Thursday, March 05, 2015

મજબૂત આત્મબળ જ જિંદગીના તમામ મુશ્કેલીઓનો ઇલાજ છેમજબૂત આત્મબળ જ જિંદગીના તમામ મુશ્કેલીઓનો ઇલાજ છે
ભૂપત વડોદરિયા

નોર્વેના નોબેલ પારિતોષિકવિજેતા લેખક નટ હેમસનની અલગારી’ કથાઓ વિશે વાંચતો હતો તેમાં નટ હેમસનના જીવનની પણ ઘણી વિગતો વાંચી. ઈ. સ. ૧૮૫૯માં જન્મેલા આ નોર્વિજન લેખકની પ્રથમ નવલકથા હન્ગર’ (ભૂખ) ખૂબ વખણાયેલી. નટ હેમસન ગરીબરોટીના એક ટુકડાનો મોહતાજ પણ તદ્દન મસ્ત માણસ. પગરખાં વગરના પગેજૂનાં જર્જરિત કપડાંમાં એ ખાલી ખિસ્સે ગમે ત્યાં ઘૂમ્યા કરે.

અક્ષરશઃ યાત્રિક! જુવાન નટ હેમસન અમેરિકા ગયેલો અને ત્યાં લોહીની ઊલટીઓ થઈ. હેમસનને ઇસ્પિતાલમાં લઈ ગયા અને ક્ષયરોગનું નિદાન થયું. નટ હેમસને હસીને કહ્યું કે આવા રોગના દવાદારૂ કરવાના ફાજલ પૈસા મારી પાસે નથી! એમણે લખ્યું હતું, ‘તાજી હવા લઉં છું અને તાજી હવા મારાં ફેફસાંમાં ભરું છું.’ શું બન્યું એ તો કોણ જાણે પણ નટ હેમસન ક્ષયરોગથી મુક્ત થયો હોય કે ના થયો હોયપોતાની રખડુ જિંદગીમાં ખાસ કંઈ ફેરફાર કર્યા વિના નેવું વર્ષથી વધુ જીવ્યો.

અંગ્રેજી ભાષાના એક સમર્થ નવલકથાકાર ટોમસ હાર્ડી પણ ઘણું બધું લાંબું જીવ્યા. બરાબર અઠ્ઠયાસી વર્ષ જીવ્યા અને ઘણી માંદગીઓમાંથી પસાર થયા. બેત્રણ માંદગી તો એવી આવી હતી કે તેમના જીવવાની આશા લગભગ છોડી દેવામાં આવી હતીપણ એમનું આત્મબળ પણ એવું કે જાણે એ કોઈ પણ રોગની સામે હાર કબૂલ કરવા તૈયાર જ ન હતા. આપણે સૌ જાણીએ છીએ કે સારામાં સારી તંદુરસ્તી અને દાક્તરી પ્રમાણપત્ર અનુસારનું નીરોગીપણું લાંબી જિંદગીનો કોઈ વીમો નથી. આપણે તંદુરસ્ત માનેલા માણસોને આપણે અચાનક મૃત્યુ પામતા જોઈએ છીએ. અચાનક બેચાર દહાડાની તબિયતની કોઈ ગરબડમાં ચાલ્યા જતા જોઈએ છીએ. આપણામાં કહેવત છે કે નાના જાણીને કોઈ જીવતા નથી અને મોટા જાણીને કોઈ મરતા નથી. એટલે માણસનું આયુષ્ય ખરેખર અકળ બાબત છે. કોણ કેટલું જીવશે અગર ક્યારે તેનું મૃત્યુ થશે તે ચોક્કસપણે કોઈ કહી શકતું નથી. આમાં એક વાત ઘણી બધી નિશ્ચિતતા સાથે કહી શકાય એવી છે કે માંદગીની સામે ટક્કર લેવામાં દર્દીનું પોતાનું દ્રઢ મનોબળ વિજયવંત ભૂમિકા ભજવી શકે છે અને મૃત્યુની અનિવાર્યતાને પણ જાણે કે પાછી ઠેલી શકે છે. એ બધા પોતાના કાર્યમાં જ બરોબર પરોવાયલા રહ્યા છે. 

તબિયતની ગમે તેટલી અસહ્ય કનડગત અને આર્થિકસામાજિક સંજોગોની ગમે તેટલી પ્રતિકૂળતા વચ્ચે પણ આવી વ્યક્તિઓએ પોતાનું કાર્ય ચાલુ જ રાખ્યું છે. તેનું એક નોંધપાત્ર દ્રષ્ટાંત રશિયન નવલકથાકાર દોસ્તોવસ્કીનું ગણી શકાય. તેને વાઇનું દર્દ હતું અને તેનો હુમલો આવે ત્યારે તે દિવસો સુધી માંદો અને નિર્બળ બની રહેતો. તેના મૃત્યુ પામેલા ભાઈના કુટુંબનો ભારપોતાના કુટુંબનો ભાર અને આવકનું કોઈ નિશ્ચિત સાધન નહીં. વધુમાં નસીબ અજમાવવાની લાલચમાં તેણે કરેલું મોટું દેવું કઈ રીતે ચૂકવવું એની પણ સતત ચિંતા! લેણદારો સતત તંગ કર્યા કરે. તબિયત પરેશાન કર્યા કરે. આ બધા છતાં એ પોતે પોતાના લેખનકાર્યમાં પૂરી ગંભીરતાથી રાતદિવસ મચ્યો જ રહે! અત્યંત વિકટ સંજોગો વચ્ચે તેણે એક નવલકથા ધી ઇડિયટ’ તો સાત વાર ફરી ફરીને લખેલી છે! માંદગી સામે અડીખમ મુકાબલો કરવામાં જેમ દ્રઢ મનોબળ વિધાયક ભૂમિકા ભજવે છે તેમ પોતાની કાર્ય પ્રત્યેની નિષ્ઠા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણા બધા લોકોને એવો અનુભવ થઈ ચૂકેલો છે કે પ્રવૃત્તિ  કોઈ ને કોઈ પ્રકારનું કાર્ય તે માણસ માટે માત્ર માનસિક ખોરાક જ નથીતે માણસની શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં બળ પૂરનારું એક ઔષધ પણ છે.

ઈંગ્લેન્ડના નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શોએ બહુ વર્ષો ભૂખમરો વેઠ્યો અને બર્નાર્ડ શોની જિંદગીનાં પ્રથમ ચાળીસ વર્ષ દરમિયાન જે દુઃખો અને દરિદ્રતા તેમને માથે આવી પડ્યાંતે આસાનીથી વેઠી શકાય તેવી સારી તબિયત તો તેમની નહોતી જ પણ શુદ્ધ શાકાહારી બનીનેચોક્કસ પ્રકારની શિસ્ત પાળીને તેમણે પોતાની તબિયત પાસેથી ધાર્યું કામ લીધું. મોં કટાણું કર્યા વિના અને હસતાં હસતાં!’ એમણે લોકોને કેટલાક પ્રશ્નોમાં ગંભીરતાથી વિચારતા પણ કર્યા અને સાથે સાથે એમણે લોકોને ખૂબ હસાવ્યા! એમની વિનોદવૃત્તિધારદાર કટાક્ષોવક્રોક્તિઓ આજે પણ આપણને જરાય વાસી’ લાગતાં નથી. બર્નાર્ડ શો પણ ખૂબ લાંબું જીવ્યા અને તબિયતના ગંભીર પલટાઓ સામે તેમણે હસતા ચહેરા સાથે જ મુકાબલો કર્યો!

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી....

No comments: