજાઇ જનારા માણસને ખબર જ ના પડે કે મોમની પોતાની જીભ તોતડાતી હતી અને બહુ જ લાંબી કષ્ટદાયક કસરત કરીને તેણે પોતાની જીભને ઠીક ઠીક સીધી કરી હતી. માણસ જ્યારે પોતાના જીવનના આદર્શ ચરિત્રની કલ્પના કરવા બેસે છે ત્યારે ખરેખર તો તે આદર્શ સંજોગોની કલ્પના કરતો હોય છે. આદર્શ સંજોગો કદી સંભવી શકતા નથી એટલે આવા સંજોગોનો વિયોગ અનુભવીને એ રડે છે, પણ કેટલાય માણસો પ્રતિકૂળ સંજોગોની ભુલભુલામણીમાં કેમ આગળ જવું અગર આગળ ન જવાય ત્યારે પણ કઇ રીતે નાસીપાસ ના થવું અને ટકી રહેવું તેનો જ ખ્યાલ કરીને પોતાની જાતને ઘડે છે. આવો માણસ જિંદગીના ફળના જે કંઇ રસકસ છે તે ઠીક અંશે પામે છે. પાકી લીંબોળીની પણ એક મીઠાશ છે પણ પાકી લીંબોળી મોંમાં હોય ત્યારે દ્રાક્ષના વિચાર કરીને અને દ્રાક્ષ મોંમાં આવે ત્યારે પાકી લીંબોળીનો વિચાર કરીને કેટલાક મઝા મારી નાખે છે. જિંદગી જેમ જેમ ઉકેલાતી આવે તેમ તેમ તેનું ભરતગૂંથણ કરવું તેમાં મજા છે, પણ જિંદગીના આ તાણાવાણા સુતરાઉ કાપડના નહીં, રેશમના હોત તો સારું હતું, તેના વસવસામાં સુતરાઉની શોભા ખોઇ બેસવાનો કંઇ અર્થ નથી.

Saturday, April 14, 2012

સ્નેહની માયા


વિચારમંથન


સ્નેહની માયા
ભૂપતભાઇ વડોદરિયા


આ સંસાર આર્થિક લેવડદેવડનો જ કારોબાર નથી પણ માણસ માણસ વચ્ચેના સ્નેહ સંબંધનો કારોબાર છે, એટલે તો માણસને જીવન આટલું મીઠું લાગે છે. માત્ર વેપારી ગણતરીઓ ઉપર જ આ બધો કારોબાર ચાલતો હોત તો માણસ માણસ વચ્ચેના સંબંધની કોઇ મીઠાશ કે કોઇ ભીનાશ હોત નહિ મા ણસ માણસ વચ્ચે સ્નેહની માયા ન હોત તો જીવન કેવું હોત? માણસ માણસની માયા તો બરોબર છે, પણ પશુપંખીની વચ્ચે પણ એક માયા છે. જેમણે નિરીક્ષણ કર્યું છે એ જાણે છે કે જો સ્નેહ અને માયાના સંબંધ ન હોત તો જીવનમાં કોઇ રસકસ હોત જ નહિ. માયા ન હોત તો માણસોને પોતાનાં સંતાનો અંગે કોઇ પ્રકારનો લગાવ હોત નહિ. આપણે જોઇએ છીએ કે સ્નેહના સંબંધોની સાંકળ દૂર દૂર પહોંચે છે. આપણે કહીએ છીએ કે મારી માતા કે મારા પિતા અમુક વ્યક્તિ પ્રત્યે સ્નેહથી એવા બંધાયેલા હતા કે માબાપ મોજૂદ ન હોય તો પણ સંબંધોની દોરી તો ચાલ્યા જ કરે છે. કોઇ આપણને પૂછે કે આ બાળક સાથે તમારે શો સંબંધ? આપણે કહીએ છીએ કે મારી માસીને કે મારા કાકાને એને માટે ખૂબ સ્નેહભાવ હતો. આપણે જોઇએ તો ખબર પડે કે સ્નેહસંબંધનાં મૂળ બહુ ઊંડાં હોય છે. સંબંધની આ કડી આટલી અખંડ ના હોત તો માણસમાણસ વચ્ચેના સંબંધમાં આપણું અદમ્ય ખેંચાણ ના જ હોત.

