Wednesday, October 05, 2011

શબ્દોના સાધકની ચિરવિદાય

શબ્દોના સાધકની ચિરવિદાય
(in Unicode from Sambhaav)

ગુજરાતી પત્રકારત્વમાં હંમેશાં દીવાદાંડી બની રહેલા અને સમભાવ મીડિયાના ધરોહર સમા શ્રી ભૂપતભાઇ વડોદરિયાનો તા.૦૪/૧૦/૨૦૧૧ મંગળવારની રાત્રે ૯.૪૫ કલાકે ૮૨ વર્ષની વયે દેહાંત થયો છે. ગુજરાતી પત્રકારત્વમાં સૌથી નાની વયે ફુલછાબમાં તંત્રી બન્યાનું ગૌરવ હાંસલ કરનાર ભૂપતભાઇ પત્રકાર ઉપરાંત ઉચ્ચ કોટિના સાહિત્યકાર હતા. તેમની ‘પ્રેમ એક પૂજા’ નવલકથાને ૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું. સંસ્કાર એવોર્ડ સહિત અનેક પારિતોષિકથી ભૂપતભાઇની સાહિત્યિક સેવાઓની કદર થતી રહી હતી. તેમણે ગુજરાત રાજ્ય માહિતી નિયામકપદે પણ યશસ્વી કામગીરી કરી હતી. ‘પ્રભાત’, સંદેશ અને ગુજરાત સમાચારમાં પણ તેમણે પત્રકાર તરીકે કારકિર્દીનું ખેડાણ કર્યું હતું. સાહિત્ય ક્ષેત્રે તેમના પચાસથી વધુ પુસ્તકો પ્રસિદ્ધ થઇ ચૂક્યાં છે. તેઓ સમભાવમેટ્રો, જનસત્તા, લોકસત્તા અને સાપ્તાહિક અભિયાનના તંત્રી હતા. ભૂપતભાઇના ચાર સંતાનો રાજેનભાઇ, શૈલેષભાઇ, મનોજભાઇ, કિરણભાઇ સહિત સમભાવ મીડિયા પરિવાર સમસ્ત પત્રકારજગત અને સાહિત્યજગતને ભૂપતભાઇની ચિરવિદાયથી કદી ના પૂરી શકાય તેવી ખોટ હંમેશાં રહેશે.

પત્રકારત્વસાહિત્યજગતની તેજસ્વી કલમ પોઢી ગઈઃ નરેન્દ્ર મોદી

ગુજરાતી પત્રકારત્વની દીવાદાંડી અને ગુજરાતી સાહિત્યના ઉત્કૃષ્ઠ સાહિત્યકાર તથા સમભાવ મીડિયા હાઉસની ધરોહર સમાન સ્વર્ગસ્થ ભૂપતભાઇ વડોદરિયાના પાર્થિવદેહને આજે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પુષ્પાંજલિ અર્પિત કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે સ્વર્ગસ્થ ભૂપતભાઇ વડોદરિયાનાં પરિવારજનોને દુઃખની આ ઘડીમાં દિલસોજી અને સાંત્વના પાઠવી હતી. મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે નવ વાગ્યે સ્વર્ગસ્થ ભૂપતભાઇ વડોદરિયાના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા અને તેમના પાર્થિવદેહને પુષ્પાંજલિ અર્પણ કરીને સ્વર્ગસ્થની પત્રકારત્વની સેવાઓને બિરદાવીને કહ્યું હતું કે, ‘‘ગુજરાતના પત્રકારત્વ અને સાહિત્યજગતની દેદીપ્યમાન અને તેજસ્વી કલમ આજે પોઢી ગઇ છે. સ્વર્ગસ્થ ભૂપતભાઇ વડોદરિયાએ ખૂબ નાની વયે પત્રકારત્વ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું. વિશ્વ સાહિત્ય અને અખબારો અંગે તેમણે જવાબદારી સ્વીકારી હતી. ગુજરાતને તેમણે અખબારો પણ આપ્યાં, ખબર પણ આપી અને ખબર પણ લીધી છે. ચિંતન અને મનન દ્વારા આવનારી પેઢીને અનેક રત્નો આપ્યાં છે. સરસ્વતીના ઉપાસકને હું આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું.


No comments: