Tuesday, June 26, 2007

જિંદગીની ઘડિયાળ વહેલી બંધ ન કરી દો

જિંદગીની ઘડિયાળ વહેલી બંધ ન કરી દો
- ભુપતભાઇ વડોદરિયા

મોટી ઉંમરે માણસને સૌથી નડતી સમસ્યા છે હવે કરવું શું? માંદા થઇને પથારીમાં પડી રહેવું કે નિરોગી જીવન જીવવું? માંદગી હોય તો પણ શું સક્રિય રહી જીવન સાર્થક ન કરી શકાય? હકીકત એ છે કે સામાન્ય રીતે માણસો ઉંમર વધવાની સાથે મોટાભાગે મનથી જ હારી જતાં હોય છે. એકવાર મનથી હારી જાય પછી ખરેખર જીત પણ પિછાની શકતો નથી.

મોટી ઉંમરે પણ માણસે સંતોષ થાય અને જીવન સાર્થક થાય તેવું કાર્યક્ષેત્ર શોધી કાઢવું જોઇએ. પછી એમાં ગૂંથાઇ જવું જોઇએ. મુખ્ય વાત પ્રવૃત્તિની છે. માત્ર રોજી-રોટીની જ પ્રવૃત્તિ રહેવી ન જોઇએ. જેમના જીવનમાં કાર્યપદ્ધતિનો ગુંજારવ ચાલુ રહે છે ત્યાં ક્યાંક ને ક્યાંક, ક્યારેક મધ નિપજ્યા વગર રહેતું નથી. જેઓ કાંઇ કરતાં નથી તેઓ વહેલા થાકીને બેસી જાય છે.

ઘણા બધા માણસો પોતાની નિષ્ક્રિયતા અગર અલ્પ પ્રવૃત્તિનો બચાવ કરતાં કહેશે કે, સાહેબ, આવડત તો એટલી બધી છે. કામ કરવું પણ એટલું બધું ગમે છે. પણ અત્યારે કાંઇ કરી શકતો નથી, કેમ કે પત્ની બીમાર છે. આવા માણસોને પૂછીએ કે ખરેખર પત્ની બીમાર છે તો તમે રસોઇ બનાવતાં શીખી ગયા? શું બધાંને રસોઇ કરી જમાડો છો? શું તમે ઘર સંભાળો છો? શું તમે પત્નીની ચાકરી કરો છો? આવા પ્રશ્નોનો જવાબ કાં તો ના કહેશે કે કાં હા- ના જેવો હશે.

વાસ્તવિકતા એ છે કે કેટલાક કિસ્સામાં આવાં કારણો સાચાં હશે, પણ મોટા ભાગના કિસ્સામાં સાચાં કારણો માણસે પોતાની નિષ્ક્રિયતા અને નિષ્ફળતાના ‘હેંગર’ તરીકે લટકાવવા રાખેલાં હોય છે. અરે, ઑફિસે મોડો પહોંચનાર પણ ઘેર માંદગીનું બહાનું આગળ કરે છે. મોટાભાગના માણસો આવાં નાનાં- મોટાં બહાનાંનો મોટો પડદો તૈયાર રાખે છે અને તેની પાછળ ઘણીબધી નિષ્ક્રિયતા અને આળસ ઢાંકે છે.