એક ગૃહસ્થને કોઇએ પ્રશ્ન કર્યો કે આ યુવાન જે રીતે જીવી રહ્યો છે તો એને માટે તમને આવું આકર્ષણ કઇ રીતે હોઇ શકે? આપણે જવાબ દઇએ છીએ કે મારે તે મિત્ર સાથે સગા ભાઇ જેવો સંબંધ હતો. તેની પ્રત્યે મારી એક વણલિખિત જવાબદારી હું સ્વીકારું છું. કૌટુંબિક સંબંધ ના હોય કે બીજા કોઇ પ્રકારની સગાઇ પણ ના હોય તો પણ માણસ સ્વેચ્છાએ કેટલીક જવાબદારીઓ ઉઠાવી લે છે. એક ગૃહસ્થને કોઇએ એવો પ્રશ્ન કર્યો કે તમારો સગો દીકરો ધંધામાં કોઇ નુકસાન વહોરે તો તમે તેની જવાબદારી પાર પાડવા નૈતિક રીતે બંધાયેલા છો? પણ તમે જે યુવાન માટે આવી જવાબદારી સ્વીકારી રહ્યા છો એ તમારી કોઇ નૈતિક ફરજ નથી. એના પિતાએ તમારે માટે એવું કર્યું નથી કે એનો પુત્ર જે કંઇ ખોટ કરે તેની જવાબદારી તમારે ઉઠાવવાની હોય. એક સાચો કિસ્સો છે કે એક મિત્રના અવસાન પછી બીજા મિત્રે એની બધી જ આર્થિક જવાબદારીઓ વીકારી. મિત્રની જે મિલકત હતી તેની સાથે એને તો કશી લેવાદેવા નથી. કોઇ સમાન ભાગીદારી કે વાબદારી નહોતી જ. છતાં કેટલીક વાર માણસો આવા સ્નેહસંબંધોમાં આવી જવાબદારીઓ ઉઠાવે છે. બહુ જ નિકટના મિત્રની આર્થિક જવાબદારી માત્ર સ્નેહસંબંધને કારણે એને ઉઠાવવાની નથી જ. મિત્રની મિલકત એના વંશજો લઇ જાય અને આર્થિક જવાબદારી મિત્ર ઉઠાવે, માત્ર સ્નેહમાંથી ઊભી થયેલી લાગણીના કારણે જ. વ્યાવહારિક રીતે કે કાનૂની રીતે આવી કોઇ જવાબદારી એના માથે નથી. મરનાર માણસની સંપત્તિ એના વંશજોના અધિકારમાં ગઇ. મિત્રનો અધિકાર તો માત્ર તેની આર્થિક લેણદેણની જ જવાબદારી પોતાના માથે લેવા પૂરતો રહ્યો.

આમ જુઓ તો સ્નેહના નામે આ ખોટનો ધંધો જ કહેવાય છતાં માણસ માત્ર જૂના સંબંધની સગાઇને કારણે ખોટનો આ ધંધો કરે છે. આ સંસાર આર્થિક લેવડદેવડનો જ કારોબાર નથી પણ માણસ ાણસ વચ્ચેના સ્નેહ સંબંધનો કારોબાર છે,એટલે તો માણસને જીવન આટલું મીઠું લાગે છે. માત્ર ેપારી ગણતરીઓ ઉપર જ આ બધો કારોબાર ચાલતો હોત તો માણસ માણસ વચ્ચેના સંબંધની કોઇ મીઠાશ કે કોઇ ભીનાશ હોત નહિ.

Monday, March 26, 2012

સુખનાં સાધનો જ દુઃખનાં કારણો છે!


સુખનાં સાધનો જ દુઃખનાં કારણો છે!
ભૂપતભાઇ વડોદરિયા

અમેરિકાના સુપ્રતિષ્ઠિત વર્તમાનપત્ર ‘ધી ન્યૂયોર્ક ટાઇમ્સ’ના કટારલેખક અને પત્રકાર રસેલ બેકરે પોતાની આત્મકથા લખી છે. કથા તો એક ગરીબ કિશોર સંઘર્ષ કરતાં કરતાં કઇ રીતે અખબારી કારકિર્દીનાં ઊંચાં પગથિયાં ચઢે છે તેની છેપણ માત્ર તે કારકિર્દીની કથા નથી, જિંદગીની કથા છે. એકદમ વાસ્તવિક છે અને છતાં અત્યંત રમૂજી. રસેલ બેકરે પોતાની આત્મકથા કંઇક આવી રીતે શરૂ કરી છેઃ મારી માતાને ગુજરી ગયાંને તો વર્ષો વીતી ગયાં છતાં તે હજુ મારા મનમાં વિહરતી રહે છે. સ્વપ્નો અને પરોઢના સંધિકાળે તે મને ઢંઢોળે છે! ‘એ આળસુના પીર! ઊઠ, કામે લાગ! મને મેદાન છોડીને ભાગે એવો દીકરો ના ગમે! તું એવું ના કરીશ!’ મેં અહીં ભાવાર્થ આપ્યો છે, શબ્દશઃ ભાષાંતર કર્યું નથી. અમેરિકાની મોટી આર્થિક મંદીનો એ સમયગાળો હતો ત્યારે દરેક અમેરિકનનો આદર્શ જાણે સફળતા, મહત્ત્વાકાંક્ષા, ભૌતિક સમૃદ્ધિ, સામાજિક દરજ્જાની સીડી ઉપર ઊંેચાંમાં ઊંચાં પગથિયાં પર પહોંચી જવું એ હતો. રસેલ બેકરની ગરીબમહેનતુ અને મહત્ત્વાકાંક્ષી માતા પણ પુત્રને એ જ રાહ ચીંધે છે અને તેને આગળ ધકેલવા મથે છે પણ રસેલ બેકરે અહીં વ્યવસાયી જીવનની સફળતાની કથા આલેખી નથીવ્યક્તિ અને કુટુંબના જીવનની સાચી કથા કહી છે.
વારંવાર માતા ડોકાયા જ કરે છે. વારંવાર પુત્રની સામે માતાના શબ્દો અને સંકેતો પથદર્શક ચિહ્નો બનીને ખડા રહે છે. ખરેખર જિંદગીમાં આવું જ બને છે. આમાં કોઇ ભૂતપ્રેમની વાત નથી કે પરલોક સીધાવેલી વ્યક્તિ સાથે સંપર્ક સાધવાની વાત જ નથી. વાતો મૃતક વ્યક્તિ પોતાના પ્રિયજનોના મનમાં, જીવનમાં સૂક્ષ્મ હાજરીરૂપે કઇ રીતે ઊભરાતી રહે છે અને એને કઇ રીતે પ્રેરણાદોરવણી આપે છે તેની છે.

