તકલીફનો ઉપચાર કરો - ચિંતા નહીં!........
ભૂપત વડોદરિયા
મશહૂર લેખક- ફિલસૂફ જયાૅં પોલ સાર્ત્રની જિંદગીનાં છેલ્લાં દસ વર્ષ તેની તબિયતની દૃષ્ટિએ ખૂબ જ ખરાબ હતા. એ પંચોતેર વર્ષ જીવ્યા પણ તેમાં ઘણાં વર્ષો તેમની તબિયત તેમને માટે તેમ જ તેમના કુટુંબીજનો માટે એક ઉપાધિ બની ગઇ હતી. તેમની જીવનભરની સ્ત્રી-મિત્ર સિમોની દ બુવાએ સાર્ત્રના મૃત્યુ પછી આપેલી સ્મરણાંજલિના પોતાના પુસ્તક ‘એડ્યુ’માં સિમોનીએ સાર્ત્રની તબિયત વિષે જે કંઇ લખ્યું હતંુ તેનાથી ઘણાબધા વાચકો ઉશ્કેરાઇ ગયા હતા - કેટલાકને તો આ લાંબી મૈત્રીને અંતે નારીસહજ - પ્રેમસહજ ઇર્ષાથી પ્રેરાઇને સિમોનીએ વેર વાળ્યું છે એવી પણ લાગણી થઇ. પણ સિમોનીએ બીજું જે કંઇ કર્યું હોય તે - એક બાબતમાં તેણે સાર્ત્રને પૂરો ન્યાય કર્યો છે. સાર્ત્ર જિંદગીભર જાતજાતની દવાઓ ખાતા રહેતા હતા - દાક્તરને પૂછયા વગર પણ દવાઓ લેતા હતા.ડાૅક્ટરનાં ગમે તેવાં ગંભીર નિદાન અને ચેતવણી પછી પણ તે કદી - હારી જતા નહોતા - ડાૅક્ટરો ચાલવાની ના પાડે પણ સાર્ત્રને બહાર જવું હોય - કામ હોય - તો એ ચાલીને પણ જાય! આટલી બધી ખરાબ તબિયત છતાં કોઇ માણસ આટલી બધી લાંબી મુસાફરીઓ દેશપરદેશની કરે તેનું આશ્ચર્ય પણ આપણને થાય અને સાર્ત્રના મનોબળ માટે માન પણ ઊપજે!
સિમોની દ બુવાએ એક મુદ્દો સરસ ઉપસાવ્યો છે અને તે એ કે સાર્ત્રમાં નબળું શરીર - ખરાબ તબિયત છતાં હિંમત હતી. તમે સાર્ત્રને કહો કે તમને અમુકતમુક ગંભીર રોગ છે, જીવલેણ રોગ છે તો સાર્ત્ર એકદમ ઢીલા પડી ના જાય! એ કહેશે કે એમ? અચ્છા, આ રોગની શું દવા છે? નામ લખી આપો! સાર્ત્ર પછી એ દવા કદાચ જરૂર કરતાં પણ વધારે ખાઇ જાય (આ રીતે પણ તેની તબિયતને નુકસાન સારી પેઠે થયેલું હતું) પણ તે રોજ પોતાની તબિયત વિષે ચિંતા ના કરે, તેના વિષે જ આખો દહાડો વિચાર કર્યા ના કરે અને પોતાના હાથ ઉપરના કામને જ એ સૌથી મહત્ત્વની બાબત ગણે! તબિયત વિષે રોજરોજ ફરિયાદ કર્યા કરવાની આદત નહીં. તબીબી અહેવાલો સાંભળીને ઢીલા થઇ ના જાય અને એકદમ ગાંજી પણ ના જાય કે બિછાનામાં છુપાઇ ના જાય! વધુ પડતાં મદિરાપાન અને વધુપડતી ઔષધિઓ લેવાને કારણે તેમની તબિયતને બેસુમાર નુકસાન થયું હતું એ હકીકત છે પણ તેમનું સૌથી મોટું જમાપાસું તબિયતના ગમે તેવા પડકાર સામે પણ નાહિંમત થયા વિના પોતાનું કામ કર્યે જવાની અને જિંદગી માણવાની તેમની તાલાવેલી ગણી શકાય.
આપણે જોઇએ છીએ કે ઘણાબધા લોકો તબિયતની બાબતમાં એકદમ ગાંજી જાય છે, ભયભીત થઇ જાય છે. શરીરમાં સહેજ ગરબડ થાય ત્યાં તો જાતજાતની શંકાઓમાં ઘેરાઇ જાય છે. શરીરનું કોઇ ને કોઇ અંગ પીડા કરવા માંડે, છાતી ભરાઇ ગયેલી લાગે કે માથું સીસા જેવું લાગે ત્યાં જ મનમાં ફફડાટ એકદમ વ્યાપી જાય - મરી ગયો,મરી ગયા જેવું થઇ જાય! નોર્મન કઝીન્સે નોંધ્યું છે કે, અમેરિકામાં હૃદયરોગના હુમલાથી જેટલા લોકો મૃત્યુ પામે છે તેમાં અડધોઅડધ માત્ર ફફડાટ - ભયને કારણે મૃત્યુ પામે છે! કોઇ કોઇવાર અખબારના પાનાં ઉપર એવો કિસ્સો વાંચવા મળે છે કે જેમાં બે વાહનોના અકસ્માતમાં ખરેખર અકસ્માતમાં સપડાયેલાને ઓછીવત્તી ઇજાઓ થઇ હોય, કોઇને ગંભીર ઇજા પણ થઇ હોય પણ એ બધા બચી ગયા હોય અને અકસ્માત થઇ રહેલો જોઇને જ તેમાંથી બચી જવા જે બહાર કૂદી પડ્યો હોય - આપત્તિમાંથી નાસી છૂટવા, બચી જવા જેણે ભયપ્રેરિત પ્રયત્ન કર્યો હોય તેને એટલી ઇજા થઇ હોય કે તેનું જ મૃત્યુ થાય!
માણસે પોતાની તબિયતની બાબતમાં આંધળી હિંમત રાખવી - સંપૂર્ણ બેફિકર જ રહેવું એવું કહેવાનો મુદ્દલ આશય નથી. જરૂર હોય ત્યાં અને ત્યારે દાક્તર, વૈદ્ય કે હકીમની મદદ લેવી જ જોઇએ. એવી જ રીતે શરીરની કે જિંદગીની સલામતી સામેનો પડકાર આવી પડે ત્યાં પણ માણસે પૂરતા સજાગ રહેવું જોઇએ અને આંધળુંકિયા વૃત્તિ દાખવવી નહીં જોઇએ. પણ આપણે સ્વીકારવું જ રહ્યું કે ઉપચાર કે બચાવની બાબતમાં છેવટે અમુક જ પરિણામ આવે એવું છાતી ઠોકીને કોઇ કહી શકે નહીં. કેમ કે આવા દરેક કિસ્સામાં એકથી વધુ પરિબળો સામેલ હોય છે. અહીં મુદ્દો એક જ છે કે તમે લીધેલું કોઇ પણ પગલું આખરે તમને બચાવે કે ના બચાવે પણ એ પગલું તમે ગભરાટથી લીધંુ ના હોય તે મહત્ત્વનું છે. ભયની લાગણી એવી છે કે, તે રક્ષા કરનારા ચોકીદાર તરીકેની કામગીરી મર્યાદિત બજાવે છે.
તે આપણા તન-મનની શક્તિઓ એટલી શિથિલ કરી નાખે છે કે આપણે રોગ અગર આપત્તિનો પૂરેપૂરો સામનો કરી શકતા નથી. શરીરની કોઇ પણ તકલીફ બાબતમાં, તે ગમે તેટલી ગંભીર હોય તો પણ તમે જયારે સ્વસ્થતા દાખવો છો, મારનાર કરતાં તારનાર મોટો છે એવી શ્રદ્ધાથી તેની સાથે કામ પાડો છો ત્યારે તમે જીતો કે ના જીતો પણ સારી લડત આપ્યાનો સંતોષ તો લઇ જ શકો છો. શરીર માત્ર રોગને પાત્ર છે પણ રોગને પહોંચી વળવા માટે જરૂરી ઉપચાર કરીને સંતોષ માને છે તેને બીજો વાંધો આવતો નથી પણ જે ઉપચાર કરે ના કરે પણ બધો જ વખત રોગનો - વ્યાધિનો - પીડાનો જ વિચાર કર્યા કરે છે તેને માટે પીડાનો કોઇ પાર રહેતો નથી. જે જાણે જીવવાનું જ ભૂલી જાય છે. તે જિંદગીને માણવાનું જ ભૂલી જાય છે અને જાણે તેનો રોગ શરીરમાં પેટાભાડૂત મટીને મકાનનો માલિક બની ગયો હોય તેવી હાલત અનુભવે છે.
