ગુજરાતી પત્રકારત્વનો ધ્રુવ તારો એટલે ભૂપતભાઇ વડોદરિયા. બધા ગ્રહોતારા ફરતા રહે, પરંતુ ધ્રુવ તારો હંમેશ એક જ સ્થાને રહે છે. હજારોલાખો વર્ષથી તે અચલ છે, તેવી જ રીતે અનેક પ્રલોભનો, સંકટો વચ્ચે ભૂપતભાઇ વડોદરિયા ક્યારેય ડગ્યા નથી, પીછેહઠ કે સિદ્ધાંતોમાં બાંધછોડ કરી નથી એટલું જ નહીં, પરંતુ પત્રકારત્વનાં મૂલ્યો અને નિષ્ઠાને હંમેશ વળગી રહ્યા છે. ધ્રુવ તારાની જેમ ભૂપતભાઇ ગુજરાતી પત્રકારત્વમાં દિશાસૂચક રહ્યા છે. કોઇ વ્યવસાયી પત્રકાર સફળ તંત્રી બનીને પોતાનું દૈનિક સફળતાપૂર્વક ન ચલાવી શકે તે ઘર કરી ગયેલી માન્યતાને ભૂપતભાઇ વડોદરિયાએ ખોટી સાબિત કરી છે. સમભાવ મેટ્રો જનસત્તા લોકસત્તા જેવા દૈનિક અખબારો અને ‘અભિયાન’ સાપ્તાહિકના તંત્રી જ નહીં, પરંતુ એક સફળ સંચાલક તરીકે ગુજરાતના પત્રકારોને એક નવો રાહ ચિંધ્યો છે. તેમણે પુરવાર કરી આપ્યું છે કે વ્યવસાયી પત્રકાર પણ પોતાનું અખબાર શરૂ કરી સફળતાપૂર્વક ચલાવી પણ શકે છે. ભૂપતભાઇ વડોદરિયાનો જન્મ ૧૯ ફેબ્રુઆરી, ૧૯૨૯ના રોજ ધ્રાંગધ્રામાં થયો હતો. ત્રણ વર્ષની વયે જ પિતાની છત્રછાયા ગુમાવનાર ભૂપતભાઇ માટે તેમનાં માતા ચતુરાબહેન જ જીવનનો આદર્શ અને પ્રેરણાસ્ત્રોત બની રહ્યાં. ૧૯૫૫માં માત્ર ૨૬ વર્ષની વયે ‘ફૂલછાબ’ના તંત્રી બન્યા હતા. ૧૯૬૨માં અમદાવાદ આવ્યા અને વિવિધ દૈનિક અખબારોમાં કાર્ય કર્યું. તેમની ચિંતનાત્મક અને પ્રેરણાત્મક કોલમ ઘરેબાહિરે અત્યંત લોકપ્રિય બની હતી. ૧૯૮૨થી ૧૯૮૬ સુધી તેઓએ ગુજરાત રાજ્યના માહિતી નિયામક તરીકે સેવાઓ આપી હતી. કોઇ વ્યવસાયી પત્રકાર માહિતી નિયામક બન્યા હોય એવા અત્યાર સુધી એકમાત્ર ભૂપતભાઇ વડોદરિયા જ રહ્યા છે. ૧૯૮૬ના માર્ચમાં તેમણે ‘સમભાવ’ દૈનિકનો પ્રારંભ કર્યો. પત્રકારત્વમાં ભૂપતભાઇના આદર્શ ઝવેરચંદ મેઘાણી હતા. મેઘાણીની માફક જ ભૂપતભાઇએ પત્રકારત્વમાં નીડરતા અને સાહસિકતાનો પરિચય કરાવ્યો હતો. ગુજરાતી પત્રકારત્વમાં સંશોધનાત્મક પત્રકારત્વનો પાયો નાખનાર પણ ભૂપતભાઇ હતા. તેમણે ’૬૦ના દાયકામાં જાનના જોખમે સૌરાષ્ટ્રના સાગરકાંઠે ચાલતી દાણચોરીની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો. ભૂપતભાઇએ ગુજરાતી સાહિત્યને ચાર હાસ્યનવલકથાની ભેટ ધરી છે. ગુજરાતી સાહિત્યમાં રમણભાઇ નીલકંઠ અને ચુનીલાલ મડિયા પછી હાસ્ય નવલકથાના સર્જક તરીકે ભૂપતભાઇએ ખ્યાતિ મેળવી હતી. ગુજરાતી પત્રકારત્વમાં મૂલ્યનિષ્ઠા જાળવી રાખવાના ભૂપતભાઇ આગ્રહી હતા. તેમના તંત્રીપદ હેઠળનું ‘સમભાવ’ અખબારી જૂથ પત્રકારો માટે આશ્રયસ્થાન બની રહ્યું હતું.
ગુજરાતમાં ઇન્વેસ્ટિગેટિંગ જર્નાલિઝમ માટે પત્રકારોને તૈયાર કરવામાં ભૂપતભાઇનો ફાળો અનેરો છે. તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા પત્રકારોની સંખ્યા નાનીસૂની નથી.
ગુજરાતના પત્રકારત્વમાં નીડરતા, નિષ્પક્ષતા અને રચનાત્મક અભિગમ અને ગમે તેવા ચમરબંધીની શેહશરમ રાખ્યા વગર તટસ્થ સમાચારો આપવાનો તેમનો આદર્શ ગુજરાતના પત્રકારત્વમાં એક અનોખી ભાત પાડે છે. પત્રકાર કોઇ પણ અખબાર સાથે સંકળાયેલો હોય છતાં તેના વિકટ સમયે તેની પડખે ઊભા રહી તેના સંકટ અને દુઃખમાં ભાગ લઇ તમામ પ્રકારની મદદ કરવામાં ભૂપતભાઇની તોલે કોઇ આવી શકે તેમ નથી. અખબારી આલમની કોઇ પણ વ્યક્તિ કે પત્રકાર હોય તેના આંસુ લુછવામાં તેમણે ક્યારેય પાછું વાળીને જોયું નથી. ડાબા હાથે કરેલું કાર્ય તેમણે જમણા હાથને જણાવવા દીધું નથી તે તેમની આગવી વિશિષ્ટતા હતી. મૂલ્યનિષ્ઠ પત્રકારત્વ તેમના લોહીમાં હતું. ક્યારેય મૂલ્યો સાથે બાંધછોડ તો ઠીક, પણ સમાધાન પણ ભૂપતભાઇ વડોદરિયાએ કર્યું નથી અને આ સિદ્ધાંતને ગમે તેવા વિકટ સમયમાં છોડ્યો નથી, ત્યજ્યો નથી. ભૂપતભાઇ પાસેથી પત્રકારત્વનો એકડો ઘૂંટીને સેંકડો પત્રકારો તૈયાર થયા છે, જેમાંના કેટલાક રાષ્ટ્રીય કક્ષાના અખબારના તંત્રીપદ સુધી પહોંચ્યા છે. આ ભૂપતભાઇની એક જ્વલંત સિદ્ધિ છે. ભૂપતભાઇનો જો ટૂંકમાં પરિચય આપવો હોય તો એમ કહી શકાય કે અભિપ્રાયનો નહીં, અનુભૂતિનો એ જીવ હતો. પત્રકારો સમેત સહુના તેઓ સદાય હામી રહ્યા હતા. સંવેદના તેમની ગળથૂથીમાં હતી. નીડર અને નિષ્પક્ષ તંત્રી અને સુપ્રસિદ્ધ લેખકસાહિત્યકાર તરીકે ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ જગતમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં ભૂપતભાઇ વડોદરિયાનું નામ ગૂંજે છે, સદાય ગૂંજતું રહેશે.
-ગિરીશ ત્રિવેદી
(In unicode fonts from Sambhaav)