Sunday, November 20, 2011

‘મેક્સિમ્સ’ના થોડા નમૂના: La Rochefoucauld

‘મેક્સિમ્સ’ના થોડા નમૂના
ભુપતભાઇ વડોદરિયા

માણસની કોઈ ઉમદા ભાવનાની, તેના આદર્શની, તેની નૈતિક ઊંચાઈની કોઈ વાત કેટલાક માણસોને ગળે જ નથી તરતી. માણસના સ્વભાવ વિશે અધિક અંશે ઘણું બધું ખરાબ હોવાનું માનનારી વ્યક્તિને આપણે નિરાશાવાદીહતાશાવાદી ગણીએ છીએ, આવી વ્યક્તિઓને કેટલીક વાર કશું સીધું કે સારું દેખાતું જ નથી, તેને બધું જ આડુંઅવળું, ઊંધુંચત્તું અને પોલંપોલ જેવું લાગે છે, ત્રાંસી નજરે વ્યક્તિ કે સમુદાયને જોનારા માણસ અત્યંત અળખામણા બને છે. વક્રદર્શનની આવી વિશિષ્ટ દ્રષ્ટિવાળા માણસોમાંથી બહુ જ થોડા એવા નીકળે છે, જેમની વાણી કડવી લાગવા છતાં તેમાં કશુંક ગુણકારી સંભવી શકે છે.

સત્તરમા સૈકાની શરૂઆતમાં આવો એક માણસ જન્મ્યો હતો પૅરિસમાં. સોળસો તેરની સાલમાં પંદરમી સપ્ટેમ્બરે જન્મેલો લા રોસેફુકોલ્ડ (La Rochefoucauld) રાજવંશી ખાનદાનનો હતો. તેને આગળ ઉપર ડ્યૂકનો ખિતાબ પણ મળ્યો હતો. સોળ જ વર્ષની ઉંમરે પરણ્યો હતો. રાજદરબારની ખટપટોમાં ભાગીદાર અને શિકાર બંને બની ચૂક્યો હતો. લશ્કરમાં પણ સામેલ હતો. ૩૯ વર્ષની ઉંમરે લડાઈમાં જખ્મી બન્યો. ૬૭ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. બાવન વર્ષની ઉંમરે એણે જ્યારે ‘મેક્સિમ્સ’ (સૂક્તિઓ) પુસ્તિકા પ્રગટ કરી ત્યારે તેના સમકાલીનોને આંચકો લાગ્યો હતો. અર્વાચીન વાચકોને આજે કદાચ એવો આઘાત નહીં લાગે, વાચકને લાગશે કે આ ચિંતનલેખકે મનુષ્યસ્વભાવને બહુ જ કાળો ચીતર્યો છે, આવા આક્ષેપમાં જરૂર તથ્ય છે, પણ સાથેસાથે આ માણસ જે કંઈક કડવુંકાળું કહે છે તેમાં પણ કાંઈક હકીકત છે, તેનો ઇન્કાર પણ થઈ નહીં શકે. થોડાક જ શબ્દોમાં તે માનવસ્વભાવના કોઈ ને કોઈ ડાણને સ્પર્શી શકે છે, પકડી શકે છે.

‘મેક્સિમ્સ’ના થોડા નમૂના અહીં આપ્યા છે.

- માણસો ભલાઈ અને બુરાઈ બંનેને ભૂલી જતા હોય છે એટલું જ નહીં પણ જેણે પોતાનું ભલું કર્યંુ હોય તેને ધિક્કારતા હોય છે. જેણે પોતાનું ખરાબ કર્યું હોય તેને ધિક્કારવાનું બંધ કરી દે છે.

- બીજાઓનાં દુર્ભાગ્યો વેઠવાનું બળ આપણા સૌમાં હોય છે!

- દુર્ભાગ્ય કરતાં સદ્ભાગ્ય સહન કરવા માટે વધુ સદ્ગુણની જરૂર રહે છે.

- સૂર્ય સામે અને મોત સામે કોઈ સીધી નજરે તાકી શકતું નથી.

- આપણી આશાઓ પ્રમાણે આપણે વચનો આપીએ છીએ અને આપણી શક્તિ અનુસાર તેનું પાલન કરીએ છીએ.

- આપણે જાતે કલ્પના કરીએ છીએ એટલા સુખી કે દુઃખી આપણે ક્યારેય હોતા નથી.

- પરિણામ પરથી પ્રેમનું મૂલ્યાંકન કરવા જઈએ તો એમ જ લાગે કે પ્રેમ દોસ્તી કરતાં દુશ્મનાવટને વધુ મળતો આવે છે.

- દરેક માણસ પોતે સારા હૃદયનો હોવાનું કહે છે, કોઈ પોતાનું મન સારું હોવાનું કહી શકે તેમ નથી.

- દિલ હંમેશાં દિમાગને મૂર્ખ બનાવે છે.

- આપણી પોતાની જ ખુશામત આપણે કરીએ નહીં તો આપણે ભાગ્યે જ રાજી રહી શકીએ!

- બીજાઓની બાબતમાં ડાહ્યા થવાનું સહેલું હોય છે પણ આપણી પોતાની બાબતમાં ડાહ્યા થવાનું મુશ્કેલ હોય છે.

- પ્રશંસા સાંભળવાનો ઇન્કાર કરવો તેનો અર્થ બે વાર વખાણ સાંભળવાની માગણી કરવી છે.

- આવી પડનારાં દુર્ભાગ્યોની કલ્પનામાં આપણી બુદ્ધિ વાપરવા કરતાં ચાલુ દુર્ભાગ્યને પહોંચી વળવામાં આપણી બુદ્ધિ વાપરવાનું બહેતર છે. દંભ એટલે સદ્ગુણને દુર્ગુણે આપેલી સલામી!

- મોટા ભાગના માણસો માટે તેમની કૃતજ્ઞતાની લાગણીમાં વધુ લાભો ખાટવાની છાની ઇચ્છાથી વધુ કંઈ હોતું નથી.

- આપણી નાની ત્રુટિઓ આપણે એકદમ કબૂલ કરીએ છીએ, અને એમ કરીને આપણે બીજાઓને એવું સમજાવવા માગતા હોઈએ છીએ કે આપણામાં કોઈ મહાન ત્રુટિઓ નથી.

- ભાગ્યની મહેરબાની જેમને મળી નથી હોતી તેમને ભાગ્ય ખરેખર આંધળું લાગે છે. ભાગ્યની સાથે કામ પાડવાનો તરીકો એક જ છે, તબિયતની બાબતમાં આપણે આ જ તરીકો અજમાવીએ છીએ ઃ તબિયતની જેમ જ ભાગ્ય સારું હોય ત્યારે તેને માણો, ભાગ્ય ખરાબ હોય ત્યારે ધીરજ રાખો અને અંતિમ ઇલાજનો આશરો કદી ન લો!

- આપણાં ઉત્તમમાં ઉત્તમ કાર્યો પાછળના મૂળ હેતુઓની જગતને જાણ થતી હોત તો આપણે તેને માટે શરમાઈ મરતા હોત!

__________________________________
This has been Bhupatbhai's reading of Literature.

In English:

La Rochefoucauld, Maxims, translated, with an introduction, by Leonard Tancock.(New York and London: Penguin Books, 1984) The editor also includes the brief self-portrait of La Rochefoucauld, and another verbal portrait by Cardinal de Retz. Tancock's is still the best complete translation in English.

Read more on this character here:

Thursday, November 10, 2011

જૂની કડવાશને જતી કરીએ

જૂની કડવાશને જતી કરીએ
ભૂપતભાઇ વડોદરિયા

વૃદ્ધ સુમતિચંદ્ર પાસે એક યુવાન મદદ માગવા આવ્યો છે. એ યુવાન સુમતિચંદ્રની બહેનનો દીકરો છે. ઘણા વર્ષે ભાણેજ મામાને મળવા આવ્યો છે. ભાણેજ મોં ખોલીને કશું કહેતો નથી પણ એક પત્ર મામાના હાથમાં મૂકે છે. સુમતિચંદ્રે એ પત્ર વાંચ્યો, ફાડીને કચરાની ટોપલીમાં નાખ્યો. તેમણે પોતાના કોટમાંથી એક હજાર રૂપિયા કાઢીને એ યુવાનને આપ્યા. ક્ષોભભરી નજરે પણ આભારવશ હૈયે એ જુવાન વિદાય થયો. એના ગયા પછી તુરંત જ સુમતિચંદ્રનાં પત્ની ભાગીરથીબહેન દીવાનખાનામાં આવ્યાં. તેમના પતિને પૂછ્યું, ‘કોણ હતું?’ સુમતિચંદ્રે ટૂંકો જવાબ આપ્યોઃ ‘બહેનનો મહેશ હતો. મેં તો તેને ચાપાણીનું પણ પૂછ્યું નહીં! મને એમ કે તમે અંદર સૂતાં હશો.’ પત્નીએ કડવું હસીને કહ્યું, ‘હું તો જાણતી જ હતી અને તમારા મામાભાણેજની લીલા જોઈ! તમને શું કહેવું એ મને સૂઝતું નથી. શું તમને કશું જ યાદ નથી? તમારી આ બહેન પાસે વર્ષો પહેલાં જ્યારે મેં આપણી દીકરી માટેતેની ફી અને કોલેજના ચોપડા માટેમાત્ર ત્રણસો રૂપિયા જ માગ્યા હતા ત્યારે તમારાં બહેન અને બનેવીએ પૈસા આપવા તો દૂર રહ્યા, પણ એવું મહેણું માર્યું હતું કે ‘સ્થિતિ નથી તો દીકરીને શું કામ આગળ ભણાવો છો! છેવટે દીકરીને તો પરણાવીને સાસરે જ મોકલવી છે ને?’ ત્યારે આપણી સ્થિતિ ખૂબ ખરાબ હતી. તેઓની સ્થિતિ ખૂબ સારી હતી. આજે તમે તમારી એ બહેનના દીકરાને કંઈ સવાલજવાબ કર્યા વિના નગદ એક હજાર આપી દીધા! બહેને ચિઠ્ઠીમાં ચાર લીટી લખી અને ભાઈનું દિલ પીગળી ગયું! ખેર, એ ચિઠ્ઠી ફાડીને ફેંકી શું કામ દીધી? હું તે કોઈને વાંચી સાંભળાવત!’ સુમતિચંદ્રે કહ્યું, ‘‘મારી સગી બહેનનો દીકરો છે, આજે મુશ્કેલીમાં આવી પડ્યો ને પોતાની મા પાસે ચિઠ્ઠી લખાવીને આવ્યો! બનેવી તો આજે હયાત નથી. ભૂતકાળમાં કોઈ સગાંસંબંધીએ આપણી સાથે ભલે ગમે તેવો વહેવાર કર્યો હોય, એ સગાંસંબંધી મુશ્કેલીમાં આવી પડે અને આપણી મદદ માગે ત્યારે આપણી શક્તિ મુજબ મદદ આપવી. આપણી ત્રેવડ ન હોય તો ના પણ પાડીએ, પણ મદદની શક્તિ છે. મદદ માગનારની ભીડની સચ્ચાઈમાં પણ કાંઇ શંકા નથી ત્યારે જૂની વાત યાદ કરી તેને નનૈયો ભણાવે એ શું સારું છે? મને તો એ વાતનો આનંદ છે કે ઈશ્વરે મને કોઈને પણ બે પૈસાની મદદ કરવાની શક્તિ આપી! હું પરમાત્માનો એટલો આભાર માનું છે કે મારે મારી બહેનના દીકરાને મદદ કરવાની વેળા આવી ત્યારે જૂની કડવાશે મારો હાથ રોકી ન રાખ્યો! મારી બહેનના પત્રમાં ‘લાચારી’ અને પોતે અગાઉ કરેલા વહેવારનો ‘પસ્તાવો’ પણ હતાં! એ ચિઠ્ઠી સંઘરીને આપણે શું કરવું હતું? હું તો માનું છું કે પોતાની ભીડની ક્ષણે પોતાનો હાથ બીજે ક્યાંક લંબાવવાને બદલે જૂની વાત ભૂલીને સગા ભાઈ પાસે જ મદદ માગવા જેટલી ‘ઉદારતા’ પણ તેણે બતાવી. ભગવાને જ એના અંતરમાં આવી પ્રેરણા મૂકી હશે! તે મારી ઓળખાણના બીજા કોઈ પણ વેપારી પાસે મદદ માગવા જઈ શકી હોત. કદાચ તેને મદદ મળી પણ હોત અને એને મદદ કરનારે હસતાં હસતાં મને સંભળાવ્યું પણ હોત કે ‘તમારાં બહેન બિચારાં મારી પાસે મદદ માટે આવ્યાં હતાં! મેં તેને મદદ તો કરી પણ મિત્ર, તમે બહેનનું મુદ્દલ ધ્યાન નથી રાખતા કે શું?’ એણે આવું કહ્યું હોત તો શરમથી મારું માથું ઝૂકી જાત! હું શું ત્યારે એ માણસ સમક્ષ એવો ખુલાસો કરત કે મારા નબળા સમયમાં મેં મારી દીકરી માટે કોલેજની ફીચોપડીના પૈસા માગ્યા ત્યારે મારાં બહેનબનેવીએ મને મદદ નહોતી કરી એટલે અત્યારે હવે હું એમને શું કામ મદદ કરું? તે વખતે મારાં બહેનબનેવીનું વર્તન જો ગેરવાજબી હતું તો આજે હું એવું જ વર્તન કરું તો તે કઈ રીતે વાજબી ગણાય? ‘‘એમ વિચાર કરીએ તો આપણા અત્યંત વિકટ સમયમાં તારા સગા ભાઈએ આપણી સાથે કેવો વહેવાર કર્યો હતો? આજે આપણે જે સ્નેહભર્યો સંબંધ તેમની સાથે નિભાવીએ છીએ તે સંબંધ ભૂતકાળની વાતો યાદ કરીએ તો ટકી શકે ખરો?

જીવન આવું જ છે. બધી સમયની લીલા છે. સમય એક સારા શક્તિમાન મનુષ્યને ભિખારીનાં કપડાં પહેરાવે છે અને સમય ફરી કોઈ વાર એ જ માણસને ધનવાનનો પોશાક પહેરાવે છે. એ દિવસોમાં તારા સગા ભાઈએ જે વહેવાર કર્યો હતો તેે પણ ત્યારે તો ખૂબ ખટક્યો હતો. મારી સગી બહેને જે વહેવાર આપણી સાથે કર્યો હતો તે તનેમને પણ ખૂબ ખટક્યો હતો, પણ માણસે યાદ રાખવું જ પડે છે કે સ્મૃતિઓનો પણ એક વિવેક છે. સારા પ્રસંગની શોભા પર વીતી ગયેલી વાતનો પડછાયો પાડવાથી આપણું સુખ ઘટે, ખારું બને તે વધે નહીં, તેમાં કોઈ મીઠાશ ન મળે.’’

Wednesday, October 05, 2011

ગુજરાતી પત્રકારત્વનો ધ્રુવ તારો એટલે ભૂપતભાઇ વડોદરિયા

ગુજરાતી પત્રકારત્વનો ધ્રુવ તારો એટલે ભૂપતભાઇ વડોદરિયા. બધા ગ્રહોતારા ફરતા રહે, પરંતુ ધ્રુવ તારો હંમેશ એક જ સ્થાને રહે છે. હજારોલાખો વર્ષથી તે અચલ છે, તેવી જ રીતે અનેક પ્રલોભનો, સંકટો વચ્ચે ભૂપતભાઇ વડોદરિયા ક્યારેય ડગ્યા નથી, પીછેહઠ કે સિદ્ધાંતોમાં બાંધછોડ કરી નથી એટલું જ નહીં, પરંતુ પત્રકારત્વનાં મૂલ્યો અને નિષ્ઠાને હંમેશ વળગી રહ્યા છે. ધ્રુવ તારાની જેમ ભૂપતભાઇ ગુજરાતી પત્રકારત્વમાં દિશાસૂચક રહ્યા છે. કોઇ વ્યવસાયી પત્રકાર સફળ તંત્રી બનીને પોતાનું દૈનિક સફળતાપૂર્વક ન ચલાવી શકે તે ઘર કરી ગયેલી માન્યતાને ભૂપતભાઇ વડોદરિયાએ ખોટી સાબિત કરી છે. સમભાવ મેટ્રો જનસત્તા લોકસત્તા જેવા દૈનિક અખબારો અને ‘અભિયાન’ સાપ્તાહિકના તંત્રી જ નહીં, પરંતુ એક સફળ સંચાલક તરીકે ગુજરાતના પત્રકારોને એક નવો રાહ ચિંધ્યો છે. તેમણે પુરવાર કરી આપ્યું છે કે વ્યવસાયી પત્રકાર પણ પોતાનું અખબાર શરૂ કરી સફળતાપૂર્વક ચલાવી પણ શકે છે. ભૂપતભાઇ વડોદરિયાનો જન્મ ૧૯ ફેબ્રુઆરી, ૧૯૨૯ના રોજ ધ્રાંગધ્રામાં થયો હતો. ત્રણ વર્ષની વયે જ પિતાની છત્રછાયા ગુમાવનાર ભૂપતભાઇ માટે તેમનાં માતા ચતુરાબહેન જ જીવનનો આદર્શ અને પ્રેરણાસ્ત્રોત બની રહ્યાં. ૧૯૫૫માં માત્ર ૨૬ વર્ષની વયે ‘ફૂલછાબ’ના તંત્રી બન્યા હતા. ૧૯૬૨માં અમદાવાદ આવ્યા અને વિવિધ દૈનિક અખબારોમાં કાર્ય કર્યું. તેમની ચિંતનાત્મક અને પ્રેરણાત્મક કોલમ ઘરેબાહિરે અત્યંત લોકપ્રિય બની હતી. ૧૯૮૨થી ૧૯૮૬ સુધી તેઓએ ગુજરાત રાજ્યના માહિતી નિયામક તરીકે સેવાઓ આપી હતી. કોઇ વ્યવસાયી પત્રકાર માહિતી નિયામક બન્યા હોય એવા અત્યાર સુધી એકમાત્ર ભૂપતભાઇ વડોદરિયા જ રહ્યા છે. ૧૯૮૬ના માર્ચમાં તેમણે ‘સમભાવ’ દૈનિકનો પ્રારંભ કર્યો. પત્રકારત્વમાં ભૂપતભાઇના આદર્શ ઝવેરચંદ મેઘાણી હતા. મેઘાણીની માફક જ ભૂપતભાઇએ પત્રકારત્વમાં નીડરતા અને સાહસિકતાનો પરિચય કરાવ્યો હતો. ગુજરાતી પત્રકારત્વમાં સંશોધનાત્મક પત્રકારત્વનો પાયો નાખનાર પણ ભૂપતભાઇ હતા. તેમણે ’૬૦ના દાયકામાં જાનના જોખમે સૌરાષ્ટ્રના સાગરકાંઠે ચાલતી દાણચોરીની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો. ભૂપતભાઇએ ગુજરાતી સાહિત્યને ચાર હાસ્યનવલકથાની ભેટ ધરી છે. ગુજરાતી સાહિત્યમાં રમણભાઇ નીલકંઠ અને ચુનીલાલ મડિયા પછી હાસ્ય નવલકથાના સર્જક તરીકે ભૂપતભાઇએ ખ્યાતિ મેળવી હતી. ગુજરાતી પત્રકારત્વમાં મૂલ્યનિષ્ઠા જાળવી રાખવાના ભૂપતભાઇ આગ્રહી હતા. તેમના તંત્રીપદ હેઠળનું ‘સમભાવ’ અખબારી જૂથ પત્રકારો માટે આશ્રયસ્થાન બની રહ્યું હતું.

ગુજરાતમાં ઇન્વેસ્ટિગેટિંગ જર્નાલિઝમ માટે પત્રકારોને તૈયાર કરવામાં ભૂપતભાઇનો ફાળો અનેરો છે. તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા પત્રકારોની સંખ્યા નાનીસૂની નથી.

ગુજરાતના પત્રકારત્વમાં નીડરતા, નિષ્પક્ષતા અને રચનાત્મક અભિગમ અને ગમે તેવા ચમરબંધીની શેહશરમ રાખ્યા વગર તટસ્થ સમાચારો આપવાનો તેમનો આદર્શ ગુજરાતના પત્રકારત્વમાં એક અનોખી ભાત પાડે છે. પત્રકાર કોઇ પણ અખબાર સાથે સંકળાયેલો હોય છતાં તેના વિકટ સમયે તેની પડખે ઊભા રહી તેના સંકટ અને દુઃખમાં ભાગ લઇ તમામ પ્રકારની મદદ કરવામાં ભૂપતભાઇની તોલે કોઇ આવી શકે તેમ નથી. અખબારી આલમની કોઇ પણ વ્યક્તિ કે પત્રકાર હોય તેના આંસુ લુછવામાં તેમણે ક્યારેય પાછું વાળીને જોયું નથી. ડાબા હાથે કરેલું કાર્ય તેમણે જમણા હાથને જણાવવા દીધું નથી તે તેમની આગવી વિશિષ્ટતા હતી. મૂલ્યનિષ્ઠ પત્રકારત્વ તેમના લોહીમાં હતું. ક્યારેય મૂલ્યો સાથે બાંધછોડ તો ઠીક, પણ સમાધાન પણ ભૂપતભાઇ વડોદરિયાએ કર્યું નથી અને આ સિદ્ધાંતને ગમે તેવા વિકટ સમયમાં છોડ્યો નથી, ત્યજ્યો નથી. ભૂપતભાઇ પાસેથી પત્રકારત્વનો એકડો ઘૂંટીને સેંકડો પત્રકારો તૈયાર થયા છે, જેમાંના કેટલાક રાષ્ટ્રીય કક્ષાના અખબારના તંત્રીપદ સુધી પહોંચ્યા છે. આ ભૂપતભાઇની એક જ્વલંત સિદ્ધિ છે. ભૂપતભાઇનો જો ટૂંકમાં પરિચય આપવો હોય તો એમ કહી શકાય કે અભિપ્રાયનો નહીં, અનુભૂતિનો એ જીવ હતો. પત્રકારો સમેત સહુના તેઓ સદાય હામી રહ્યા હતા. સંવેદના તેમની ગળથૂથીમાં હતી. નીડર અને નિષ્પક્ષ તંત્રી અને સુપ્રસિદ્ધ લેખકસાહિત્યકાર તરીકે ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ જગતમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં ભૂપતભાઇ વડોદરિયાનું નામ ગૂંજે છે, સદાય ગૂંજતું રહેશે.

-ગિરીશ ત્રિવેદી

(In unicode fonts from Sambhaav)

શબ્દોના સાધકની ચિરવિદાય

શબ્દોના સાધકની ચિરવિદાય
(in Unicode from Sambhaav)

ગુજરાતી પત્રકારત્વમાં હંમેશાં દીવાદાંડી બની રહેલા અને સમભાવ મીડિયાના ધરોહર સમા શ્રી ભૂપતભાઇ વડોદરિયાનો તા.૦૪/૧૦/૨૦૧૧ મંગળવારની રાત્રે ૯.૪૫ કલાકે ૮૨ વર્ષની વયે દેહાંત થયો છે. ગુજરાતી પત્રકારત્વમાં સૌથી નાની વયે ફુલછાબમાં તંત્રી બન્યાનું ગૌરવ હાંસલ કરનાર ભૂપતભાઇ પત્રકાર ઉપરાંત ઉચ્ચ કોટિના સાહિત્યકાર હતા. તેમની ‘પ્રેમ એક પૂજા’ નવલકથાને ૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું. સંસ્કાર એવોર્ડ સહિત અનેક પારિતોષિકથી ભૂપતભાઇની સાહિત્યિક સેવાઓની કદર થતી રહી હતી. તેમણે ગુજરાત રાજ્ય માહિતી નિયામકપદે પણ યશસ્વી કામગીરી કરી હતી. ‘પ્રભાત’, સંદેશ અને ગુજરાત સમાચારમાં પણ તેમણે પત્રકાર તરીકે કારકિર્દીનું ખેડાણ કર્યું હતું. સાહિત્ય ક્ષેત્રે તેમના પચાસથી વધુ પુસ્તકો પ્રસિદ્ધ થઇ ચૂક્યાં છે. તેઓ સમભાવમેટ્રો, જનસત્તા, લોકસત્તા અને સાપ્તાહિક અભિયાનના તંત્રી હતા. ભૂપતભાઇના ચાર સંતાનો રાજેનભાઇ, શૈલેષભાઇ, મનોજભાઇ, કિરણભાઇ સહિત સમભાવ મીડિયા પરિવાર સમસ્ત પત્રકારજગત અને સાહિત્યજગતને ભૂપતભાઇની ચિરવિદાયથી કદી ના પૂરી શકાય તેવી ખોટ હંમેશાં રહેશે.

પત્રકારત્વસાહિત્યજગતની તેજસ્વી કલમ પોઢી ગઈઃ નરેન્દ્ર મોદી

ગુજરાતી પત્રકારત્વની દીવાદાંડી અને ગુજરાતી સાહિત્યના ઉત્કૃષ્ઠ સાહિત્યકાર તથા સમભાવ મીડિયા હાઉસની ધરોહર સમાન સ્વર્ગસ્થ ભૂપતભાઇ વડોદરિયાના પાર્થિવદેહને આજે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પુષ્પાંજલિ અર્પિત કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે સ્વર્ગસ્થ ભૂપતભાઇ વડોદરિયાનાં પરિવારજનોને દુઃખની આ ઘડીમાં દિલસોજી અને સાંત્વના પાઠવી હતી. મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે નવ વાગ્યે સ્વર્ગસ્થ ભૂપતભાઇ વડોદરિયાના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા અને તેમના પાર્થિવદેહને પુષ્પાંજલિ અર્પણ કરીને સ્વર્ગસ્થની પત્રકારત્વની સેવાઓને બિરદાવીને કહ્યું હતું કે, ‘‘ગુજરાતના પત્રકારત્વ અને સાહિત્યજગતની દેદીપ્યમાન અને તેજસ્વી કલમ આજે પોઢી ગઇ છે. સ્વર્ગસ્થ ભૂપતભાઇ વડોદરિયાએ ખૂબ નાની વયે પત્રકારત્વ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું. વિશ્વ સાહિત્ય અને અખબારો અંગે તેમણે જવાબદારી સ્વીકારી હતી. ગુજરાતને તેમણે અખબારો પણ આપ્યાં, ખબર પણ આપી અને ખબર પણ લીધી છે. ચિંતન અને મનન દ્વારા આવનારી પેઢીને અનેક રત્નો આપ્યાં છે. સરસ્વતીના ઉપાસકને હું આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું.


મૃત્યુ પછીની ગતિ ની ચીંતા! -ભુપતભાઇ વડોદરિયા

મૃત્યુ પછીની ગતિ ની ચીંતા!
-ભુપતભાઇ વડોદરિયા

એક સંબંધીએ કહયુ ‘મે જે કાઇ ઝંખ્યુ અને માગ્યુ તે બધુ મળયુ છે. છ્તા કેટ્લીવાર એવુ લાગે છે કે મારા સાનુકુર્ સંજોગો ને હિસાબે જે ખુશાલીની લાગણી મનમા ટ્કી રહેવી જોઇએ તે ટ્કી રહેતી નથી. મને સતત બિનસલામતી ની લાગણી સતાવ્યા કરે છે. ખરેખર તો સંપુર્ણ સુરક્ષિતતાની લાગણી થવી જોઇએ. તેને બદલે બિનસલામની લાગે છે. આનુ કારણ સમજાતુ નથી. આનો ઇલાજ શુ તેની કશી ખબર નથી. મારા આ સંબંધી પૈસેટકે અતિ સુખી છે. મિલકત સારી છે. ધંધામાં સ્થિર છે. સમાજમા પ્રતિત્ત પણ છે. એમને બિનસલામતીની લાગણી રહ્યા કરે છે ને તેથી બેચેની પેદા થાય છે.

એક તદન ગરીબ માનસે પોતાની પાસે આવેલી ઠીક ઠીક રકમ બતાવીને કહ્ય “જ્યા જ્યા ગયો ત્યાં ત્યાં કોઇએ બે તો કોઇએ પાંચ રુપિયાની મદદ કરી. હુ ગરીબ છુ પણ મારે રુપિયાની ખાસ જરુર નથી. મને સતત ભય લાગ્યા કરે છે કે કોઇક રક્ષણ આપે તો સારુ! આ માણસને આ બધા પ્રષ્નો પુછવા છતા તે ખરેખર પોતાની ઉપર કોઇ વાસ્તવિક જોખમ હોવાનુ બતાવી શકયો નહી. આમ કોઇ જોખમ નથી ને લુટાઇ જવાનો ભય નથી, કે જેના પડ્છાયાની ચીંતા કરવી પડે. કોઇ નક્કર ભયની વાત નથી, પણ મનની અંદર બિનસલામતીની એક લાગણી સતત સરવર્યા કરે છે અને તેને ચેન પડતુ નથી.

તાજેતરમા મશહુર લેખક ફ્રાંસ કાફકાનો પત્ર વહેવાર વાંચયો. પોતાની પ્રિયતમાને અમુક સમય માટેની વિવાહિતા ફેલિસ પર્ન પત્રો તેમા છે. કાફ્કાએ આ પ્રેમ પત્રોમા પોતાની જાતને સંપુર્ણ ખલ્લી કરી છે. એમા કાફ્કાની બિનસલામાતી ની લાગણી વારમવાર કહે છે કે, હું દુબળામા દુબળો માણસ છુ. ફેલીસને એ ચાહે છે ખરો પણ તેની સાથે લગ્ન કરવા તૈયાર થઇ શકતો નથી. કાફ્કા કહે છે કે મારા પોતના એક્લાના જીવતર પુરતી તબિયત ચાલે તેવી છે, પણ લગ્ન કરી શકુ એવી તબિયત નથી. હકીકતે કાફ્કાનો પત્રવહેવાર પોકરી પોકારીને એક વાત કહે છે કે, તેને બિનસલામતીની ઉંડી લાગણી પરેશાન કર્યા કરે છે. તેને સતત ડર રહ્યા કરે છે કોઇ જોખમની સ્થિતિ ઉભી થાય નહિ. તે માટે મોટેભાગે તે એકાંત પસંદ કરે છે અને શક્ય હોય તેટ્લે અંશે પોતાના નાનકડા કમરામાંજ રહે છે. છ્તા બંધિયાર જગાનુ પણ એક જોખમ હોય છે. એટ્લે ગમે તે મોસમમા એ બારી ખુલ્લી રાખીને સુવે છે. ખાસ ઉંઘતા પણ નથી, કેમકે, ઉઘવુ એટ્લે અસહાય અને બિનસલામત બની જવુ! ઉંઘવું એટ્લે પોતાનુ માથુ અજાણ્યા ખોળામાં મુકી દેવુ.

માણસ ભર ઉંઘ મા હોય ને કઇક આફત બહારથી કે અન્દરથી ઉતરી પડે તો? તમે ઉંઘતા હો અને કોઇ તમારી ઉપર હુમલો કરી શકે. તમે ઉંઘમા ભાન વિનાના હો અને કોઇ ઝેરી જીવજતુ કરડી શકે! બહારની જોખમ ની વાત તો ઠીક છે, માણસના શરીરની અન્દ્ર ક્યા ઓછા શત્રુ છુપાયા છે! ખુબ લાડ લડાવેલા આ હ્ર્દયનો પણ શો ભરોસો. એ પણ ક્યારેક પાંસરીની પાછળ કઇક શ્વાસની ગડબડ ઉભી કરી ના શકે? ઉઘની અવસ્થામા પણ અન્દરના કોઇ કોઇ જોખમોનો ડર હોઇ શકે છે. ફ્રાંસ કાફ્ડા તો મહાન સર્જક હતો. એટલે તેની સાચીકે માની લીધેલી શારીરિક-માનસિક પીડા, તેની મુઝવણો, તેની ચિંતાઓને તેના જાતજાતના ડરની લાગણીઓમાથી વાર્તાઓ વણાય છે. અને આ બધી બળતરામાથી સરજનનો એક વિચિત્ર સંતોશ જન્મે છે. કોઇક સરસ વાર્તા લખ્યા પછી તે થાકેલી સ્થિતિમા પણ અસાધારણ ખુશાલીની લાગણી અનુભવે છે. પણ પેલી બિનસલામતીની લાગણીનો સમગ્ર રીતે વિચાર કરીયે ત્યારે આપણા આશ્ચર્ય વચ્ચે આપણને ખબર પડે છે કે, કેટલા બધા ચેહરાની પાછર ડરની આ લાગણી સંતાઇને બેઠી હોય છે. પોતાને બિનસલામતીની લાગણી સતાવ્યા કરે છે તે કબુલ કરવાની હિમત પણ ચાલતી નથી. કોઇ પોતની બિનસલામાતીની લાગણીના ઇલાજ તરીકે એકાંત શોધે છે. તો કોઇ વળી ભીડ્મા ભય ઓછા ગણીને ગાઢ સોબતમા સંતાય છે. કદાચ ભીડ અને ભાષામા ભળી જવાનુ ઘણા બધા માણસોને ગમે છે અને તેનુ એક કારણ આ પણ હોઇ શકે છે.

બિનસલામતીની લાગણીનો વિચાર એક અગર બીજા માણસને સતાવતો રહે છે. કોઇને વળી આથિક બિનસલામાતીની લાગણી પીડા આપે છે. નોકરી પુરી થશે અને નિવ્રુત થવુ પડશે, પછી હુ શુ કરીશ? આજનુ આ જીવણધોરણ કઇ રીતે જાળવી રાખીશ? કોઇને નિવ્રુતિ દુર હોય છે તો બઢતીની ચિંતા થાય છે. આ પણ આથિર્ક બિનસલામતીની લાગણી છે. કોઇને ધન્ધો ભાંગી પડવાની, ધંધો બંધ થઇ જવાની, ખોટ જવાની ચિંતા રહ્યા કરે છે. કોઇને રોકાણ કરવાની પોતાની અશક્તિ સતાવે છે. આમા પણ આર્થિક બિંનસલામાતીની લાગણી બોલે છે. અમેરિકાના એક મહામાલદાર ઉધ્યોગપતિ રોક્ફોલરે કબુલ કરેલુ છે કે , નવા નવા ધન્ધાનુ વિસ્તરણ કરવાની તેની સાહસિકતાનુ મુળ આર્થિક બિનસલમતી ની લાગણીમા પડેલુ હતુ. ન કરે નારાયણને ચાલુ ધંધો ભાંગી પડે તો? ગાય દુધ આપે છે પણ કાલે વસુકી નહી જાય તેની શી ખાતરી? ચાલો એક નવી ગાય પણ વસાવી લઇએ. ધીકતા ધંધામાં હોવા છતા નવા ધંધાનો જન્મ થાય છે.

આર્થિક બિનસલામાતીની લાગણી જેવીજ સામાજીક બિનસલામાતીની લાગણી કેટ્લાકને પીડે છે. આબરુ જશે તો? પ્રતીત નહી સચવાય તો? કૈક બદનામી કે ફજેતી આવી પડશે તો? આવી લાગણીથી પીડાતા ગ્રુહસ્થો સતત સંતાનો પર ચાંપતી નજર રાખે છે. ક્યાંક દીકરી પ્રેમ લગ્નની ફજેતી કરીને આબરુ ઢોળી નાખે. ક્યાંક દીકરો પરનાતમા કોઇ ઉતરતી ન્યાતિકે કોમની કન્યાના ગળામા પુષ્પમાળા આરોપીને પ્રતિત્ત્ને ધુરધાણી કરી નાખે!

કેટલાક વળી લાગણી વિષયક બિનસલામાતી સતાવે છે. પોતાની પત્ની કે પોતાનો પતિ પોતાને ચાહવાનુ બંધ કરી દેશે તો? મિત્રોમા ફેરવી લેશો તો? સંબંધીની ઇર્ષયા કઇક કારસ્તાન ઉભુ કરશો તો? માણસને સતત સ્નેહ્ની ભુખ છે, તે ઇચ્છે છે કે થોડીક નિકટની વ્યક્તિઓના ભાવમા કઇ ફરક ના પડે. તેને પોતાની હદયની ચાહવાની શક્તિમા શંકા છે. એટલે બિજાઓના હદયની આવી શક્તિમા પણ શંકા પડે છે. આ બધાની શંકાથી તેઓ પ્રેમ અને વફાદારીના પોતાના દાવા બુલન્દ રીતે રજુ કરવાની સાથે ચોપાસ શંકાભરી નજરે જાંચ તપાસ ચલાવે છે. કોઇ વળી પોતાની તબિયતની બાબતમા બિનસલામાતીની લાગની પિડ્યા કરે છે. કેંનસરની વાત વાંચે ત્યારે તેના લક્ષણોની ખાનગી તપાસ પોતાના શરીરમા કરે છે. હદયરોગની જાણકારી મેળવે ત્યાં પોતાના હૈયાની કોઇક દગાખોરીની તપાસ આદરે છે. તબિયત પરના જાતજાતના આવા આવા જોખમોની એક અસ્પષટ ભયભીતતા તેમને સતાવે છે. આ બધાજ શંકાઓનુ ગ્રાંડ ટોટલ પોતના આયુષ્યની લામ્બી ટુકી રેખાની ચિંતારુપે હાજર થાય છે. શરીર અંગે કોઇ ખાસ ફરિયાદ ના હોય ત્યારે અકસ્માતનો ભય રહે છે. ટ્રેનોનો અકસમાત, વિમાન અકસમાત, જાહેર રસ્તા પરના અકસ્માત એક વ્યક્તિગત શક્યતા બનીને તેમની પોતાની યાત્રાનુ શંકાસ્પદ ભાથુ બની જાય છે. પોતાનો સામાનના દાગીના વારેવારે ગણ્યા કરે છે. પણ પેલો મુખ્ય દાગીનો તો શંકાના ભય્નો હોય છે.

પોતનુ મ્રુત્યુ કેવી રીતે, કયા અને કયા સંજોગોમા થશે તેની ચિંતા કેટ્લાક્ને બિનસલામાતીની લાગણી આપે છે. તો વરી આમાથી કેટ્લાકને પોતાના મ્રુત્યુ પછી પોતાની શી દશા થશે - માત્ર શરીરનીજ નહિ, પણ પોતાના આત્માની એની ચિંતા થાય છે. સમરસેટ મોમ કહે છે કે, માણસના ઘણા બધા ડર અને બિનસલામાતીની લાગણીઓની કલ્પના હુ કરી શકુ છુ, પણ મ્રુત્યુ પછીની ગતિની ચિંતા કરનારાઓના ડરની લાગણી હુ સમજી શકતો નથી. તમે જ્યારે નહિ હો ત્યારે કઇજ નહિ હોય. મ્રુત્યુ પછીની આવી ચિંતાને વર્તમાન ડરના રુપમા ચીતરવાનો શો અર્થ?

___________________________

ભુપતભાઇ વડોદરિયા આજે આ દુનિયામાં નથી અને આજે સવારે તેમણે હંમેશ માટે વિદાય લીધી છે. કાલે રાતના એવું લાગતુ હતુ કે તે હમણા ઉંઘમાંથી ઉઠીને બોલશે પણ તેમ મનને ના મનાવાય - ભગવાન તેમના આત્માને શાંતી આપે તેજ પ્રભુને પ્રાર્થના. તેમનું હાસ્ય અને પ્રેરણા સદા આપણી સાથે રહેશે અને તેમની યાદ દિલમાં સાથે રહેશે. ભાઇએ મને ગુજરાતી લખવા માટે પ્રોત્સાહન આપ્યું હતુ અને તેના લીધે આ બ્લોગ મેં શરૂ કર્યો હતો તે વાંચકો અને તેમના ચાહકો સુધી હું તેમનુ લખાણ પહોંચાડવાનો પ્રાયાસ સતત સમય મળે ત્યારે કરીશ. - So, stay tuned.
- ilaxi

Tuesday, September 20, 2011

‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ - ભુપતભાઇ વડોદરિયા

‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’
ભુપતભાઇ વડોદરિયા

જે ઈન ઓસ્ટીનની નવલકથા ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ ઇંગ્લેન્ડમાં પ્રથમ વાર પ્રગટ થઈ ત્યારે તરત જ તે લોકપ્રિય થઈ હતી. આજે પોણા બસો વર્ષ પછી તેને વાચકો મળ્યા જ કરે છે. આમ જુઓ તો એક પ્રેમપરિણયની કથા છે તેમાં ઈમીલી બ્રોન્ટેની ‘વુધરિંગ હાઈટ્સ’નું તોફાન નથી કે તેમાં શાર્લોટ બ્રોન્ટેની ‘જેઈન આયર’ની મસ્તી પણ નથી. છતાં આજે પણ આ નવલકથા હાથમાં લેનારા વાચકને તે વાંચવાની મજા પડે છે, ખળભળ વહેતાં ઝરણાંની જેમ કથા આગળ વધે છે. અહીં તહીં આંટીઘૂંટી, ગેરસમજ અને રહસ્યના નાના મોટા ખડક ગોઠવાયેલા છે. પણ એની કથાના પ્રવાહમાં ક્યાંય અંતરાય નડતો નથી. કશું જ અસામાન્ય નથી અને છતાં તેની સામાન્યતામાંથી સાર્વજનિકતાનું એક નક્કર તત્ત્વ ઊપસી આવે છે એટલે ઇંગ્લેન્ડની એક તદ્દન નાનકડી દુનિયાની વાત આખી દુનિયાને રસપ્રદ લાગે છે. સમરસેટ મોમે એવું કહ્યું છે કે આકૃતિનો એક મોટો ગુણ તેની સુવાચ્યતા ‘રિડેબિલિટી’ છે પણ નિઃશંક એ મોટો ગુણ હોવા છતાં આપણે વીસમી સદીના વાચકો જાણીએ છીએ કે આજકાલ તો જાહેર ખબરો પણ રસપ્રદ અને સુવાચ્ય હોય છે. માત્ર આ જ ગુણને કારણે જેઈન ઓસ્ટીનની નવલકથા આટલું લાંબંુ જીવી ના શકે! ઐતિહાસિક નવલકથાઓના વિશ્વપ્રસિદ્ધ અંગ્રેજી લેખક વોલ્ટર સ્કોટનો એ જમાનો હતો અને સ્કોટે પોતે કહ્યું છે કે, જેઈન ઓસ્ટીને એક વિરલ સિદ્ધિ હાંસલ કરી છે. હું તો અસામાન્ય પાત્રો અને અસામાન્ય નાટ્યાત્મક પરિસ્થિતિઓની વાર્તાઓ લખું છું અને વાચકોને તે મનોહર લાગે પણ જેઈન ઓસ્ટીન તો તદ્દન સામાન્ય પરિવારની સામાન્ય સંસારકથા લખે છે અને તે કેટલી બધી મનોહર બની રહે છે!

મારી દ્રષ્ટિએ ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ની નવલકથાના આટલા લાંબા આયુષ્યનું કારણ એ છે કે તેનું કથાબીજ યુવકયુવતીઓની પ્રણયઝંખના અને લગ્નેચ્છાના સનાતન વિષયનું છે. બીજું, લેખિકા કોઈ અસામાન્ય પ્રેમની વાત કહેતી નથી. એક સરેરાશ સામાન્ય યુવકયુવતીની વાત કહે છે. અસામાન્યતા તેમના પ્રેેમમાં નથી, અસામાન્યતા તેમના વ્યક્તિત્વની વિશેષતામાં છે. વ્યક્તિત્વની આ વિશેષતાને જીવંત રીતે ઉપસાવવાની કલા જેઈન ઓસ્ટીન પાસે છે. નવલકથાની નાયિકા એલિઝાબેથ બેનેટ આપણી નજર સામે આજે પોણા બે સૈકા પછી પણ ખડી કરીએ ત્યારે તે આજની કોઈ પણ ગરીબ કે સામાન્ય સ્થિતિની પણ સ્વમાની અને ચતુર કન્યાથી જુદી લાગતી નથી. ગરીબ મધ્યમ વર્ગની કે અમીર ઘરની કોઈ પણ યુવતીને એલિઝાબેથ થવું ગમેે એલિઝાબેથ જેવી અભિમાની છોકરી થવું ના ગમે તો એની મોટી બહેન જેઈન થવું ગમેે. કોઈ ને, લીડિયા થવું ગમે કે કોઈને મેરી કે કીટ્ટી થવું પણ ગમે.

ટૂંકમાં લેખિકાએ એક લગ્નોન્મુખ યુવતીની બરાબર નાડ પકડી છે. જેઈન ઓસ્ટીનને પોતાની જિંદગીમાં જે પ્રેમ ના મળ્યો, લગ્નનું જે સૌભાગ્ય ના મળ્યું તેની ખોટ પૂરવા જાણેે તેણે પોતાની મનોસૃષ્ટિમાં બે પુરુષ ઉત્પન્ન કર્યા! શ્રીમંત ગર્વિષ્ઠ જુવાન ડાર્સી અને બીંગલી. બીંગલી અને ડાર્સી બંને મિત્રો છે, પણ બંનેના સ્વભાવમાં દોન ધ્રૂવનું અંતર છે. બીંગલી શ્રીમંત પણ ભલો, નરમ અને સરળ છે જ્યારે ડાર્સી ગર્વિષ્ઠ, જટિલ, કઠોર પણ અંદરથી પ્રેમભૂખ્યો અને ઉમરાવ દિલનો છે. જેઈન ઓસ્ટીનના મોટા ભાગનાં પાત્રો એકદમ પ્રતીતિકર અને ઓળખી શકાય તેવાં છે. પાંચ પુત્રીઓના પિતા શ્રીમાન બેનેટ અને માતા શ્રીમતી બેનેટને આજે પણ એક મધ્યમ વર્ગના પરિવારનાં પ્રૌઢ દંપતી તરીકે ઓળખી શકાય છે. પાંચ દીકરીઓ છે. દીકરો નથી, દીકરો ના હોવાથી મકાનની મિલકત ભત્રીજા શ્રી કોલીન્સને જ જાય તેમ છે. આવાં માબાપે આજે પણ લાયકપૈસે ટકે સુખી યુવકોની નિરંતર શોધ કર્યા જ નથી કરતા? આપણે જાણીએ છીએ કે પ્રેમના આકર્ષણનું પ્રથમ રૂપ ઘણી વાર એકબીજા પ્રત્યેના અણગમાના મુખભાવમાં પ્રગટ થાય છે. ડાર્સી અને એલિઝાબેથ વચ્ચે તણખા ઝરે છે. ડાર્સી નૃત્યના સાથીદાર તરીકે એ એલિઝાબેથને પોતાને યોગ્ય ગણતો નથી. એની ટીકા એલિઝાબેથના કાને પડે છે અને બંને વચ્ચે એક ઠંડું યુદ્ધ શરૂ થાય છે. જે છેવટે પ્રેમના એકરારમાં પરિણમે છે. એલિઝાબેથની મોટી બહેન જેઈન અને બીંગલેની જોડી રચાઈ રહી છે. તેની પાર્શ્ચભૂમિકામાં આ બીજી રોમાંચક જોડી રચાય છે. એ જ કથાનાં નાયકનાયિકા બને છે પણ સ્વાભાવિક રીતે જ પહેલો સંબંધ મોટી બહેનનો જ ગોઠવાય એટલે એમાં માબાપે ‘ગોઠવેલા’ સંબંધનું તત્ત્વપ્રધાન લાગે. એની પડખે આ પ્રથમ તિરસ્કાર અને પછી ઉત્કટ આકર્ષણની કથા વધુ સહજ અને સુંદર લાગે છે અને મુખ્ય કથા તરીકે ઊપસી આવે છે. જેઈન ઓસ્ટીન પાત્રોના માનસિક પૃથ્થકરણમાં જતી નથી. રોજિંદા જીવનના તરંગોની સંજ્ઞા દ્વારા એ પાત્રોને ખડાં કરે છે. ક્યાંય મહોરા કે કઠપૂતળી જેવાં એ લાગતાં નથી. જેઈન ઓસ્ટીનની સૃષ્ટિ સપાટી ઉપરની છે. તેમાં દરિયાઈ પેટાળની રમ્યતારુદ્રતા નથી, પણ છતાં તે છીછરાપણામાંથી બચી જાય છે, કેમ કે સપાટી સાચી અને જિંદગીના નક્કર દેહ સાથે ચામડીની જેમ મઢાયેલી છે.

__________________

ભાઇનો આ ખુબ જુનો લેખ છે.

તેમનો અંગ્રેજી સાહિત્યા પ્રત્યેનો પ્રેમ આજે પણ એક પ્રેરણા છે. તેમના રૂમમાં મુકેલા કબાટમાં એક સાહિત્યનો ખજાનો છે અને મને યાદ છે કે હજુ મારે તેનુ લિસ્ટ બનાવવાનું છે! ભાઇ આ પુસ્તકો ને ખુબ પ્રેમથી વાંચતા અને આ અનુભવો લખતા. ઓફીસમાં તેમને મળવા નુ મન થાય ત્યારે અચુક ભાઇ અંગ્રેજી સાહિત્યની વાત કર્તા. તેમનો શોખ માત્ર અંગ્રેજી નહિ પણ ગુજરતી સાહિત્યા નો ખુબ રહેતો અને તેમની વાતોમાં એક ગજબ ઉત્સાહ હોતો અને આંખમા ચમક. આજે ભાઇ ની તબિયત સારી નથી અને મારી હિંમત નથી કે હું તેમને જોઇ શકું - એક ડર છે એક સ્વજન ખોવનો - ભગવાન તેમને ખુબજ સરસ સ્વર્ગ બતાવે અને ભાનુબેન્ નો સાથ આપે - ગોડ બ્લેસ હીમ અને આવુજ તેમનુ નિર્દોષ સ્મિત સદા આપણા દિલમા રહે..

Friday, April 15, 2011

મારી પત્નિ મારા માટે ભગ્યની દેવી બની

મારી પત્નિ મારા માટે ભગ્યની દેવી બની
ભુપતભાઇ વડોદરિયા


આપણી સંસ્ક્રૂતિમાં આદર્શ પત્નિ ના જે ગુણો દર્શાવામાં આવ્યા છે તેમાં 'ભોજનેષુ માતા' અને 'કાર્યેષુ મંત્રી' એવા ગુણોનો સમાવેશ થાય છે. જે પત્નિ પતિને માતાની જેમ સ્નેહ પુર્વક ભોજન કરાવે છે અને જે પત્નિ પતિના કાર્ય માં મંત્રી જેવુ કામ કરે. રશિઆના મહાન નવલકથાકર ફાઇડોર દોસ્તોવશ્કિને મોટી ઉંમરે જે પત્નિ મળી - ઉંમરમાં નાની પ્ણ ગુણોમાં ઘણી મોટી. ક્રાઇમ એન્ડ પનિષમેન્ટ અને બ્રધર્સ કેરેમેસિવ જેવી મહાન નવલકથાઓ લખનારા આ રશિયન લેખક ના સેક્રેટરી તરિકે - સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવનાર આ યુવતિ ના પ્રેમ માં પડી પછી લગ્ન કર્યા. દોસ્તોવસ્કી દેવાના ડુંગર નીચે દટાઇ ગયા હતા. નાણા ભીડમાં રહેતા આ મહાન સર્જકનું શોષણ કરવામાં પ્રકાશકોએ કશુ બાકી રાખ્યુ ન હતુ. આર્થિક ભીડમાથી અન્નાએ તેના પતિને મુક્ત કર્યા.


દોસ્તોવસ્કીએ જાતે કહ્યું છે કે 'મારી પત્નિ મારી આર્થિક તંગીમાં થી ઉગારીને જાતેજ મારી નવલકાથાઓને છપાવીને પુસ્તકવિક્રેતાઓ દ્વારા પ્રસ્તુત કર્યા. મોડી રાત સુધી લેખકની પ્રવ્રુતિમાં રહીને સવારે હું મોડો ઉઠતો ત્યારે મારી પત્નિ પુસ્તક વિક્રેતા સાથે લાભકારક સોદો કરવાની કડકુટ દેવી બની. મારી આંખમા આંસુ આવી જતા. ખરેખર તે મારા માટે મારી ભાગ્યની દેવી બની. દોસ્તોવસ્કીનું શોષણ માત્ર પ્રકાશકોજ કરતા નહતા. તેના ઉદાર સ્વભાવનો લાભ લઇને સગાં સંબંધી પણ તેને પરેશાન કરતા. આ બધાજ બંધનોમાં થી તેમની પત્નિએ તેમને મુક્ત કરાવ્યા. મોટી ઉંમર હોવા છતા એક થી વધુ અર્થમાં તે એક આદર્શ પત્નિ બની. આ રશિયન સમાજની વાત છે.


આપણે ભારતીય સમાજની આજની સ્થિતિનો વિચાર કરીએ તો આપણે જોઇએ છે કે આજે પત્નિ 'કાર્યેષુ મંત્રી' બની રહેવાને બદલે એથી વધુ નાણાં કમાવવાની ફરજ પાડનારી એક વ્યક્તિ બની ગઇ છે. પુરતી કમાણિ ના હોય તો કેટલાક કિસ્સામાં તે સીધી કે આડકતરી એવી સુચના આપે છે કે 'કોઇપણ રીતે નાણા લાવો' લાંચરૂશવત લઇને પણ પૈસા મેળવો. બે નોકરી કરીને પણ નાણા લાવો. પત્નિના મનમાં બીજાઓની દેખાદેખી બહુ છે. તે અમુક સ્તરનું ઉંચા મધ્યમ વર્ગનુ ધોરણ પ્રાપ્ત કરવામાં ઉત્સુક છે. આ ઊંચા ધોરણમા જોઇ શકાય છે કે તેને રસોઇ કરવામાં ખાસ રસ નથી. તેને પતિના કાર્યમાં કોઇ દિલ્ચસ્પી હોતી નથી. આપણી જુની કહેવત છે કે 'માતા પુર્ત્રને આવતો જોઇને સંતોષ માને છે અને પત્નિ તો પતિ કાંઇ લઇને આવે તેની અપેક્ષા રાખે છે બીજી બાજુ, આજે અનેક પરિવારમાં પતિની કમાણી અપૂરતી હોય તો પુરક કમાણી માટે પત્નિ બહાર નોકરી કરી કે કોઇ પણ રીતે કમાવવાની કોશીશ કરે છી. આમાં કશુ ખોટું નથી. આમાં સ્ત્રી પોતાની કાર્યશક્તિ બતાવે છે અને આર્થિક સ્વતંત્રતા નો થોડો અનુભવ પણ કરી શકે છે. છતાં આમ એક પરિણામ એક એવું આવે છે કે સ્ત્રી બરાબર ઘર નથી સંભાળી શક્તી કે નથી પોતાના બાળકોનુ શોષણ-શિક્ષણ પર પુરુ ધ્યાન આપી શક્તી. ઘણા બધા કિસ્સામાં સ્ત્રીઓની નાજુક પ્રક્રુતિને કારણે તે તબિયત અને અન્ય રીતે વધુ સહન કરવુ પડે તેવુ દેખાય છે.

ઊંચા જીવનનો 'મોહ' આટલો બધો વધી ગયો છે કે 'સંતોષ' એજ સાચ સુખ તેવી વાતો જુની લાગે છે અને 'અસંતોષ' આગળને આગળ જવાનો અજંપો આપણને પ્રગતિનું એક લક્ષણ લાગે છે. આમાં કામાણી વધે છે. જીવનધોરણ બેશક ઉંચું આવ્યાનો અહેસાસ થાય છે પણ ઘરની સુખશાંતિનું શુ? કેટલાય એવા ઘર છે કે બાળકોની આંખ સામે માતા પિતા હાજર હોય એવું ઓછુ બને છે. કેટલાક કિસ્સામાં બાળકો નોકરના પનારે પડ્યા હોય છે અને ઘણાં બધા કિસ્સામાં માતા પિતાની હાજરી સ્થૂર હાજરીજ બાળકોને જોવા મળે છે. બાળક તોફાન કરે કે કોઇ ફરિયાદ લઇને આવે ત્યારે મા બાપનું ધ્યાન જાય છે. બકી બધુ રામ ભરોસે ચાલતુ હોય તેવુ લાગે છે.

ક્યાંક પત્નિ વગર પગારનો ઢસરડો કરતી કામવારી જેવા વેષમા દેખાય છે તો ક્યાંક માત્ર 'બોસ' સાહેબ ના રૂપ માં દેખાય છે. જીવનધોરણ ઉંચું થતું દેખાય છે અને ઘર ભાંગી પડેલુ દેખાય છે. 'પ્રૂથ્વિ નો છેડો ઘર' એ વાત જાણે કે ખોટી પડતી લાગે છે. તો કેટલીવાર નિત્ય પ્રવાસી ના રાતવાસી જેવુ બની જાય છે. અન્ન ગિરોરોવીસ દોસ્તોવસ્કિએ પતિ ના ઘર ને તથા તેની બહારની દુનિયાના બંને મોરચા સંભાળ્યા - એટલુજ નહીએ પણ પોતાના જીવનને એક પ્રેમ -રોમાંચક કથા બનાવવાની ધુનમાં જે કોઇ સંબંધો યુવતિઓ સાથે બાંધ્યા તે બધા સંબંધો અન્નાએ પતિને છોડાવ્યા. તે બધી સ્ત્રીઓ સાથે ખરેખર શી સગાઇ છે તેનુ ભાન તેમને કરાવ્યું . પુરી સહનશીલતાથી, પુરા ધૈર્યથી, પતિને ઠપકો ના આપ્યો - તેને કદી તરછોડ્યો નહી બધા તબક્કા વચ્ચે ભીંસાતા બિમાર પતિને ટેકો આપ્યો - એક આધાર આપ્યો. મોટા ટોણા માર્યા વગર પતિને ભાન કરાવ્યુ કે આ સંબંધોમાં સ્વાર્થ સીવાય કશું નથી. એ સંબંધો છીછરા અને કામચલાઉ છે.બધી વ્યક્તિઓ કોઇ આધાર શોધી રહી છે. એ બદલામાં કશું આપી શક્તી નથી અને આપી શકે તેમજ નથી.

દોસ્તોવસ્કિને વાઇ ની બિમારી હતી. એ રોગ 'એપોલેપ્સીમા' તમ્મર આવતા. મોમાં થી ફીણ નિકળે અને શમી જાય પછી નિર્બળ બની પથારીવશ રહેતા. અન્ના ના સ્નેહ અને સમર્પણથી દોસ્તોવ્સ્કિની તબિયાત પ્રમાણમાં સારી બની અને આ લાગણીપ્રધાન લેખક પર બહારથી આવેલા હુમલાઓની સામે તે રક્ષા કવચ બની હી.

એવોજ એક કિસ્સો એલિઝાબેથ બ્રાઉનીંગનો છે.એલિઝાબેથ પતિ કરતા એક વધુ શક્તિશાળી કવિ હતા. તેની કવિતાની તુલનામાં રોબર્ટ બ્રાઉનીંગ ની કવિતા થોડા ઉતરતા સ્તરની લાગે પણ એલિઝાબેથ અપંગ - બંને પગ જાણે ખોટા પડી ગયા હતા. પથારીમાં પડી રહેતી અને ઉઠવાની શક્તિ નહતી અને ઉભા થવાનુ મન થતુ નહી.રોબર્ટ બ્રાઉનીંગ તેની જિંદગીમાં આવ્યો અને પોતાન પ્રેમ અને વફાદારી વડે તેને ઉભી કરી. વિમ્પોલસ્ટ્રીટમાં તેનુ નિવાસસ્થાન હતુ અને તેના પિતા ખુબજ શક્તિશાળી અને કડક હતા. પુત્રી પર ખુબજ અંકુશ. ચાલી નહી શક્તી પ્રેયસીને પથારીમાંથી બેઠી કરી રોબર્ટ બ્રાઉનીંગ અને એલિઝાબેથ નાસી ગયા. પ્રેમ પંખીડા ઉડી ગયા અને લગ્ન કરી સુખી બન્યા.

આપણે ત્યાં આ પ્રકારના કિસ્સા ઓછા નથી. ભલે સ્ત્રી પુરુષ ના નામો જાણીતા ના હોય પણ ક્યાંક પતિએ તો ક્યાઅ પત્નીએ જીવનસાથીના જીવનમાં રસરંગ અને પ્રાણ પુર્યા હોય. હીંદીના મહાન લેખક પ્રેમચંદજી દેવાદાર અને શરાબી. તેમની પત્ની શીવરાનીદેવીએ ક્યારેક માતાની કઠોરતાથ તો ક્યારેક પ્રયસીના ધૈર્ય થી અને ક્યારેક પત્નિ ના વ્યહ્વારૂ બુદ્ધી થી તેમનુ જીવન બદલી નાંખ્યુ. જાણીતા શાયર મિર્ઝા ગાલીબની પત્નિનો સાથ અને સહારો કેટલો બધો હતો? ગાલીબે અનેક દિલ્ચસ્પ ગઝલો લખી છે - તેમની પ્રેમાળ - સહનશીલ પત્ની એક ખુદ તેમના માટે ગઝલ હતી. તેના સાથ વગર ગાલીબની ગઝલો મુરઝાઇ જાત - ગાલીબની પ્રતિભાને ઓછી આંકવાની વાત નથી - પ્રતિભા પણ કોઇ જીવનદાયક તુલસીક્યારામાં જ પુર્ણ કળાએ ખીલે છે તે હકિકત છે અને અહી સ્વિકાર કરવામાં આવે છી.

___________________

ભાઇનો આ ખુબ જુનો લેખ છે જે આજે પણ હકિકતને દર્શાવ છે. કહે છે 'અનુભવી આંખ'- ભાઇ પણ ભાનુબેન ના સાથ અને સહકારથી, તેમના ઘણા ધૈર્ય અને યોગદાન,ત્યાગથી જીવન તરી ગય.....


ખરેખર. માતા પિતા સંસારને સુંદર બનવવા આગળ વધી રહ્યા છે. ઘણી વખત દોડાદોડીમાં અને કમાવવાની ઉત્સુકતા અને મોંઘવારીમા પુરુ પાડવામા, સારુ ખાવાનુ, પહેરવાનુ, હરવા ફરવાનું અને કમ્ફર્ટ મેળવવામાં ઘણું ગુમાવી પણ દેવાય છે. તમારા પ્રતિભાવ આવ્કાર્ય છે - કોમેન્ટ બોક્ષમાં જણાવો. ગુજરતી લખવામાં કોઇ ભુલ ચુક હોય તો માફ કરશો - ઉનિકોડમ આ લેખ ટાઇપ કર્યો છે જે ગુગલ બ્લોગર સર્વિસને આભારી છે.

Thursday, January 20, 2011

કાર્લ માર્ક્સ

કાર્લ માર્ક્સ
-ભુપતભાઇ વડોદરિયા

સામ્યવાદી ક્રાંતિની ગીતા કે બાઈબલ ગણાતા પુસ્તક ‘દાસ કેપિટલ’નો પ્રથમ ખંડ કાર્લ માર્ક્સે ઈ.સ. ૧૮૬૫ના ડિસેમ્બર માસની આખરમાં તૈયાર કર્યો હતો ત્યારે કાર્લ માર્ક્સની ઉંમર ૪૭ વર્ષની હતી. લંડનમાં બ્રિટિશ મ્યુઝિયમમાં ભાગ્યે જ કોઈ માણસે વાંચનઅધ્યયનમાં આટલી એકાગ્રતાથી તપ કર્યું હશે. કાર્લ માર્ક્સને દાળરોટીની ચિંતા, મકાનના ભાડાની ચિંતા અને છતાં તેનો નિશ્ચય અડગ. તેની આંખની પીડા, માથાનો દુખાવો, આખા શરીરે ફોલ્લા, પેટમાં દર્દ, ગળામાં દર્દતેની નાનીમોટી બીમારીઓની વિગતો વાંચીએ ત્યારે તાજુબી થાય કે આટઆટલી પીડા વચ્ચે આ માણસ જીવ્યો તે તો સમજ્યા, પણ એ આટલું કામ કઈ રીતે કરી શક્યો તે સમજવું મુશ્કેલ પડે તેવું છે. કાર્લ માર્ક્સ એના વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓ પર તૂટી પડતો પણ પતિ તરીકે અને ત્રણ પુત્રીઓના પિતા તરીકે તે અત્યંત પ્રેમાળ હતો. તેણે હિંસક ક્રાંતિની હિમાયત કરી પણ એનું પોતાનું જીવન નિરુપદ્રવી ભદ્રસમાજની કોઈ પણ વ્યક્તિના જીવન જેવું જ હતું. તેનાં કોઈ સ્વપ્નો સિદ્ધ થતાં તેણે તેની સગી આંખે જોયાં નહીં પણ તેના મૃત્યુ પછી પાંત્રીસ વર્ષમાં જ રશિયામાં ૧૯૧૭માં ક્રાંતિ થઈ અને એક્સો વર્ષમાં તો તેના નામે દુનિયાના ઘણા બધા મુલકોમાં રાજપલટા થયા.

સંસારમાં બહુ થોડા પુરુષોને માર્ક્સની પત્ની જેની જેવી પત્ની મળી હશે. બહુ થોડા પુરુષોને ફ્રેડરિક એંજલ્સ જેવો મિત્ર મળ્યો હશે. બહુ થોડા માણસોને માર્ક્સ જેવાં બુદ્ધિતેજ અને વેધક દ્રષ્ટિ પ્રાપ્ત થયાં હશે. બીજી બાજુ ગરીબી, માંદગી અને તરેહતરેહની કમનસીબીઓ તેના પલ્લે પડી હતી. આપણા જવાહરલાલ નહેરુની જેમ કાર્લ માર્ક્સને પ્લુરસીના રોગે ખૂબ તંગ કર્યા હતા. માર્ક્સનાં ફેફસાંમાં ગાંઠ જામી ગઈ હતી અને તેમાંથી લોહી પડવા માંડ્યું હતું. મૃત્યુનું તાત્કાલિક કારણ કદાચ એ હતું કે બે જ મહિના પહેલાં માર્ક્સની પ્યારી પુત્રી કેન્સરથી મૃત્યુ પામી હતી અને તેનો જબરો આઘાત તેને લાગ્યો હતો. સવા વર્ષ પહેલાં માર્ક્સની પત્ની ખૂબસૂરત જેની પણ કેન્સરથી મૃત્યુ પામી હતી ત્યારે કાર્લ માર્ક્સ એટલો બધો માંદો પડી ગયો હતો કે જેનીની સ્મશાનયાત્રામાં સામેલ થઈ શક્યો નહોતો. જેની અને કાર્લ માર્ક્સે પ્રેમલગ્ન કર્યાં હતાં. જેની કાર્લ માર્ક્સથી ચાર વર્ષ મોટી હતી. કાર્લ માર્ક્સ એમનાં માતાપિતાનાં આઠ સંતાનોમાં એક હતા. તેમના પિતા માનતા કે કાર્લમાં કોઈક ‘દાનવ’ વસે છે અને પુત્રના ભવિષ્યની ચિંતા તેમનું કાળજું કોરતી હતી. પિતાનો અંદાજ સાચો હતો. કાર્લ માર્ક્સમાં કોઈ રુદ્રશક્તિ વિરાજતી હતી. કાર્લ માર્ક્સ જ્યાં જાય ત્યાં કંઈ ને કંઈ હલચલ ઊભી કરે એટલે પછી તેની હકાલપટ્ટી થાય એટલે તે કોઈ બીજા શહેરમાં જઈ વસે. કાર્લ માર્ક્સે દૈનિક અખબાર પણ કાઢ્યું હતુંએક વર્ષ ચલાવી શકાયું.એંજલ્સ પોતાના મિત્ર કાર્લ માર્ક્સની શક્તિ અને સ્થિતિ પિછાની ગયો હતો એટલે ઈ.સ. ૧૮૫૦માં એંજલ્સ માન્ચેસ્ટર રહેવા ગયો. પિતાના ધંધામાં પડ્યો. એ નાણાં કમાવા માગતો હતો, કારણ કે તે કાર્લ માર્ક્સને નાણાકીય મદદ કરવા માગતો હતો. અંત સુધી એંજલ્સે માર્ક્સને ટકાવી રાખ્યો અને માર્ક્સના મૃત્યુ પછી એંજલ્સે માર્ક્સની પુત્રીઓને પોતાની મિલકતમાંથી ભાગ આપ્યો. કાર્લ માર્ક્સ વિદ્યાર્થી કાળથી ધૂમ્રપાન કરતા હતા. આખી રાત જાગીને વાંચનલેખન કરે અને એમાં સિગારેટનો સહારો લે. પાછળનાં વર્ષોમાં કાર્લ માર્ક્સ કહેતા કે ‘દાસ કેપિટલ’ ગ્રંથમાંથી એટલી કમાણી પણ થઈ નથી કે એ લખવા માટે પીધેલી સિગારેટનો ખર્ચ પણ નીકળે! લંડનમાં બે ઓરડીનું નાનકડું ઘર (ભાડાનું), ફર્નિચરમાં ખાસ કશું નહીં. એક પણ ખુરશી કે ટેબલ સાજું નહીંબધું જ ભાંગેલું, તૂટેલું અને ભંગાર. કોલસાનો ધુમાડો અને સિગારેટનો ધુમાડો!

દરિદ્રતાનો આ દરબાર! પણ અહીં જ માર્ક્સના હાસ્યના અને કટાક્ષના પડઘા ઊઠતા અને અહીં જ ક્રાંતિકારી પરિવર્તનના ખ્યાલોના પડછંદા ગાજી ઊઠતા! કાર્લ માર્ક્સની છાતી ઉપર જિંદગી જાણે ચઢી બેઠી હતી! પણ જલદી હાર કબૂલે એવો આ માણસ નહોતો. એનો દમ ઘૂંટતી જિંદગી એની છાતી ઉપરથી ઊતરી ત્યારે જાતે જ શરમાઈને જાણે બદલાઈ ગઈ હતી - માર્ક્સ માટે નહીં પણ દુનિયાના લાખો લોકો માટે!