આજે આપણે બધા લોકોને તેમની તબિયત વિષે જાતજાતની ફરિયાદો કરતા સાંભળીએ છીએ. એક મિત્રે હમણાં હસતાં હસતાં એવી ટકોર કરી કે આજકાલ હું તો કોઇને કેમ છો? મજામાં છો ને? એવા ખબર શિષ્ટાચાર ખાતર પણ પૂછતાં ખચકાટ અનુભવું છું. કેમ કે કેમ છો? એવો પ્રશ્ન કર્યો નથી અને તબિયતની નાનીમોટી તકલીફોનાં લાંબા બયાનનાં હેલ્થ બુલેટિન બહાર પડ્યાં નથી! ગેરસમજ ના કરશો - મિત્ર કે સંબંધીની તબિયતમાં રસ જ નથી તેવી વાત નથી - તેના પ્રત્યે સહાનુભૂતિ નથી એવું પણ નથી પણ તબિયત અંગે આ પ્રકારનો માનસિક વળગાડ મને ગમતો નથી! મારી તબિયત, મારી તબિયત એ શરીરના મોહની પરાકાષ્ઠા જેવું લાગે છે.
આપણે જાણે કે ભૂલી જ ગયા છીએ કે માનવનું શરીર જીવન છે અને શરીરની અંદર રોગની સામે લડનારા સલામતી દળો પણ છે. પણ આપણે તો શરીરને એક જીવંત શક્તિ માનવાને બદલે માત્ર એક ર્નિિજવ યંત્ર માનીએ છીએ અને તેને એવું વાહન ગણીએ છીએ કે આપણે તે - પાણી તેમાં બરાબર પૂરીને બધા ભાગોની મરામત કરીને જ તેને ચાલુ હાલતમાં રાખી શકીએ. નહીંતર તો જાણે ગેરેજમાં નોન-યૂઝમાં પડ્યું રહે! આપણો શ્વાસ જાગતાં-ઊંઘતાં ચાલ્યા જ કરે છે, કાન સાંભળે છે, આંખ જુએ છે, મગજ વિચાર કરે છે, લોહીનું પરિભ્રમણ ચાલે છે, શરીરનાં બધાં જ અંગો તેનું કામ કર્યા જ કરે છે અને તે માત્ર આપણી સ્પષ્ટ આજ્ઞાની રાહ જુએ છે તેવું તો નથી જ! કોઇ માણસ શ્વાસ લેવાનું ભૂલી ગયો એથી મૃત્યુ પામ્યો હોય એવું બન્યું નથી. માણસો બેભાન અવસ્થામાં દિવસોના દિવસો સુધી જીવતા રહ્યા હોય એવું બન્યું છે. આફ્રિકામાં ગરીબ લોકો વચ્ચે વર્ષો સુધી તબીબી સેવાઓ આપનારા ડાૅ. આલ્બર્ટ સ્વાઇઝર જેવાએ કહ્યંુ છે કે, હું નિદાન કરું છું, દવા આપું છું પણ દર્દીને સાજા કરે છે તેનામાં બેઠેલો ઇશ્વર! તમારામાં બેઠેલી આ શક્તિ આત્મબળ-મનોબળ રૂપે તમને પૂછયા કે જણાવ્યા વગર અનેકાનેક કાર્યો બજાવે છે. તબીબી વિજ્ઞાને આશ્ચર્યજનક પ્રગતિ કરી છે અને એક સમયે જે રોગો અસાધ્ય હતા તેની અત્યંત અસરકારક દવાઓ આજે આપણને મળી શકે છે. આ કંઇ નાનોસૂનો આશીર્વાદ નથી, જયારે અને જયાં તેની જરૂર હોય ત્યાં તેનો ઉપયોગ ચોક્કસ કાળજીપૂર્વક કરવો જોઇએ. દવા જ ના કરવી, સારવાર ના લેવી. તબિયતની કાળજી ના લેવી એવું કહેવાનો અહીં આશય નથી.
અહીં મુદ્દો એક જ છે કે જરૂર પડે તો દવા લો, ઉપચાર કરો પણ મનની સોયમાં તબિયતનો દોરો જ સતત પરોવેલો ના રાખો - એવી રીતે ના પરોવી રાખો કે રોજરોજની જિંદગીનું કંઇ ભરતગૂંથણ તમે કરી જ ના શકો! ઉપચાર કરો પણ તબિયતની ચિંતા છોડો! છેવટે ઉત્તમમાં ઉત્તમ ઔષધિ માત્ર દારૂગોળો છે, લડવાનું તો તમારે જ છે! રોગના ગમે તેવા મોટા શત્રુને હરાવવાનું કામ તમારે જ કરવાનું છે. શત્રુને માત કરવાના કાર્યમાં શસ્ત્રસરંજામ, દારૂગોળો એ આવશ્યક સાધનો-હથિયારો બની શકે - લડવાની શક્તિ અને હિંમત તો તમારે જ બતાવવાં પડશે.
આપણે જાણીએ છીએ કે શ્રેષ્ઠ શસ્ત્રો અને બેસુમાર દારૂગોળો છતાં ડરપોક સૈન્ય હારી જાય છે અને ઓછાં શસ્ત્રો અને ઓછો દારૂગોળો છતાં બહાદુર સૈનિકો જંગ જીતી જાય છે.
તબિયતની તકેદારી એ પણ સોનાની કટારી જેવી છે - તે ભેટમાં શોભે, પેટમાં નાખીએ તો મરી જવાય! છેવટે તબિયત - સારી તબિયત, સારી રીતે જીવવા માટે છે. માત્ર તબિયત ટકાવવા માટે કંઇ જીવવાનું નથી. આપણે જાણીએ જ છીએ કે નબળી તબિયત સાથે ઘણા લોકો લાંબું જીવ્યા અને સુખેથી જીવ્યા છે અને ઘણું કાર્ય કરી ગયા છે. બીજી બાજુ સંપૂર્ણ નિરોગી એવા કેટલાય લોકો ખાસ કશું જ કર્યા વગર માત્ર હાજરી પુરાવતા રહ્યા છે. આયુષ્યને તબિયતની સાથે થોડો સંબંધ છે - ખરેખર ઝાઝો સંબંધ નથી! એક માણસ હૃદયરોગના પાંચ હુમલા છતાં ટકી રહે અને બીજો માણસ પહેલા જ હુમલામાં ખપી જાય! આનો ભેદ આપણે જાણતા નથી.
ફિલસૂફ સ્પીનોઝાની તબિયત તદ્દન ખરાબ હતી. તેણે પોતાની તબિયતનો વિચાર કર્યો હોય તો તે કશું કરી જ શક્યો ના હોત. કદાચ જીવી પણ શક્યો ના હોત. આવા ધર્માત્માઓને અગર તત્ત્વચિંતકોને બાજુએ મૂકીને તમે મહાન યોદ્ધાઓ - સેનાપતિઓની જિંદગી વિષે પણ જાણકારી મેળવશો તો તમને નવાઇ લાગશે કે આમાં ઘણાખરાને તો તબિયતના ગંભીર પ્રશ્નો હતા! અમેરિકાના સરસેનાપતિ અને પ્રમુખ આઇઝહોવરના ચરિત્રમાં યુરોપની યુદ્ધભૂમિ પર હિટલરની સામે તેણે મેળવેલ વિજયની વાત તો ઠીક છે, વધુ નોંધપાત્ર વિજય તો પોતાની પર હૃદયરોગના થયેલા પ્રચંડ હુમલા વખતે રોગ સામે જે બહાદુરી બતાવી તેમાં સમાયેલો છે.
અમેરિકાના પ્રમુખ ફ્રાંકલિન ડિલીનો રૂઝવેલ્ટનું કમર નીચેનું અડધું અંગ ભરજુવાનીમાં ખોટું પડી ગયું છતાં તેમણે જાહેર જીવનનું કાર્યક્ષેત્ર ન જ છોડ્યું અને તબિયતના ગંભીર પ્રશ્નમાં પણ કદી નાસીપાસ થયાની લાગણીને મચક ના આપી. એકવાર એક વ્યક્તિએ તેમના ધૈર્યની પ્રશંસા કરી ત્યારે રૂઝવેલ્ટે કહ્યંુ કે તમે જે પ્રસંગની વાત કરો છો તેમાં સવાલ થોડા સમય પૂરતી ધીરજ રાખવાનો હતો - મેં તો મારી પગની ખોટી પડી ગયેલી માત્ર એડીને હલાવવા માટે મહિનાઓ સુધી મહેનત કરી છે!
કેટલાક લોકો તબિયતની બાબતમાં એટલા માટે ગાંજી જાય છે કે તેઓ પોતાના રોગને કે તબિયતની નાદુરસ્તીને શિક્ષા ગણે છે પણ તેને ઇશ્વરની કે નસીબની કોઇ શિક્ષા ગણવાની જરૂર જ નથી. રામકૃષ્ણ પરમહંસને કેન્સર હતું અને બીજા પ્રશ્નો પણ હતા. રામકૃષ્ણ કદી શરીરને મર્યાદાને શિક્ષા કે પોતાની અશક્તિ કે ગેરલાયકાત રૂપે જોઇ નહોતી. સ્વામી વિવેકાનંદને પણ તબિયતના પ્રશ્નો હતા. સંતશ્રી મોટાની શારીરિક પીડાની વાતો જાણતી છે, પણ આ લોકોએ કદી નરમ તબિયતને નિષ્ક્રિયતાના બચાવનામા તરીકે વાપરી નથી અને પોતાના દુઃખનું કારણ પણ ગણી નથી. માણસનું શરીર તો માટીનું છે - આપણે જાણીએ છીએ કે અત્યંત મજબૂત બાંધાના અને પોલાદના યંત્રોમાં પણ કોઇ ને કોઇ કારણે, ક્યારેક ને ક્યારેક કોઇક ભાગ બગડે છે અને ખોટકો ઊભો થાય છે.માણસને પોતાના શરીરમાં કોઇ ત્રુટિનો અનુભવ થાય તો તે માટે તેણે ઇશ્વરનો, માબાપનો કે પોતાની જાતનો કોઇ વાંક કાઢવાની જરૂર નથી કે પોતાની જાતને ઠપકો આપવાની પણ જરૂર નથી.
એક પ્રૌઢ વયના વેપારીને તબિયતના કેટલાક પ્રશ્નો હતા અને તેમણે યોગ્ય ઉપચાર અને કાળજી વડે પોતાની તબિયતને ખૂબ સરસ બનાવી દીધી. આ અંગે તેમના એક મિત્રે તેમને અભિનંદન આપ્યા ત્યારે તેમણે હસીને કહ્યું કે, ‘‘હું તો વેપારી છું, કોઇ માંદું ઔદ્યોગિક એકમ ખરીદ કરીને તેને કમાતું કરી દઉં તો જ હું સારો વેપારી ગણાઉં! મેં મારા શરીરને ઇશ્વરે મને સોંપેલું એક સીક યુનિટ માંદું ઔદ્યોગિક એકમ ગણ્યું અને ઇશ્વરે મને બાહોશ વહીવટકર્તા સમજીને મારા માંદા શરીરનું સમારકામ કરવાનું મને સોંપ્યું છે તેમ સમજીને ગ્ય ઉપચારો કર્યા! એ ઇશ્વરની દયા કે મારા પ્રયાસો સફળ નીવડ્યા બાકી એથી વધુ ઝાઝો યશ હું લઇ શકું નહીં.
