તૈયાર સુખ વારસામાં નથી જોઈતું ...
- ભુપતભાઈ વડોદરિયા
સંતાનોના વહેવારથી દુઃખી થયેલા એક શ્રીમંત વૃદ્ધે હમણાં કહ્યુઃ ‘સંતાનોને સુખી કરવા માટે હું તો વધુ ને વધુ ધન મેળવવાની જંજાળ વધારતો ગયો. છેવટે એ ધન સંતાનોની નજરે જાતે નહીં કમાયેલી ઓચિંતી હાથ લાગેલી મિલકતની જેમ આવી ચડ્યું! પિતા સાથેની એમની સગાઈ માત્ર ધનની જ રહી, કેમ કે એ સિવાય તો સંતાનોને કશું આપ્યું જ નહોતું! એમને પ્રેમ નહોતો આપ્યો, મૈત્રી નહોતી આપી, સોબત નહોતી આપી. તેમની અંગત મૂંઝવણો સમજવાની કોશિશ કરી નહોતી કે તેમને કોઈ હૂંફ કે હિંમત આપી નહોતી. કારણકે આ બધા માટે મારી પાસે સમય જ નહોતો. મેં બધો સમય તેમના ‘સુખ’ માટે તેમની સરિયામ અવગણના કરીને માત્ર વધુ ને વધુ ધન કમાવા માટે જ વાપર્યો અને એમ કરીને તેમના ભવિષ્યને નિશ્ચિંત બનાવવાના ભ્રમમાં તેમના ચણતર-ઘડતરનાં વર્ષો વેડફી નાખ્યાં! કોઈ બીજી કડી ઊભી કરી જ નહીં. સ્નેહ જેવી મજબૂત કડી બીજી કોઈ નથી, તેનું સાચું ભાન તો મને પોતાને જ નહોતું એટલે મારાં સંતાનો સાથે માત્ર ધનની સગાઈ- એક જ એ કડી રહી. તમને કદાચ મારી વાત સાચી નહીં લાગે, પણ હું સાચું જ કહું છું કે મારાં સંતાનો મારા મૃત્યુની રાહ જુએ છે! હું આ સંસારમાંથી હંમેશ માટે વિદાય લઉં અને તેમને મારું એકત્રિત કરેલું ધન પ્રાપ્ત થઈ જાય! હું એમને ધનનો વારસો આપીને જઈશ, તેની કૃતજ્ઞતા તેમના અંતરમાં નથી- અલબત્ત, વાંક મારો જ છે- તેમને લાગે છે કે તેમને કાયદેસર મળવાપાત્ર વારસા ઉપર હું અજગર બનીને બેઠો છું અને હું જાઉં તો એમનો વારસો એમને મળે!’
આ ગૃહસ્થની વેદનાનો પાર નહોતો. એક વધુ અગત્યનો મુદ્દો કદાચ તેમના ખ્યાલ બહાર ગયો હશે. તેમણે પોતાનાં સંતાનોના ભવિષ્યની ચિંતા કરીને જે ધનનો વારસો તૈયાર કર્યો, તેના કારણે તેમણે પોતાનાં સંતાનોને જ પોતાના પગ ઉપર ઊભા રહેવા માટે આડકતરી રીતે નાલાયક જાહેર કર્યા- તેમની શક્તિમાં જાણે કે તેમને કોઈ વિશ્વાસ જ નહોતો. પુત્રોના પરાક્રમની ધગશ મરી જ પરવારે તો તેમાં નવાઈ શી?
અમેરિકાના એક અતિ શ્રીમંત ઉદ્યોગપતિએ પોતાનાં ધન-ધંધાનો વારસો પુત્રને આપવા આગ્રહ કર્યો, પણ પિતાની લાગણીને માન આપવા ખાતર પણ એ વારસો સ્વીકારવા પુત્ર તૈયાર ન થયો. પછી આ ઉદ્યોગપતિએ પોતાના પૌત્ર ઉપર મીટ માંડી. પૌત્ર સગીર મટીને પુખ્ત થયો, ત્યારે દાદાએ પોતાની સંપત્તિ તેને સોંપવા માંડી, ત્યારે પૌત્રે કહ્યું કે, ‘દાદા, મારે મારી પોતાની રીતે જીવવું છે!’
‘મારે સ્વતંત્ર રીતે જીવવું છે! મારે મારું પોતાનું એક આકાશ છે અને એ આકાશમાં મારે ઊડવું છે! તમે મને સલામતી આપવા માગો છો, પણ મારે આવી સલામતી જોઈતી નથી! મારા પરાક્રમની બધી જ પાંખો બંધાઈ જાય એવી સોનેરી પિંજરાના પંખીની સલામતી મારે શું કામની? તમે મને સુખી જોવા ઇચ્છો છો, પણ દાદા, તમે જેને સુખો માનો છો તે મારે મન સુખ છે જ નહીં! મારે કોઈ તૈયાર સુખ પિતાના કે દાદાના વારસારૂપે જોઈતું જ નથી! મારું સુખ પણ મારે મારી જાતે જ રચવું છે! હું તો અહીં અમેરિકામાં રહેવા પણ માગતો નથી! હું તો જર્મની, ઇટલી અને ફ્રાંસ જવા માગું છું! તમારા જેવા શ્રીમંત માણસની ગુડ્ઝ ટ્રેનનો કીમતી દાગીનો મારે બનવું જ નથી! મારે તો મારી યાત્રા મારી રીતે હાથ ધરવી છે અને મારી રીતે ઠોકર ખાતાં ખાતાં આગળ વધવું છે! તમે માઠું ન લગાડશો. હું તો તમારો પૌત્ર હોવાનો પણ સાફ ઇનકાર કરું છું! જે ક્ષણે હું તમારો પૌત્ર હોવાની વાત સ્વીકારી લઉં એ ઘડીએ મારું તો આવી જ બને! તમારા પૌત્ર થવું એટલે ગમે ત્યારે અપહરણનું જોખમ માથે લઈને જીવવું! કોઈ પ્રેમથી મારું અપહરણ કરે તો મને વાંધો નથી- કોઈ ધનને માટે મારું અપહરણ કરે- મારી જિંદગીની કિંમત માત્ર અમુક લાખ ડોલર માગે તે મને કબૂલ નથી!’ આ અમેરિકન ઉદ્યોગપતિએ છેવટે બધી જ મિલકત ધર્માદામાં આપી દીધી! એટલે જ એક પ્રાચીન ઉક્તિ એવું કહે છે કે પુત્ર સપૂત થવાનો છે, એવું માનતા હો તો પછી ધનનો સંચય શું કામ કરો છો?
અને તમને શંકા હોય કે પુત્ર કપૂત થશે તો તો પછી ધનનો સંચય કરવાનો કંઈ અર્થ જ નથી. કેમ કે તે તમારું ધન વેડફી નાખે એટલું જ જોખમ નથી- વધુ મોટું જોખમ એ છે કે તમારું જીવન વેડફી નાખવા જતાં પોતાનું જીવન પણ વેડફી નાખે!
ખરેખર જિંદગીમાં સુખી થવા માટે માણસે જરૂરિયાતોની કે સુખસગવડોની યાદીમાં ક્યાંક તો પૂર્ણવિરામ મૂકવું જ પડે છે અને પૂર્ણવિરામ વહેલામાં વહેલી તકે મૂકવાને બદલે જે પોતાની યાદીને લાંબી ને લાંબી કર્યા કરે છે, તે માત્ર વધુ ને વધુ દુઃખને વહોર્યા વગર રહેતો નથી!