કાર્લ માર્ક્સ
-ભુપતભાઇ વડોદરિયા
સામ્યવાદી ક્રાંતિની ગીતા કે બાઈબલ ગણાતા પુસ્તક ‘દાસ કેપિટલ’નો પ્રથમ ખંડ કાર્લ માર્ક્સે ઈ.સ. ૧૮૬૫ના ડિસેમ્બર માસની આખરમાં તૈયાર કર્યો હતો ત્યારે કાર્લ માર્ક્સની ઉંમર ૪૭ વર્ષની હતી. લંડનમાં બ્રિટિશ મ્યુઝિયમમાં ભાગ્યે જ કોઈ માણસે વાંચનઅધ્યયનમાં આટલી એકાગ્રતાથી તપ કર્યું હશે. કાર્લ માર્ક્સને દાળરોટીની ચિંતા, મકાનના ભાડાની ચિંતા અને છતાં તેનો નિશ્ચય અડગ. તેની આંખની પીડા, માથાનો દુખાવો, આખા શરીરે ફોલ્લા, પેટમાં દર્દ, ગળામાં દર્દતેની નાનીમોટી બીમારીઓની વિગતો વાંચીએ ત્યારે તાજુબી થાય કે આટઆટલી પીડા વચ્ચે આ માણસ જીવ્યો તે તો સમજ્યા, પણ એ આટલું કામ કઈ રીતે કરી શક્યો તે સમજવું મુશ્કેલ પડે તેવું છે. કાર્લ માર્ક્સ એના વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓ પર તૂટી પડતો પણ પતિ તરીકે અને ત્રણ પુત્રીઓના પિતા તરીકે તે અત્યંત પ્રેમાળ હતો. તેણે હિંસક ક્રાંતિની હિમાયત કરી પણ એનું પોતાનું જીવન નિરુપદ્રવી ભદ્રસમાજની કોઈ પણ વ્યક્તિના જીવન જેવું જ હતું. તેનાં કોઈ સ્વપ્નો સિદ્ધ થતાં તેણે તેની સગી આંખે જોયાં નહીં પણ તેના મૃત્યુ પછી પાંત્રીસ વર્ષમાં જ રશિયામાં ૧૯૧૭માં ક્રાંતિ થઈ અને એક્સો વર્ષમાં તો તેના નામે દુનિયાના ઘણા બધા મુલકોમાં રાજપલટા થયા.
સંસારમાં બહુ થોડા પુરુષોને માર્ક્સની પત્ની જેની જેવી પત્ની મળી હશે. બહુ થોડા પુરુષોને ફ્રેડરિક એંજલ્સ જેવો મિત્ર મળ્યો હશે. બહુ થોડા માણસોને માર્ક્સ જેવાં બુદ્ધિતેજ અને વેધક દ્રષ્ટિ પ્રાપ્ત થયાં હશે. બીજી બાજુ ગરીબી, માંદગી અને તરેહતરેહની કમનસીબીઓ તેના પલ્લે પડી હતી. આપણા જવાહરલાલ નહેરુની જેમ કાર્લ માર્ક્સને પ્લુરસીના રોગે ખૂબ તંગ કર્યા હતા. માર્ક્સનાં ફેફસાંમાં ગાંઠ જામી ગઈ હતી અને તેમાંથી લોહી પડવા માંડ્યું હતું. મૃત્યુનું તાત્કાલિક કારણ કદાચ એ હતું કે બે જ મહિના પહેલાં માર્ક્સની પ્યારી પુત્રી કેન્સરથી મૃત્યુ પામી હતી અને તેનો જબરો આઘાત તેને લાગ્યો હતો. સવા વર્ષ પહેલાં માર્ક્સની પત્ની ખૂબસૂરત જેની પણ કેન્સરથી મૃત્યુ પામી હતી ત્યારે કાર્લ માર્ક્સ એટલો બધો માંદો પડી ગયો હતો કે જેનીની સ્મશાનયાત્રામાં સામેલ થઈ શક્યો નહોતો. જેની અને કાર્લ માર્ક્સે પ્રેમલગ્ન કર્યાં હતાં. જેની કાર્લ માર્ક્સથી ચાર વર્ષ મોટી હતી. કાર્લ માર્ક્સ એમનાં માતાપિતાનાં આઠ સંતાનોમાં એક હતા. તેમના પિતા માનતા કે કાર્લમાં કોઈક ‘દાનવ’ વસે છે અને પુત્રના ભવિષ્યની ચિંતા તેમનું કાળજું કોરતી હતી. પિતાનો અંદાજ સાચો હતો. કાર્લ માર્ક્સમાં કોઈ રુદ્રશક્તિ વિરાજતી હતી. કાર્લ માર્ક્સ જ્યાં જાય ત્યાં કંઈ ને કંઈ હલચલ ઊભી કરે એટલે પછી તેની હકાલપટ્ટી થાય એટલે તે કોઈ બીજા શહેરમાં જઈ વસે. કાર્લ માર્ક્સે દૈનિક અખબાર પણ કાઢ્યું હતુંએક વર્ષ ચલાવી શકાયું.એંજલ્સ પોતાના મિત્ર કાર્લ માર્ક્સની શક્તિ અને સ્થિતિ પિછાની ગયો હતો એટલે ઈ.સ. ૧૮૫૦માં એંજલ્સ માન્ચેસ્ટર રહેવા ગયો. પિતાના ધંધામાં પડ્યો. એ નાણાં કમાવા માગતો હતો, કારણ કે તે કાર્લ માર્ક્સને નાણાકીય મદદ કરવા માગતો હતો. અંત સુધી એંજલ્સે માર્ક્સને ટકાવી રાખ્યો અને માર્ક્સના મૃત્યુ પછી એંજલ્સે માર્ક્સની પુત્રીઓને પોતાની મિલકતમાંથી ભાગ આપ્યો. કાર્લ માર્ક્સ વિદ્યાર્થી કાળથી ધૂમ્રપાન કરતા હતા. આખી રાત જાગીને વાંચનલેખન કરે અને એમાં સિગારેટનો સહારો લે. પાછળનાં વર્ષોમાં કાર્લ માર્ક્સ કહેતા કે ‘દાસ કેપિટલ’ ગ્રંથમાંથી એટલી કમાણી પણ થઈ નથી કે એ લખવા માટે પીધેલી સિગારેટનો ખર્ચ પણ નીકળે! લંડનમાં બે ઓરડીનું નાનકડું ઘર (ભાડાનું), ફર્નિચરમાં ખાસ કશું નહીં. એક પણ ખુરશી કે ટેબલ સાજું નહીંબધું જ ભાંગેલું, તૂટેલું અને ભંગાર. કોલસાનો ધુમાડો અને સિગારેટનો ધુમાડો!
દરિદ્રતાનો આ દરબાર! પણ અહીં જ માર્ક્સના હાસ્યના અને કટાક્ષના પડઘા ઊઠતા અને અહીં જ ક્રાંતિકારી પરિવર્તનના ખ્યાલોના પડછંદા ગાજી ઊઠતા! કાર્લ માર્ક્સની છાતી ઉપર જિંદગી જાણે ચઢી બેઠી હતી! પણ જલદી હાર કબૂલે એવો આ માણસ નહોતો. એનો દમ ઘૂંટતી જિંદગી એની છાતી ઉપરથી ઊતરી ત્યારે જાતે જ શરમાઈને જાણે બદલાઈ ગઈ હતી - માર્ક્સ માટે નહીં પણ દુનિયાના લાખો લોકો માટે!