આ વેપારીએ જે વાત કરી તેમાં પણ એક નોંધપાત્ર મુદ્દો છે. શરીર માંદું પડે, નબળું પડે, કંઇક ઉપદ્રવ કરે તો તેને ધિક્કારો નહીં. તેની પ્રત્યે અણગમો કે, લાચાર બિચારું એવી લાગણી ના કેળવો. આ શરીર પણ ઇશ્વરની - માતાપિતાની મોટી બક્ષિસ ગણીને તેને દુરસ્ત કરવા પ્રયત્ન કરો. દુરસ્તી માટે જરૂર પ્રયત્ન કરો પણ તબિયતન - તે ગમે તેટલી નરમ હોય તો પણ જિંદગીની મુખ્ય ચિંતાનું મહત્ત્વ તેને ન જ આપો. તબિયત સુધારવા બધું જ કરો પણ બાકીનું ભગવાન પર છોડી દો.
સાચી વાત એ છે કે તમે તબિયતને જિંદગીની પરીક્ષાનો મુખ્ય પ્રશ્ન જ નહીં ગણો અગર મુખ્ય પ્રશ્ન જ નહીં બનાવી દો તો તમે કેટલીક અકારણ તંગદિલીથી બચી જશો. આજે તો હવે એ હકીકત સ્વીકારાઅ ચૂકી છે કે તબિયતની સુધારણામાં દર્દીની માનસિકતા પ્રસન્નતા અને મનોબળ ખૂબ જજ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
જિંદગીના એકંદર મુકાબલાને જે વાત લાગુ પડે છે તે જ તબિયતની બાબતને પણ લાગુ પડે છે. જિંદગીનો મુકાબલો માણસે સામી છાતીએ કરવો જોઇએ અને વાસ્તવિકતા ઉપર ઢાંકપિછોડો કરવો નહીં જોઇએ. તબિયતની બાબતમાં કેટલાક લોકો હકીકતો કબૂલ કરવાની ના પાડે છે અને તેની પ્રત્યે દુર્લક્ષ સેવે છે.
અંગ્રેજ નવલકથાકાર ડી. એચ. લોરેન્સ આમ તો ખૂબ જ દૃઢ મનોબળના માણસ હતા - દારુણ ગરીબી વચ્ચે પણ તે કદી નાસીપાસ થયા નહોતા અને પિસ્તાળીસ વર્ષની જિંદગીમાં જ તેમણે ઘણુંબધંુ લખ્યું પણ તે કદી એવું સ્વીકારવા તૈયાર જ ના થયા કે તેમને ક્ષયરોગ છે! તે હંમેશાં શરીદીની જ વાત કરતા રહ્યા અવે ક્ષયની જે કાંઇ સારવાર ત્યારે ઉપલબ્ધ હતી તેનો લાભ પણ તેમણે લીધો નહીં.
કેટલીક વાર એવું બને છે કે, દર્દીનું મનોબળ મજબૂત હોય છે પણ તેમના સ્વજનો એકદમ લાગણીશીલ થઇને સાચી હકીકત દર્દીથી છુપાવે છે - છેવટે જે થવું હશે તે થશે - રોગ જે નુકસાન કરવાનો હશે તે કરશે પણ આવા ગંભીર રોગની વાત દર્દીને કહી દઇને તેને શા માટે આઘાત પહોંચાડવો! પણ આ વલણ ખોટું જ છે. તમે દર્દીને સાચી હકીકતથી વાકેફ કરો તો તે પોતાના રોગનો વધુ સારી રીતે, વધુ મક્કમતાથી મુકાબલો કરી શકશે અને પોતે પોતાના જીવન વિષે વિચારી પણ શકશે. થોડીક વાર રડશે પણ પછી હિંમત ભેગી કરશે. તેમાં તમે મદદ કરી શકો છો, પણ તમે તેને અંધારામાં રાખશો તો તેને કોઇ જ ફાયદો થવાનો નથી. છેવટે મોડે મોડે એ જયારે આ વાત જાણશે ત્યોર તેને વધુ મોટો આઘાત લાગવાનો છે અને પોતાની સાથે છેતરપિંડી થઇ હોય તેવી લાગણી તે અનુભવ્યા વગર રહેશે નહીં.