Saturday, August 25, 2012

જિંદગીનો જામ એક મિશ્ર પીણું છે, થોડીક વાસ્તવિકતા અને થોડીક કલ્પના....


જિંદગીનો જામ એક મિશ્ર પીણું છે,  થોડીક વાસ્તવિકતા અને થોડીક કલ્પના....
-ભૂપતભાઇ વડોદરિયા

સાડત્રીસ વર્ષની ઉંમરે કેન્સરના વ્યાધિથી મૃત્યુ પામેલા આઇરિશ નાટ્યકાર જે. એમ. સીંજનું એક નાટક છે ધી વેલ ઓફ સેઇન્ટ્સ.’ આ નાટકમાં એક ભિખારી અને તેની પત્ની છે. બંને અંધ છે. એક સંતપુરુષ તેમને થોડા સમય માટે દ્રષ્ટિ આપે છે. પણ કમનસીબે આ અંધ દંપતીને આંખનું તેજ મળતાં જ એ દુઃખી દુઃખી થઈ જાય છે. આ અંધ દંપતીને આંખો નહોતી ત્યાં સુધી બંને સુખી હતાં. અંધ પતિ માનતો હતો કે પોતાની પત્ની ખૂબ રૂપાળી છે. અંધ પત્ની માનતી હતી કે પોતાનો પતિ ખૂબ દેખાવડો છે. દ્રષ્ટિ મળી ત્યારે બંનેને ખબર પડી કે હવે તેઓ એકબીજાને મુદ્દલ રૂપાળાં લાગતાં નથી. કુરૂપતાનો વાસ્તવિક ચહેરો જ આંખ સામે તરવરી ઊઠે છે. પેલો સંત આ અંધ દંપતીને હંમેશ માટે આંખોનું તેજ મળે તેવું પવિત્ર જળ આપે છેપણ પતિ જાણીબૂજીને  એ પાણી ઢોળી નાખે છે. આંખોનું તેજ પાછું આપનારું એ જળ એને જોઈતું નથીકેમ કે એ તેજને કારણે જિંદગીની રૂપાળી માનેલી છબી કદરૂપી બની જાય છે.

જે. એમ. સીંજનું આ નાટક પોણો સો વર્ષ પહેલાં તખ્તા પર રજૂ થયું ત્યારે નિષ્ફળ ગયું હતું. પણ આજે વિવેચકો આ નાટકને સીંજની એક ઉત્તમ કૃતિ ગણે છે. જે. એમ. સીંજનું સૌથી વધુ જાણીતું અને સફળ નાટક તોરાઇડર્સ ટુ ધી સી’ છે. આ પણ એક કરુણાંત નાટક છે. આ નાટકમાં એક વૃદ્ધ નારી પોતાનો પતિ અને પાંચ પુત્રીને દરિયાલાલના ખોળે ખોઈ બેઠેલી છે. છઠ્ઠો પુત્ર પણ એ ગુમાવી બેસે છે ત્યારે એ કહે છે ઃ કોઈ પણ માણસ હંમેશ માટે જીવતો રહી શકે નહીં. જેટલું જિવાય એટલું ઘણું!

પોતાની જિંદગીને નક્કર ધરતી ઉપર દોડવનારા કોઈક ક્ષણે એવું કબૂલ કરે છે કે જિંદગીનો જામ એક મિશ્ર પીણું છેથોડીક વાસ્તવિકતા અને થોડીક કલ્પનાનું એ મિશ્રણ છે. થોડીક આશા અને થોડીક ભ્રમણાનું એ અદ્ભુત મિશ્રણ છે. માણસ ગમે તે દાવો કરેકોઈ માણસ કદી નરી વાસ્તવિકતાનો તેજાબ પી શક્યો જ નથી. ગઈ કાલે એક માણસ હટ્ટોકટ્ટોહસતોકૂદતો આપણી આંખ સામે હતોએક નહીંઅનેક આંખોએ તેને નક્કર રૂપમાં જોયો હતો. આજે એ માણસ નથી! ક્યાં ગયો એ માણસકોઈને કશી ખબર નથી. આપણે જિંદગીના તખ્તા ઉપર ભાતભાતનાં દ્રશ્યો નિહાળીએ છીએહરખાઈએ છીએરડીએ પણ છીએ અને એકદમ વાસ્તવિક’, ‘ખૂબ સુંદરએવી દાદ પણ આપીએ છીએપણ આ બધાં દ્રશ્યો આપણે હજુ પળબે પળ માટે જોયાં ત્યાં તો એક અનંત શૂન્યતામાં વિલીન થઈ જાય છે. માણસની જિંદગીનો પહેલો અંક એનાં માબાપ લખતાં હશેજિંદગીનો બીજો અંક તે પોતે જાતે લખવાનો દાવો કરી શકે તેમ હશે. પણ જિંદગીનો ત્રીજો અંક

જિંદગીનો ત્રીજો અંક તો કોઈક અદ્રશ્ય હાથ લખે છે એમ ચોક્કસ માનવું પડે. ક્યારેક આ અંક કશા ઢંગધડા વગરનોકશા જ અર્થ વગરનો લાગે છે. વેઇટિંગ ફોર ગોદોના નાટ્યકાર સેમ્યુઅલ બેકેટ જેવો જ કોઈ નાટ્યકાર આકાશના કોઈક ઓઝલ ઝરૂખામાં બેઠો બેઠો અધૂરી ઘટનાઓ ઉપર પડદા પાડી દેતો હોય એવું પણ લાગે. જે તખ્તા પર અજવાળું અજવાળું આપણે જોઈ રહ્યા હોઈએ ત્યાં એકદમ અંધારું અને કાં તો ખાલીખમ તખ્તો જ્યારે જોવા મળે ત્યારે પળવાર શ્વાસ થંભી જાય! આ કઈ જાતનું નાટકપડદો તો પાડી દીધોપણ પેલા વેશ ભજવનારા ક્યાં ગયાખરેખર કશું હતા જ નહીંએ કોઈની જાદુગરી કલ્પનાના ફરજંદ હતા કે પછી એ આપણા પ્રેક્ષકોનાં દિવાસ્વપ્નો માત્ર હતાંમાણસના મોતને આખરી અંત માનવા આજે કોઈ તૈયાર નથી. કેટલાક વિજ્ઞાનીઓ જાતજાતની ધારણાઓદલીલો અને કેટલાક પુરાવા આગળ કરીને કહે છે કે મૃત્યુ એ અંત નથી. આત્માનો એકમ શું છે તેની અમને ખબર નથીપણ તેનું એક સારરૂપ તત્ત્વ મરતું નથીકોઈક બીજી અવસ્થામાં મોજૂદ રહે છે. તે ફરી વાર જન્મે છે કે કેમ તેની અમને ખબર નથી પણ આત્મતત્ત્વ’ જેવું કાંઈક છે તે નક્કી અને તે માણસની કાયાનો માટીકૂબો ભાંગી જતાં જ ત્યાં ને ત્યાં કચડાઈ કે ઓલવાઈ જતું નથી. જિંદગી જેવી છે તેવી જ તેને ચાહવી અને માણવી જોઈએ. ફેફસાં અને હૃદય હાંકનારી હવા અને એકંદર ચાલકબળ ક્યાંક બહારથી મળે છે. જિંદગીની વૃદ્ધિ અને વિલયમાં કોઈ ચોક્કસ ગણિત કે ગણતરીઓ ચાલતી નથી. કેટલાક તેની ઉપર એક આકૃતિ ઊભી કરવા મથે છેકેટલાક એમાં જાતજાતના રંગોની ભાત ઊભી કરવા મથે છે. કોઈક વળી જાતજાતનાં રક્ષણોની કાંટાળી વાડ ઊભી કરે છે. પણ સરવાળે તો આ આકાર અને આ રંગોળીની બહાર નીકળી જઈને જિંદગી પોતાનો મનસ્વી મિજાજ બતાવે જ છે.