૫૫ થી ૬૦ વર્ષની ઉંમરના માણસોને તમે ‘પેંશનર્સ પેરેડાઇઝ’ના ઓટલે વાતોના ગપાટાં મારતાં જુઓ ત્યારે થાય કે આ બધાં કેમ આવી રીતે બેસી ગયા હશે? તેમનો દીકરો ડૉક્ટર કે એન્જિનિયર, સરકારી અમલદાર કે ખાનગી કંપનીમાં સીઇઓ હોય તે સારી વાત છે. પણ તેથી તેમણે બેસી જવાને બદલે પ્રવૃત્તિની નવી દિશા પકડવી જોઇએ. સામાજિક સેવાનું પારાવાર કામ પડયું છે. આવો એક માણસ મેં જોયો હતો બહુ ભણેલો ન હતો, પણ એણે એક કામ ઉપાડી લીધેલું જેમને ઘેર મરણ થયું હોય ત્યાં સ્મશાનઘાટ સુધી મદદરૂપ થવાનું. આમાં કોઇ કમાણી ન હતી, રડનારનાં આંસુ લૂછવાની વાત હતી. સમાજને ઉપયોગી થવાં આવા નાનાં- મોટાં લાખ કામ રાહ જોઇને પડયાં છે. માણસ ઇચ્છે તો તેને ઘડીકે નવરા થવું ના પડે એટલું કામ છે.

આવું મૂંગું કામ કરવાને બદલે માણસ અત્યારે મોટા પાટિયાં મારીને આળસને લાડ લડાવતી કલબ- પ્રવૃત્તિમાં ડૂબી જવાનું પસંદ કરે છે અને તેમ ન હોય તો પોતાની નિષ્ક્રિયતાને ધાર્મિકતાનો કેસરી સાફો બાંધી દે છે. સંસારમાં આટલા બધા માણસો નાની- મોટી વેદનામાં પીડાતા, પીસાતા હોય છે. કોઇની મદદથી હાથ લાંબો થતો જોવા ઇચ્છે છે. આવા વખતે ઈશ્વરના નામે નિવૃત્તિની પછેડી ઓઢી લેવાનું કેટલું શોભાસ્પદ બને?

તમારી ઉંમર ગમે તે હોય, તમારી તબિયત ગમે તેવી હોય, પરંતુ મનથી હારી ન જાવ અને જીવન ફરીથી જીવવાનું શરૂ કરો. મોડું થતું નથી હોતું. કોઇક મનપસંદ કામ કરીને તેનો યજ્ઞ આરંભી દો. મોતની કોઇને ખબર નથી. એ ક્યારે, કેવી રીતે આવશે તેની કોઇને ખબર નથી. જેના આવવાનો સમય નક્કી નથી તેની રાહ જોઇ સમય ન બગાડો, જિંદગીની ઘડિયાળ વહેલી બંધ ન કરી દો. જે તમારી નજર સમક્ષ છે તે જીવનને જીવવાનું શરૂ કરો, જેમ જિંદગીમાં નિર્ભેળ સુખ કે દુઃખ જેવું નથી. તેમ જીત કે હાર પણ સ્પષ્ટ નથી. મૃત્યુની રાહ ન જુઓ. નક્કી કરો કે એ આવશે ત્યારે હું સૂતો તો નહીં જ હોઉં!

( ભુપતભાઇના લેખ સમભાવ મેટ્રો, અભિયાન, જનસત્તા, સઁદેશ, દિવ્ય ભાસ્કર, વિગેરેમાઁ છ્પાય છે. )
************
એક જમાનામાઁ ભાઇના લેખ ગુજરાત સમાચારમાઁ આવતા. ત્યારે, હુઁ તેનો સઁગ્રહ એક લેખકની પ્રસઁશક તરીકે કરતી. તેઓ તેમાઁ લગ્ન મઁગળ લખતા. પછી સમય જતા, ભાઇના સઁબઁધી થવાનો અવસર પ્રાપ્ત થયો અને આજે ફરી એક પ્રસઁશક (ફેન) તરીકે નેટ પર મને ગમતા લેખોનો સઁગ્રહ કરુઁ છુ. ભાઇને જયારે આ વાત કરી કે મેઁ તમારો બ્લોગ બનાવ્યો છે તો તેમને ઘણી ખુશી થઇ અને કહે કે સરસ, જ્ઞાન સદા વહેઁચતા રહેવુ.

- ઇલાક્ષી પટેલ

No comments: