Thursday, April 10, 2014

જીવનમાં શ્રદ્ધા વિના ચાલતું નથી તો શ્રદ્ધાના કોઈક આધાર વિના પણ ચાલતું નથી

જીવનમાં શ્રદ્ધા વિના ચાલતું નથી તો શ્રદ્ધાના કોઈક આધાર વિના પણ ચાલતું નથી
ભૂપત વડોદરિયા

સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા- વિશ્વ ધર્મ પરિષદમાં ભારતના ‘પ્રતિનિધિ’ તરીકે ગયા ત્યારે તેમને કોઈ ‘પ્રતિનિધિ’ તરીકે સ્વીકારવા તૈયાર નહોતું! પરિષદને હજુ વાર હતી- હજુ સમય હતો. ભારતમાંથી કોઈ સંસ્થા તેમને પોતાના પ્રતિનિધિ હોવાનું પ્રમાણપત્ર આપે તો સ્વામી વિવેકાનંદ આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં માનભેર હાજરી આપી શકે! પણ ત્યારે તેમને આવું પ્રતિનિધિત્વનું પ્રમાણપત્ર આપવા ભારતની કોઈ ર્ધાિમક સંસ્થા તૈયાર થઈ નહીં! ભારતના મઠાધીસ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા- વિશ્વ ધર્મ પરિષદમાં ભારતના ‘પ્રતિનિધિ’ તરીકે ગયા ત્યારે તેમને કોઈ ‘પ્રતિનિધિ’ તરીકે સ્વીકારવા તૈયાર નહોતું! પરિષદને હજુ વાર હતી- હજુ સમય હતો. ભારતમાંથી કોઈ સંસ્થા તેમને પોતાના પ્રતિનિધિ હોવાનું પ્રમાણપત્ર આપે તો સ્વામી વિવેકાનંદ આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં માનભેર હાજરી આપી શકે! પણ ત્યારે તેમને આવું પ્રતિનિધિત્વનું પ્રમાણપત્ર આપવા ભારતની કોઈ ર્ધાિમક સંસ્થા તૈયાર થઈ નહીં! ભારતના મઠાધીશોએ સાફ ના જ પાડી! સ્વામી વિવેકાનંદને વિશ્વ ધર્મ પરિષદમાં ‘પ્રતિનિધિત્વ’ અમેરિકાના એક વિદેશી ગૃહસ્થે જ મેળવી આપ્યું- તેણે મેલાંઘેલાં કપડાંમાં આ ભારતીય યુવાન સંન્યાસીની વાણી સાંભળી અને કહ્યું કે કોઈ પણ પરિષદમાં ઈશ્વર કે ધર્મ વિશેની વાત કરવા માટે આ માણસની પાસે કોઈ પ્રમાણપત્ર માગવું તે સૂર્યના પ્રકાશ ફેલાવવાના અધિકાર માટે સૂર્ય પાસે પ્રમાણપત્ર માગવા બરોબર છે! સ્વામી વિવેકાનંદને મદદ કરવાની પ્રેરણા ઈશ્વરે જ અમેરિકાના એ માણસના દિલમાં મૂકી અને સ્વામી વિવેકાનંદની વાણી ગુંજી ઊઠી- અમેરિકામાં જ નહીં, સમગ્ર સંસારમાં! સ્વામી વિવેકાનંદનું પૂર્વજીવન જોઈએ તો તેમને માટે પણ આશા રાખવાનું કોઈ કારણ રહ્યું નહોતું અને ઈશ્વરમાં પણ લગીરેય શ્રદ્ધા રાખવાને કોઈ કારણ રહ્યું નહોતું! પણ સાચી શ્રદ્ધા કોઈ જ કારણો કે પ્રમાણોની ઓશિયાળી હોતી નથી. જેમણે અનુભવ કર્યો છે તે જાણે છે કે સત્યની જેમ જ શ્રદ્ધા પણ સ્વયંસિદ્ધ હોય છે.

જીવનમાં શ્રદ્ધા વિના ચાલતું નથી તો શ્રદ્ધાના કોઈક આધાર વિના પણ ચાલતું નથી.

તમે ઈશ્વરનો આધાર ન સ્વીકારો તો છેવટે કોઈ માણસનો કે કોઈ સિદ્ધાંતનો કે કોઈ આદર્શનો આધાર લેવો જ પડે છે! એચ.જી. વેલ્સ સફળ લેખક બન્યા. ધન પામ્યા, બંગલો બનાવ્યો પછી એમના એક મિત્ર તેમને ઘેર મળવા ગયા. મિત્રે બંગલો જોયો. એચ.જી. વેલ્સ પોતે એક નાનો ખંડ વાપરતા હતા. મિત્રે પૂછ્યું કે, આ મોટો ખંડ કોણ વાપરે છે? એચ.જી. વેલ્સે કહ્યું કે, ‘અમારી કામવાળી!’ મિત્રને આશ્ચર્ય થયું ત્યારે એચ.જી. વેલ્સે ખુલાસો કર્યો- ‘મારી માતા પણ કામવાળી હતી!’

એચ.જી. વેલ્સે માતાને શ્રદ્ધાનો આધાર બનાવી. કોઈ આ રીતે પિતાને, ગુરુને કે મિત્રને આ હોદ્દો આપે છે. આમાં કશું ખોટું પણ નથી. કેમ કે માતા, પિતા, ગુરુ જ નહીં, કોઈ પણ માણસમાં ઈશ્વર તો બેઠો જ છે. ક્યારેક એ તમારો પરીક્ષક બને ત્યારે તમને તે અણગમતો લાગે છે, પણ તે તમારો મિત્ર અને માર્ગદર્શક પણ હોઈ શકે છે એટલે સહાયક પણ એ જ બને.

જે માણસ આશા રાખે છે તેની કસોટી પણ થાય છે. તેમાં આશા ‘નપાસ’ થાય તો તેનું દુખ લાગે, પણ માણસે સમજવું રહ્યું કે તેની આશા નપાસ થઈ તેનો અર્થ એ કે હજુ વધુ તૈયારીની જરૂર છે! આ રીતે શ્રદ્ધા પણ કસોટીએ ચઢે છે અને હકીકતે વધુ ને વધુ કસોટીમાંથી પસાર થઈને શ્રદ્ધા વધુ અણિશુદ્ધ બને છે. શ્રદ્ધા તકલાદી હશે તો તેને તૂટતાં વાર નહીં લાગે. અમેરિકાના ચિંતક-લેખક મહાત્મા એમર્સનનો દીકરો ગુજરી ગયો ત્યારે તેમને એક ધક્કો લાગ્યો. પછી છેક ૬૯ વર્ષની ઉંમરે ઘર બળી ગયું ત્યારે બીજો મોટો ખળભળાટ થયો. માણસ છીએ એટલે દુખ તો લાગે જ, પણ છેવટે માણસે દુખને પણ દવાની જેમ પીવું જ પડે છે અને પોતાની ‘સ્વસ્થતા’ને વિશેષ શક્તિશાળી બનાવવી પડે છે. એક એવો સમય આવે છે કે જયારે માણસને સમજાય છે કે સાચો ખેલાડી હોવું તેનો અર્થ રમતની કુશળતાની સજજતા હોવી તે છે. તે રમતનાં સાધનોની પ્રાપ્તિ કે માલિકી નથી. એ જ વાત માણસને લાગુ પડે છે. જીવનને સમજવાની અને માણવાની જેટલી ‘સજજતા’ માણસમાં વધારે એટલું એનું જીવન ચઢિયાતું. ખેલાડીને સફળતા મળે, તે જીતે અને નિષ્ફળ પણ જાય- તે હારે પણ ખરો, પણ સારો ખેલાડી સારો જ રહે છે. એક કે અમુક ખેલના પરિણામ ઉપર તેના છેવટના મૂલ્યાંકનનો આધાર નથી. જિંદગીનો મુકાબલો કરવાની જેટલી ક્ષમતા-સજજતા તેનામાં વધારે એટલો તે માણસ વધુ ‘પ્રાણવાન’. ગમે તેટલી ઊંડી ખીણમાં ગબડ્યા પછી પણ આકાશમાં તારાની સાથે નજર સાંધો અને ઊંચું નિશાન પકડી જ રાખો ત્યારે તમારું જીવન સાર્થક દૃષ્ટાંત બને છે. જિંદગીના સ્થૂળ-ક્ષુદ્ર હેતુઓની પાછળ દોડો ત્યારે તમને તેમાંથી ગમે તે મળે- તેનાથી તમારા જીવનચરિત્રમાં કોઈ રંગ ઉમેરાતો નથી. જીવનનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જયાં આશા કે શ્રદ્ધા વગર માણસ કંઈ પણ કરી શક્યો હોય. અમુક આશા સાથે, અમુક શ્રદ્ધા સાથે જ આગળ વધવું પડે છે- આ પ્રારંભિક મૂડી વગર તો એકપણ ડગલું આગળ વધી ન શકાય- સંશોધનનો લાંબો પંથ કાપી પણ ન શકાય!

માણસનો ઇતિહાસ એવાં અનેક દૃષ્ટાંતોથી ભરપૂર છે જેમાં માણસ ગરીબ હોય, દુખી હોય, રોગગ્રસ્ત હોય, અપંગ હોય- જાતજાતનાં દુર્ભાગ્યોથી ઘેરાયેલો હોય અને છતાં તે એક ‘આત્મા’ રૂપે, એક દૈવતભર્યા વ્યક્તિત્વરૂપે, એક જબરદસ્ત હસ્તીરૂપે ઝળહળી ઊઠ્યો હોય અને જગતનો કોઈ ને કોઈ ખૂણો અજવાળી ગયો હોય!

પુસ્તક પંચામૃતમાંથી ...........