આ અનુભવ કંઇ માત્ર રસેલ બેકરનો નથી. ઘણા બધા માણસોને આવો અનુભવ થતો રહે છે. થોડાં વર્ષો પહેલાં એક સુશિક્ષિત બહેને મને કહ્યુંઃ ‘જીવનમાં કોઇ વાર ગૂંચ આવે છે ત્યારે ગમે તેટલા વિચાર કરું તો પણ તેનો કંઇ ઉકેલ સૂઝતો નથી. પછી એવું બને છે કે મને સ્વપ્ન આવે છેસ્વપ્નમાં મારા મૃત પિતાને હું જોઉં છું અને મને કંઇક સંદેશો આપે છે. આ સંદેશામાં મારી ગૂંચનો ઉકેલ હોય છે. હકીકત એ છે કે આવી રીતે મારી ઘણી ગૂંચો ઉકેલાઈ છે. વર્ષો પહેલાં પોતાની સફળ ધંધાદારી કારકિર્દી પોતે છોડી દઇને જીવનનો નવો રાહ કઇ રીતે નક્કી કર્યો તેનો ખુલાસો કરતાં એક મિત્રે કહ્યુંઃ ‘નાની ઉંમરે મને અણધારી સફળતા મળી. તદ્દન નિર્ધન સ્થિતિમાંથી બહાર નીકળીને હું પૈસાથી ઘેરાઇ ગયો, પણ હૃદયમાં ઊંડે ઊંડે અજંપો હતો. શું આ જ જીવન? પૈસા ખરેખર શું છે? માગો તે સુખ હાજર કરી આપવાની શક્તિ તેમાં છે એ વાત શું ખરેખર સાચી છે? માણસને પૈસા તમામ સુખોના મહામંત્ર જેવા લાગે છેપણ ખરેખર જીવનમાં કોઇક કીમતી ચીજ ખોવાઈ ગયેલી લાગે છે અને તે મેળવવા માટે જ્યારે માણસ પૈસાની ચાવી અજમાવવા જાય છે ત્યાં તેને ખબર પડે છે કે આ ચાવી અહીં નકામી છે. પૈસા મળે ત્યારે લાગે છે કે બસ, આ પૈસા હવે મારી પાંખો બનશે. હું આકાશમાં ઇચ્છું એટલો ઊંચો ઊડી શકીશ, પણ પછી ખબર પડે છે કે આ પૈસા મારી પાંખો નથી આ તો મારો બોજો છે, જે સાથે લઇને હું ઊડી શકું તેમ જ નથી! મારી પાસે પૈસા આવ્યા પણ મારા માટે સુખનો આ રસ્તો નથી એવું મને લાગ્યું. મનમાં ખૂબ મૂંઝાયો ત્યારે એક દિવસ સ્વપ્નમાંવહેલા પરોઢિયાના એક સ્વપ્નમાંમારી માતાને મેં જોઇ. માતાએ મને કહ્યુંઃ બચુ, તને રૂપિયા ગણવામાં ઝાઝો રસ ના હોય તો પછી નકામો રૂપિયા ન ગણ! તને આકાશના તારા ગણવાનો શોખ હોય તો આકાશના તારા ગણ! માતાએ આવું કહ્યું અને મારી આંખ ઊઘડી ગઇ. બસ, પછી મેં રૂપિયા ગણવાનું છોડી દીધું!

ઘણીવાર માણસ આવી રીતે રૂપિયા ગણવાનું છોડી દઇને આકાશના તારા જોવા કે ગણવા માંડે ત્યારે તેને તકલીફ પણ પડે છે, પણ તમે તકલીફને માત્ર ધીંગામસ્તી કરતાં બાળકો જ સમજીને તેની સાથે કામ પાડો ત્યારે તમારા કામમાં તે વિક્ષેપ પાડી શકતી નથી. દુઃખને દવા ગણીને પીનારાને એ એટલું કડવું લાગતું નથી. તેનો સ્વાદ કડવો લાગે તે છતાં તેને ગુણકારી ગણીને તે તેને સહી શકે છે. એથી ઊલટું, કશા ઉદ્દેશ વગર તમે સુખનાં ગમે તેટલાં સાધનો પેદા કરો પણ તમને એ સાધનો સુખ આપી શકતાં નથી. મોટા ભાગે સુખનાં એ સાધનો જ દુઃખનાં કારણો બની જતાં હોય છે.

ભાઇના પુસ્તકમાંથી (સમભાવ મેટ્રોમાંથી)

નિભ્રરન્તિની આખરી ક્ષણ, જે જીવનના ઉદ્વેગમાંથી મુક્ત કરે


નિભ્રરન્તિની આખરી ક્ષણ, જે જીવનના ઉદ્વેગમાંથી મુક્ત કરે
ભૂપતભાઇ વડોદરિયા

મનુષ્યના જીવનમાં નિભ્રરન્તિની એક ક્ષણ આવે છે. મારાં મનોચક્ષુ સમક્ષ બે છબી ખડી થાય છે. એક છબી એક જૈન સજ્જનની છે અને બીજી છે એક મહાન સ્વપ્નદ્રષ્ટાની.

જૈન સદગૃસ્થને જીવનમાં સુખ જ હતું, પૈસા ટકાની ક્યારેય ચિંતા ન હતી. એ માનતા કે હવે બેઉ દીકરા કમાતાધમાતા થયા છે તો મારે લીલાલહેર કરવા સિવાય કશું બાકી રહેતું નથી. પણ પત્ની ગુજરી ગઇ અને બન્ને વહુઓને સસરાનો સ્વભાવ અનુકૂળ ના લાગ્યો. ગૃહસ્થ એક નાની ખોલીમાં રહેવા જતા રહ્યા. એક દિવસ મને મળવા આવ્યા. કહેવા લાગ્યા કે, ‘તબિયત ખૂબ કથળી ગઇ છે. ખોલીમાં એકલો રહું છું. ડાયાબિટીસ છે, પણ ખાવાનો શોખ એવો ને એવો જ છે. વીશીનું ભાણું ભાવતું નથી. એક મિત્રની સાથે સમેત શિખરની જાત્રાએ જઇ રહ્યો છું, તમને મળવા આવ્યો છું, છેલ્લીવાર! ત્યાં જ દેહ પડી જાય એવું ઈશ્ચર પાસે માંગું છું. જિંદગી ખૂબ જોઇ, ખૂબ માણી, ઘણા ઉધામા કર્યા. કોઇને ચાહ્યા, કોઇની સાથે લડ્યા, પણ હવે મન શાંતિ ઝંખે છે. હવે નહીં મળું, છેલ્લી સલામ!’ એમની વાત સાંભળીને થયું કે ભખભખિયો માણસ, પેટમાં પાપ નહીં એટલે આવું બધું કહેતો હશે. બાકી એમ કોઇને માગ્યું મોત થોડું મળે છે? એ ગૃહસ્થ જાત્રાએ ગયા. બે એક મહિના વિત્યા હશે. એમના એક સંબંધી મને મળ્યા. મેં એમને પૂછયું કે પેલા સજ્જન જાત્રાએથી પાછા આવી ગયા? પેલા ભાઇએ નવાઇથી કહ્યું, ‘તમને કશી ખબર નથી? એ તો પાછા આવી ગયા પછી બે દિવસ આરામ કર્યો. ત્રીજા દિવસે નાહીને કપડાં પહેર્યા. એમને અચાનક છાતીમાં દુખાવો ઊપડયો એટલે મેં કહ્યું તમે સૂઇ રહો, હું દાક્તરને બોલાવી લાવું. તે કહે, ‘એમનું પણ કામ નથી. ઇશ્ચર એમને સુખી રાખે. માત્ર એક કામ કરો, મને નવકાર મંત્ર સંભળાવો!’ મેં મંત્ર સંભળાવ્યો અને એમણે આંખો ઢાળી દીધી. એ વખતે એમના ચહેરા પર મેં અવર્ણનીય શાંતિ જોઇ. હું કોઇ સારા જીવનાં દર્શન કરી રહ્યો હોઉં એમ મને લાગ્યું.’ શ્રીમદ્ એ.સી. ભક્તિવેદાન્ત સ્વામી પ્રભુપાદની કીર્તિ ઇ.સ. ૧૯૬૫ પછી વિશ્ચવ્યાપી બની. ‘ઇસ્કોન’ ના સ્થાપક તરીકે સૌ તેમને ઓળખે છે. અમેરિકા ગયા ત્યારે ભાગ્યે જ કોઇએ માન્યું હશે કે કૃષ્ણભક્તોનો વિશ્ચવ્યાપી સંઘ રચવાનું તેમનું સપનું સાકાર થશે.

સ્વામીનું મૂળ નામ અભયચરણ. ૧૮૯૬ની ૧ સપ્ટેમ્બરે કલકત્તામાં જન્મ્યા હતા. એ વેપાર ધંધો કરતા હતા અને ૬૦ વરસની ઉંમરે એવા ઝંઝાવાતમાં સપડાયા કે શિરે મોટી ખોટ આવી પડી. પુત્રોને વેપાર ધંધા સોંપી દીધા. તેમની એકમાત્ર ઇચ્છા શ્રીમદ્ ભાગવતને અંગ્રેજીમાં ઉતારવાની હતી. લગભગ સિત્તેર વર્ષની ઉંમરે તદ્દન નિર્ધન અને બીમાર એવા માંડ અમેરિકા પહોંચ્યા. તે અગાઉ સ્વામીએ વૈરાગ્યનો અને એકલતાનો જે ભાવ અનુભવ્યો તે એમણે બંગાળીમાં એક કાવ્યરૂપે વ્યક્ત કર્યો છે. તેમાં પ્રારંભની કડીઓ આત્મલક્ષી છે. તેમાં મનુષ્યના હ્ય્દયનું, નિભ્રરન્તિની આખરી ક્ષણનું પ્રતિબિંબ છે, તે જુઓ.

‘વૃંદાવન ધામમાં હું એકાકી બેઠો છું. આ વૈરાગ્યભાવમાં મને ઘણા સાક્ષાત્કાર થાય છે. મારી પાસે મારાં પત્ની, પુત્રો, પુત્રીઓ, પૌત્રો, દોહિત્રો સર્વ છે, પણ પૈસો નથી, તેથી તે સર્વ નિષ્ફળ મહિમા છે. કૃષ્ણે ભૌતિક પ્રકૃતિનું નગ્ન સ્વરૂપ મને બતાવ્યું છે. એમણે મને બક્ષેલી શક્તિથી એ સર્વમાં આજે મને રસ રહ્યો નથી. કૃષ્ણે કહ્યું છે, ‘યસ્માહં અનુગૃહણામિ હરીષ્યે તદ્ધનંશનૈઃ’ (જેના પર હું કૃપા કરું છું તેનું ધન હું ધીમે રહી લઉં છું) પરમ કૃપાળુની આ કૃપા હું કેવી રીતે સમજી શકવાનો હતો? પત્ની, સગાં, મિત્રો, ભાઇઓ વગેરેએ મને નિર્ધન નિહાળી ત્યજી દીધો છે તે દુઃખદ છે, પણ હું એકલો બેસીને એ વાત પર હસું છું. આ માયાસંસારમાં હું ખરેખર કોને ચાહું છું? મારાં વત્સલ માતાપિતા ક્યાં ચાલ્યાં ગયાં? જે મારા સાચા આત્મીયજનો હતા તે વડીલો ક્યાં છે? કહો, તેમના સમાચાર મને કોણ આપશે?’ ‘એ કૌટુંબિક જીવનમાંથી તો માત્ર નામોની યાદી જ શેષ રહી છે.’ બસ, પછી સ્વામી અમેરિકા પહોંચે છે અને જીવનનું સાચું અને અંતિમ કાર્ય કરે છે. એમને વિશ્ચવ્યાપી કીર્તિ મળી, પણ માણસને કીર્તિ મળે કે ન મળે, તેણે આવું કામ શોધવું જ રહ્યું, જે તેને જિંદગીની બાહ્ય જટિલતાઓ અને ઉદ્વેગમાંથી મુક્ત કરી દે. પછી એને દુઃખ ભલે આવે પણ જીવન સરળ અને શાંત લાગે.