Monday, March 26, 2012

સુખનાં સાધનો જ દુઃખનાં કારણો છે!


સુખનાં સાધનો જ દુઃખનાં કારણો છે!
ભૂપતભાઇ વડોદરિયા

અમેરિકાના સુપ્રતિષ્ઠિત વર્તમાનપત્ર ‘ધી ન્યૂયોર્ક ટાઇમ્સ’ના કટારલેખક અને પત્રકાર રસેલ બેકરે પોતાની આત્મકથા લખી છે. કથા તો એક ગરીબ કિશોર સંઘર્ષ કરતાં કરતાં કઇ રીતે અખબારી કારકિર્દીનાં ઊંચાં પગથિયાં ચઢે છે તેની છેપણ માત્ર તે કારકિર્દીની કથા નથી, જિંદગીની કથા છે. એકદમ વાસ્તવિક છે અને છતાં અત્યંત રમૂજી. રસેલ બેકરે પોતાની આત્મકથા કંઇક આવી રીતે શરૂ કરી છેઃ મારી માતાને ગુજરી ગયાંને તો વર્ષો વીતી ગયાં છતાં તે હજુ મારા મનમાં વિહરતી રહે છે. સ્વપ્નો અને પરોઢના સંધિકાળે તે મને ઢંઢોળે છે! ‘એ આળસુના પીર! ઊઠ, કામે લાગ! મને મેદાન છોડીને ભાગે એવો દીકરો ના ગમે! તું એવું ના કરીશ!’ મેં અહીં ભાવાર્થ આપ્યો છે, શબ્દશઃ ભાષાંતર કર્યું નથી. અમેરિકાની મોટી આર્થિક મંદીનો એ સમયગાળો હતો ત્યારે દરેક અમેરિકનનો આદર્શ જાણે સફળતા, મહત્ત્વાકાંક્ષા, ભૌતિક સમૃદ્ધિ, સામાજિક દરજ્જાની સીડી ઉપર ઊંેચાંમાં ઊંચાં પગથિયાં પર પહોંચી જવું એ હતો. રસેલ બેકરની ગરીબમહેનતુ અને મહત્ત્વાકાંક્ષી માતા પણ પુત્રને એ જ રાહ ચીંધે છે અને તેને આગળ ધકેલવા મથે છે પણ રસેલ બેકરે અહીં વ્યવસાયી જીવનની સફળતાની કથા આલેખી નથીવ્યક્તિ અને કુટુંબના જીવનની સાચી કથા કહી છે.
વારંવાર માતા ડોકાયા જ કરે છે. વારંવાર પુત્રની સામે માતાના શબ્દો અને સંકેતો પથદર્શક ચિહ્નો બનીને ખડા રહે છે. ખરેખર જિંદગીમાં આવું જ બને છે. આમાં કોઇ ભૂતપ્રેમની વાત નથી કે પરલોક સીધાવેલી વ્યક્તિ સાથે સંપર્ક સાધવાની વાત જ નથી. વાતો મૃતક વ્યક્તિ પોતાના પ્રિયજનોના મનમાં, જીવનમાં સૂક્ષ્મ હાજરીરૂપે કઇ રીતે ઊભરાતી રહે છે અને એને કઇ રીતે પ્રેરણાદોરવણી આપે છે તેની છે.

આ અનુભવ કંઇ માત્ર રસેલ બેકરનો નથી. ઘણા બધા માણસોને આવો અનુભવ થતો રહે છે. થોડાં વર્ષો પહેલાં એક સુશિક્ષિત બહેને મને કહ્યુંઃ ‘જીવનમાં કોઇ વાર ગૂંચ આવે છે ત્યારે ગમે તેટલા વિચાર કરું તો પણ તેનો કંઇ ઉકેલ સૂઝતો નથી. પછી એવું બને છે કે મને સ્વપ્ન આવે છેસ્વપ્નમાં મારા મૃત પિતાને હું જોઉં છું અને મને કંઇક સંદેશો આપે છે. આ સંદેશામાં મારી ગૂંચનો ઉકેલ હોય છે. હકીકત એ છે કે આવી રીતે મારી ઘણી ગૂંચો ઉકેલાઈ છે. વર્ષો પહેલાં પોતાની સફળ ધંધાદારી કારકિર્દી પોતે છોડી દઇને જીવનનો નવો રાહ કઇ રીતે નક્કી કર્યો તેનો ખુલાસો કરતાં એક મિત્રે કહ્યુંઃ ‘નાની ઉંમરે મને અણધારી સફળતા મળી. તદ્દન નિર્ધન સ્થિતિમાંથી બહાર નીકળીને હું પૈસાથી ઘેરાઇ ગયો, પણ હૃદયમાં ઊંડે ઊંડે અજંપો હતો. શું આ જ જીવન? પૈસા ખરેખર શું છે? માગો તે સુખ હાજર કરી આપવાની શક્તિ તેમાં છે એ વાત શું ખરેખર સાચી છે? માણસને પૈસા તમામ સુખોના મહામંત્ર જેવા લાગે છેપણ ખરેખર જીવનમાં કોઇક કીમતી ચીજ ખોવાઈ ગયેલી લાગે છે અને તે મેળવવા માટે જ્યારે માણસ પૈસાની ચાવી અજમાવવા જાય છે ત્યાં તેને ખબર પડે છે કે આ ચાવી અહીં નકામી છે. પૈસા મળે ત્યારે લાગે છે કે બસ, આ પૈસા હવે મારી પાંખો બનશે. હું આકાશમાં ઇચ્છું એટલો ઊંચો ઊડી શકીશ, પણ પછી ખબર પડે છે કે આ પૈસા મારી પાંખો નથી આ તો મારો બોજો છે, જે સાથે લઇને હું ઊડી શકું તેમ જ નથી! મારી પાસે પૈસા આવ્યા પણ મારા માટે સુખનો આ રસ્તો નથી એવું મને લાગ્યું. મનમાં ખૂબ મૂંઝાયો ત્યારે એક દિવસ સ્વપ્નમાંવહેલા પરોઢિયાના એક સ્વપ્નમાંમારી માતાને મેં જોઇ. માતાએ મને કહ્યુંઃ બચુ, તને રૂપિયા ગણવામાં ઝાઝો રસ ના હોય તો પછી નકામો રૂપિયા ન ગણ! તને આકાશના તારા ગણવાનો શોખ હોય તો આકાશના તારા ગણ! માતાએ આવું કહ્યું અને મારી આંખ ઊઘડી ગઇ. બસ, પછી મેં રૂપિયા ગણવાનું છોડી દીધું!

ઘણીવાર માણસ આવી રીતે રૂપિયા ગણવાનું છોડી દઇને આકાશના તારા જોવા કે ગણવા માંડે ત્યારે તેને તકલીફ પણ પડે છે, પણ તમે તકલીફને માત્ર ધીંગામસ્તી કરતાં બાળકો જ સમજીને તેની સાથે કામ પાડો ત્યારે તમારા કામમાં તે વિક્ષેપ પાડી શકતી નથી. દુઃખને દવા ગણીને પીનારાને એ એટલું કડવું લાગતું નથી. તેનો સ્વાદ કડવો લાગે તે છતાં તેને ગુણકારી ગણીને તે તેને સહી શકે છે. એથી ઊલટું, કશા ઉદ્દેશ વગર તમે સુખનાં ગમે તેટલાં સાધનો પેદા કરો પણ તમને એ સાધનો સુખ આપી શકતાં નથી. મોટા ભાગે સુખનાં એ સાધનો જ દુઃખનાં કારણો બની જતાં હોય છે.

ભાઇના પુસ્તકમાંથી (સમભાવ મેટ્રોમાંથી)

No comments: