પુરુષાર્થ જ છેવટે તમને નવી ઊંચાઈઓ તરફ લઈ જશે
- ભુપતભાઇ વડોદરિયા
આપણે મોટાભાગે પરીક્ષામાં પાસ-નાપાસના આધારે વિદ્યાનું મૂલ્યાંકન કરીએ છીએ. આપણે જોવું છે કે માણસ માત્ર મેટ્રીક પાસ હોય પણ એણે ગ્રેજ્યુએટ પણ બાજુએ રહી જાય એવી વિદ્યા સંપન્ન કરી હોય. દેશના નેતાઓ પર નજર કરીએ તો એ લોકોએ ભણવામાં મોટી સિદ્ધિ મેળવી ન હતી. પણ જિંદગીની પરીક્ષામાં કોઈપણ ડિગ્રીને આંટી દે તેવી વિદ્યા હાંસલ કરી હતી.
મહત્ત્વ ડિગ્રીનું નથી પણ વિદ્યાને માટે તમે શું પ્રાપ્ત કર્યું તેનું છે. માણસ ખૂબ ઓછી ડિગ્રી ધરાવતો હોય પણ એનો પોતાનો જ્ઞાનનો કોશ બહુ વિશેષ હોય એમ બને છે. દુનિયાના મોટા માણસો માત્ર ડિગ્રીના આધારે નહીં પણ તેમણે જાતે જે વિદ્યા પ્રાપ્ત કરી તેના આધારે આગળ વધ્યા. મહાત્મા ગાંધી કોલેજની દૃષ્ટિએ બહુ બાહોશ વિદ્યાર્થી ન હતા. પણ એમણે જિંદગીની કિતાબમાંથી જે સંપન્ન કર્યું એ કોઈપણ ડિગ્રીને ટપી જાય એવું હતું.
આપણા દેશના મોટા નેતાઓએ જે કાંઈ હાંસલ કર્યુ એ એમની પોતાની સંપત્તિ હતી, નહી કે કોઈ કોલેજ કે યુનિવર્સિટીની ડિગ્રીના આધારે હતી. એમણે ડિગ્રી માટે શું કર્યુ એ મહત્ત્વનું નથી. પણ તેમણે જીવનની ખુલ્લી કિતાબમાંથી કેટલું ગ્રહણ કર્યુ તે જ મહત્ત્વનું છે.
માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વના પણ મોટા માણસોની સિદ્ધિઓ ડિગ્રી આધારિત ન હતી, તેઓ સામાન્ય કક્ષાના વિદ્યાર્થી હતા. બ્રિટનના મહાન વડાપ્રધાન સ્વ. વિન્સ્ટન ચર્ચિલનો દાખલો આનું એક સારું ઉદાહરણ છે. તેઓ શાળા-કોલેજના અભ્યાસ દરમિયાન કંઈ બાહોશ વિદ્યાર્થી હોય તેમ બહાર આવ્યું ન હતું. હકિકતે તેઓએ પોતે કબૂલ્યું છે કે તેઓ છેલ્લી પાટલી પર બેસનારા વિદ્યાર્થી હતા અને તેથી જ તેઓ વડાપ્રધાન બન્યા પછી જ્યારે એક શાળાની મુલાકાતે ગયા ત્યારે તેમણે વર્ગની મુલાકાત લીધી. તેમણે પ્રથમ પાટલી પર બેઠેલાને બદલે છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને ઊભો કરીને કહ્યું ઃ હું પણ તારી જેમ છેલ્લી પાટલી પર જ બેસતો હતો.
જિંદગીની કિતાબમાં કોઈ મહત્ત્વની ડિગ્રીઓ ન હોવા છતાં સિદ્ધિના સોપાનો સર કરનારા આપણા દેશમાં પણ અનેક પડેલ છે. સ્વ. નાનજી કાળીદાસ અને સ્વ.ધીરુભાઈ અંબાણી આના ઉત્તમ ઉદાહરણો છે. નાનજીભાઈ પાસે કોઈ મહત્ત્વની ડિગ્રી ન હતી. વળી તેઓ કોઈ મોટા શહેરમાં પણ ન હતા અને તેથી સવલતો પણ મેળવી શક્યા ન હતા. છતાં સ્વબળે આગળ વધ્યા, વિદેશ ગયા, સંપતિ અર્થ અને અનેકને પોતાના કાર્યમાં સામેલ કર્યા.
આ જ રીતે સ્વ. ધીરુભાઈ અંબાણી પણ એક સામાન્ય શિક્ષકના પુત્ર હતા. મેટ્રીકમાં નપાસ થયા હતા. શાળાના અભ્યાસમાં તેઓ ખાસ કંઈ બાહોશ ન હતા. તેઓનું ગણિત પણ કાચું હતું. છતાં કમાવા માટે વિદેશ ગયા અને પેટ્રોલપંપ પર નોકરી કરતાં કરતાં આગળ વધ્યા અને ભારતમાં આવી પોતાનો ઉદ્યોગ સ્થાપ્યો અને સ્વબળે અબજોપતિ બન્યા. તેઓએ પોતાને મળેલા ઓછા શિક્ષણને ક્યારેય દોષ ન દીધો પણ પોતાની કાબેલિયતથી આગળ વધ્યા.
જીવનમાં દરેકને માટે આ એક વાસ્તવિક્તા છે. પાંચે આંગળીઓ સરખી નથી. તે જ રીતે તમામ બાળકો કે કિશોરો ભણવામાં સરખાં પરિણામો હાંસલ કરી શકતાં નથી. કોઈ કોઈ પ્રથમ હરોળમાં સફળ બને છે તો કોઈ કોઈ નિષ્ફળ પણ રહે છે અને ડિગ્રી પણ મેળવી શક્તા નથી. પરંતુ તેથી જિંદગીના મેદાનમાં હતાશ થવાની જરૃર હોતી નથી. ભણતરમાં સફળ રહી ડિગ્રી માત્ર મેળવવાથી જ જિંદગીની કૂચ પૂર્ણ થતી નથી. તેથી ઊલટું શાળા કે કોલેજની પરીક્ષામાં નિષ્ફળ રહી, ડિગ્રી ન મેળવી શકવાથી કાંઈ જીવનની યાત્રા પૂર્ણ થઈ જતી નથી. પરીક્ષામાં પાસ કે નપાસ એ જીવનની સંઘર્ષયાત્રાનું પ્રથમ સોપાન છે અને તેથી જ બીજા સોપાનો સર કરવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ.વિશ્વના મહાન નેતાઓએ પોતાના જીવન દ્વારા એ હકિકત સાબિત કરી છે કે પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી, શિક્ષણ, ડિગ્રી હોય કે ન હોય પુરુષાર્થ જ છેવટે તમને નવી ઊંચાઈઓ તરફ લઈ જશે. ભાગ્યને સહારે બેસી ન રહેતાં કર્મનો જ આધાર જીવનમાં સફળતાની ચાવી બને છે.
No comments:
Post a Comment