તકલીફનો ઉપચાર કરો - ચિંતા નહીં!
ભૂપત વડોદરિયા
સારી તબિયત સારી રીતે જીવવા માટે છે. માત્ર તબિયત ટકાવવા માટે કંઈ જીવવાનું નથી. આપણે જાણીછીએ કે નબળી તબિયત સાથે ઘણા લોકો લાંબું જીવ્યા અને સુખેથી જીવ્યા છે અને ઘણું કાર્ય કરી ગયા છે. બીજી બાજુ સંપૂર્ણ નીરોગી એવા કેટલાય લોકો ખાસ કશું જ કર્યા વગર માત્ર ‘હાજરી’ પુરાવતા રહ્યા છે. આયુષ્યને તબિયતની સાથે થોડો સંબંધ છે-ખરેખર ઝાઝો સંબંધ નથી! એક માણસ હૃદયરોગના પાંચ હુમલા છતાં ટકી રહે અને બીજો માણસ પહેલા જ હુમલામાં ખપી જાય! આનો ભેદ આપણે જાણતા નથી.
એક પ્રૌઢ વયના વેપારીને તબિયતના કેટલાક પ્રશ્નો હતા અને તેમણે યોગ્ય ઉપચાર અને કાળજી વડે પોતાની તબિયતને ખૂબ સરસ બનાવી દીધી. આ અંગે તેમના એક મિત્રે તેમને અભિનંદન આપ્યાં ત્યારે તેમણે હસીને કહ્યું કે, ‘હું તો વેપારી છું. કોઈ માંદું ઔદ્યોગિક એકમ ખરીદ કરીને તેને કમાતું કરી દઉં તો જ હું સારો વેપારી ગણાઉં! મેં મારા શરીરને ઈશ્વરે મને સોંપેલું એક ‘સિક યુનિટ’, માંદું ઔદ્યોગિક એકમ ગણ્યું અને ઈશ્વરે મને બાહોશ વહીવટકર્તા સમજીને મારા માંદા શરીરનું સમારકામ કરવાનું કામ સોંપ્યું છે તેમ સમજીને યોગ્ય ઉપચારો કર્યા! એ ઈશ્વરની દયા કે મારા પ્રયાસો સફળ નીવડ્યા, બાકી એથી વધુ ઝાઝો યશ હું લઈ શકું નહીં.’
આ વેપારીએ જે વાત કરી તેમાં પણ એક નોંધપાત્ર મુદ્દો છે. શરીર માંદું પડે, નબળું પડે, કંઈક ઉપદ્રવ કરે તો તેને ધિક્કારો નહીં. તેના પ્રત્યે અણગમો કે ‘લાચાર બિચારું’ એવી લાગણી ના કેળવો. આ શરીર પણ ઈશ્વરની-માતાપિતાની મોટી બક્ષિસ ગણીને તેને દુરસ્ત કરવા પ્રયત્ન કરો, પણ જિંદગીની મુખ્ય ચિંતાનું મહત્ત્વ તેને ન જ આપો. તબિયત સુધારવા બધું જ કરો પણ બાકીનું ભગવાન પર છોડી દો.
સાચી વાત એ છે કે તમે તબિયતને જિંદગીની પરીક્ષાનો મુખ્ય પ્રશ્ન જ નહીં ગણો તો તમે કેટલીક અકારણ તંગદિલીથી બચી જશો. આજે તો હવે એ હકીકત સ્વીકારાઈ ચૂકી છે કે તબિયતની સુધારણામાં દર્દીની માનસિક પ્રસન્નતા અને મનોબળ ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જિંદગીના એકંદર મુકાબલાને જે વાત લાગુ પડે છે તે જ વાત તબિયતની બાબતને પણ લાગુ પડે છે. જિંદગીનો મુકાબલો માણસે સામી છાતીએ કરવો જોઈએ અને વાસ્તવિકતા ઉપર ઢાંકપિછોડો કરવો નહીં જોઈએ. તબિયતની બાબતમાં કેટલાક લોકો હકીકતો કબૂલ કરવાની ના પાડે છે અને તેના પ્રત્યે દુર્લક્ષ સેવે છે.
કેટલીક વાર એવું બને છે કે દર્દીનું મનોબળ મજબૂત હોય છે પણ તેમનાં સ્વજનો એકદમ લાગણીશીલ થઈને સાચી હકીકત દર્દીથી છુપાવે છે, પણ આ વલણ ખોટું જ છે. તમે દર્દીને સાચી હકીકતથી વાકેફ કરો તો તે પોતાના રોગનો વધુ સારી રીતે વધુ મક્કમતાથી મુકાબલો કરી શકશે અને પોતે પોતાના જીવન વિશે વિચારી પણ શકશે. થોડીક વાર રડશે પણ પછી હિંમત ભેગી કરશે. તેમાં તમે મદદ કરી શકો છો, પણ તમે તેને અંધારામાં રાખશો તો તેને કોઈ જ ફાયદો થવાનો નથી. મોડે મોડે એ જયારે આ વાત જાણશે ત્યારે તેને વધુ મોટો આઘાત લાગવાનો છે અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોય તેવી લાગણી તે અનુભવ્યા વગર રહેશે નહીં.