‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’
ભુપતભાઇ વડોદરિયા
જે ઈન ઓસ્ટીનની નવલકથા ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ ઇંગ્લેન્ડમાં પ્રથમ વાર પ્રગટ થઈ ત્યારે તરત જ તે લોકપ્રિય થઈ હતી. આજે પોણા બસો વર્ષ પછી તેને વાચકો મળ્યા જ કરે છે. આમ જુઓ તો એક પ્રેમપરિણયની કથા છે તેમાં ઈમીલી બ્રોન્ટેની ‘વુધરિંગ હાઈટ્સ’નું તોફાન નથી કે તેમાં શાર્લોટ બ્રોન્ટેની ‘જેઈન આયર’ની મસ્તી પણ નથી. છતાં આજે પણ આ નવલકથા હાથમાં લેનારા વાચકને તે વાંચવાની મજા પડે છે, ખળભળ વહેતાં ઝરણાંની જેમ કથા આગળ વધે છે. અહીં તહીં આંટીઘૂંટી, ગેરસમજ અને રહસ્યના નાના મોટા ખડક ગોઠવાયેલા છે. પણ એની કથાના પ્રવાહમાં ક્યાંય અંતરાય નડતો નથી. કશું જ અસામાન્ય નથી અને છતાં તેની સામાન્યતામાંથી સાર્વજનિકતાનું એક નક્કર તત્ત્વ ઊપસી આવે છે એટલે ઇંગ્લેન્ડની એક તદ્દન નાનકડી દુનિયાની વાત આખી દુનિયાને રસપ્રદ લાગે છે. સમરસેટ મોમે એવું કહ્યું છે કે આકૃતિનો એક મોટો ગુણ તેની સુવાચ્યતા ‘રિડેબિલિટી’ છે પણ નિઃશંક એ મોટો ગુણ હોવા છતાં આપણે વીસમી સદીના વાચકો જાણીએ છીએ કે આજકાલ તો જાહેર ખબરો પણ રસપ્રદ અને સુવાચ્ય હોય છે. માત્ર આ જ ગુણને કારણે જેઈન ઓસ્ટીનની નવલકથા આટલું લાંબંુ જીવી ના શકે! ઐતિહાસિક નવલકથાઓના વિશ્વપ્રસિદ્ધ અંગ્રેજી લેખક વોલ્ટર સ્કોટનો એ જમાનો હતો અને સ્કોટે પોતે કહ્યું છે કે, જેઈન ઓસ્ટીને એક વિરલ સિદ્ધિ હાંસલ કરી છે. હું તો અસામાન્ય પાત્રો અને અસામાન્ય નાટ્યાત્મક પરિસ્થિતિઓની વાર્તાઓ લખું છું અને વાચકોને તે મનોહર લાગે પણ જેઈન ઓસ્ટીન તો તદ્દન સામાન્ય પરિવારની સામાન્ય સંસારકથા લખે છે અને તે કેટલી બધી મનોહર બની રહે છે!
મારી દ્રષ્ટિએ ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ની નવલકથાના આટલા લાંબા આયુષ્યનું કારણ એ છે કે તેનું કથાબીજ યુવકયુવતીઓની પ્રણયઝંખના અને લગ્નેચ્છાના સનાતન વિષયનું છે. બીજું, લેખિકા કોઈ અસામાન્ય પ્રેમની વાત કહેતી નથી. એક સરેરાશ સામાન્ય યુવકયુવતીની વાત કહે છે. અસામાન્યતા તેમના પ્રેેમમાં નથી, અસામાન્યતા તેમના વ્યક્તિત્વની વિશેષતામાં છે. વ્યક્તિત્વની આ વિશેષતાને જીવંત રીતે ઉપસાવવાની કલા જેઈન ઓસ્ટીન પાસે છે. નવલકથાની નાયિકા એલિઝાબેથ બેનેટ આપણી નજર સામે આજે પોણા બે સૈકા પછી પણ ખડી કરીએ ત્યારે તે આજની કોઈ પણ ગરીબ કે સામાન્ય સ્થિતિની પણ સ્વમાની અને ચતુર કન્યાથી જુદી લાગતી નથી. ગરીબ મધ્યમ વર્ગની કે અમીર ઘરની કોઈ પણ યુવતીને એલિઝાબેથ થવું ગમેે એલિઝાબેથ જેવી અભિમાની છોકરી થવું ના ગમે તો એની મોટી બહેન જેઈન થવું ગમેે. કોઈ ને, લીડિયા થવું ગમે કે કોઈને મેરી કે કીટ્ટી થવું પણ ગમે.
ટૂંકમાં લેખિકાએ એક લગ્નોન્મુખ યુવતીની બરાબર નાડ પકડી છે. જેઈન ઓસ્ટીનને પોતાની જિંદગીમાં જે પ્રેમ ના મળ્યો, લગ્નનું જે સૌભાગ્ય ના મળ્યું તેની ખોટ પૂરવા જાણેે તેણે પોતાની મનોસૃષ્ટિમાં બે પુરુષ ઉત્પન્ન કર્યા! શ્રીમંત ગર્વિષ્ઠ જુવાન ડાર્સી અને બીંગલી. બીંગલી અને ડાર્સી બંને મિત્રો છે, પણ બંનેના સ્વભાવમાં દોન ધ્રૂવનું અંતર છે. બીંગલી શ્રીમંત પણ ભલો, નરમ અને સરળ છે જ્યારે ડાર્સી ગર્વિષ્ઠ, જટિલ, કઠોર પણ અંદરથી પ્રેમભૂખ્યો અને ઉમરાવ દિલનો છે. જેઈન ઓસ્ટીનના મોટા ભાગનાં પાત્રો એકદમ પ્રતીતિકર અને ઓળખી શકાય તેવાં છે. પાંચ પુત્રીઓના પિતા શ્રીમાન બેનેટ અને માતા શ્રીમતી બેનેટને આજે પણ એક મધ્યમ વર્ગના પરિવારનાં પ્રૌઢ દંપતી તરીકે ઓળખી શકાય છે. પાંચ દીકરીઓ છે. દીકરો નથી, દીકરો ના હોવાથી મકાનની મિલકત ભત્રીજા શ્રી કોલીન્સને જ જાય તેમ છે. આવાં માબાપે આજે પણ લાયકપૈસે ટકે સુખી યુવકોની નિરંતર શોધ કર્યા જ નથી કરતા? આપણે જાણીએ છીએ કે પ્રેમના આકર્ષણનું પ્રથમ રૂપ ઘણી વાર એકબીજા પ્રત્યેના અણગમાના મુખભાવમાં પ્રગટ થાય છે. ડાર્સી અને એલિઝાબેથ વચ્ચે તણખા ઝરે છે. ડાર્સી નૃત્યના સાથીદાર તરીકે એ એલિઝાબેથને પોતાને યોગ્ય ગણતો નથી. એની ટીકા એલિઝાબેથના કાને પડે છે અને બંને વચ્ચે એક ઠંડું યુદ્ધ શરૂ થાય છે. જે છેવટે પ્રેમના એકરારમાં પરિણમે છે. એલિઝાબેથની મોટી બહેન જેઈન અને બીંગલેની જોડી રચાઈ રહી છે. તેની પાર્શ્ચભૂમિકામાં આ બીજી રોમાંચક જોડી રચાય છે. એ જ કથાનાં નાયકનાયિકા બને છે પણ સ્વાભાવિક રીતે જ પહેલો સંબંધ મોટી બહેનનો જ ગોઠવાય એટલે એમાં માબાપે ‘ગોઠવેલા’ સંબંધનું તત્ત્વપ્રધાન લાગે. એની પડખે આ પ્રથમ તિરસ્કાર અને પછી ઉત્કટ આકર્ષણની કથા વધુ સહજ અને સુંદર લાગે છે અને મુખ્ય કથા તરીકે ઊપસી આવે છે. જેઈન ઓસ્ટીન પાત્રોના માનસિક પૃથ્થકરણમાં જતી નથી. રોજિંદા જીવનના તરંગોની સંજ્ઞા દ્વારા એ પાત્રોને ખડાં કરે છે. ક્યાંય મહોરા કે કઠપૂતળી જેવાં એ લાગતાં નથી. જેઈન ઓસ્ટીનની સૃષ્ટિ સપાટી ઉપરની છે. તેમાં દરિયાઈ પેટાળની રમ્યતારુદ્રતા નથી, પણ છતાં તે છીછરાપણામાંથી બચી જાય છે, કેમ કે સપાટી સાચી અને જિંદગીના નક્કર દેહ સાથે ચામડીની જેમ મઢાયેલી છે.
__________________
ભાઇનો આ ખુબ જુનો લેખ છે.
તેમનો અંગ્રેજી સાહિત્યા પ્રત્યેનો પ્રેમ આજે પણ એક પ્રેરણા છે. તેમના રૂમમાં મુકેલા કબાટમાં એક સાહિત્યનો ખજાનો છે અને મને યાદ છે કે હજુ મારે તેનુ લિસ્ટ બનાવવાનું છે! ભાઇ આ પુસ્તકો ને ખુબ પ્રેમથી વાંચતા અને આ અનુભવો લખતા. ઓફીસમાં તેમને મળવા નુ મન થાય ત્યારે અચુક ભાઇ અંગ્રેજી સાહિત્યની વાત કર્તા. તેમનો શોખ માત્ર અંગ્રેજી નહિ પણ ગુજરતી સાહિત્યા નો ખુબ રહેતો અને તેમની વાતોમાં એક ગજબ ઉત્સાહ હોતો અને આંખમા ચમક. આજે ભાઇ ની તબિયત સારી નથી અને મારી હિંમત નથી કે હું તેમને જોઇ શકું - એક ડર છે એક સ્વજન ખોવનો - ભગવાન તેમને ખુબજ સરસ સ્વર્ગ બતાવે અને ભાનુબેન્ નો સાથ આપે - ગોડ બ્લેસ હીમ અને આવુજ તેમનુ નિર્દોષ સ્મિત સદા આપણા દિલમા રહે..